તાજેતરમાં નવસારીના ખેરગામમાં હિંદુ તરૂણી પર બળાત્કારની ઘટનાએ ઘેરા પડઘા પાડ્યા હતા. પીડિતા પર બળાત્કાર આચરીને તેના ફોટા અને વિડીયો બનાવી ધર્માંતરણ કરવા બ્લેકમેલ કરનાર આરોપી અસીમ શેખની ધરપકડ બાદ પોલીસે જાહેરમાં તેનું સરઘસ કાઢી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તેવામાં હવે આ ઘટના પર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સરકાર આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરશે અને ગુનેગારોને છોડવામાં આવશે નહીં.
લવ જેહાદ અને બળાત્કારની વધતી જતી ઘટનાઓને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રેમ શબ્દને બદનામ કરનાર ગુનેગારો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી તો કરશે જ, પણ માત્ર કાયદાકીય રીતે જ નહીં પણ આવા આરોપીઓ સમાજમાં ઉભા પણ ન રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે. ખેરગામમાં બનેલી ઘટના અને કાર્યવાહીને લઈને તેમણે કહ્યું, “પ્રેમ શબ્દને બદનામ કરનાર વ્યક્તિને પોલીસે બરાબર પાઠ ભણાવ્યો છે. કાયદાકીય આનાથી પણ ગંભીરતાપૂર્વક ભણાવવામાં આવશે. આ પ્રકારના ગુનેગારો માટે આ એક સંદેશ છે. માત્ર કાયદાકીય જ નહીં પરંતુ આ પ્રકારના ગુનેગારો સમાજમાં પણ ક્યાંય ઉભા ન રહી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે.”
ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યની ભોળી દીકરીઓ સાથે આ પ્રકારના ષડ્યંત્રો થકી જીવન બરબાદ કરવાના પ્રયાસ કરવામાં આવે એ ચલાવી લેવામાં આવશે નહીં. આ ષડ્યંત્રની માહિતી મળતાં જ દીકરીનો સંપર્ક કરવામાં આવ્યો, તે ફરિયાદ માટે પણ તૈયાર ન હતી પણ હું એને રૂબરૂ મળ્યો છું અને સમાજનો કોઈ પણ ડર રાખ્યા વગર ફરિયાદ દાખલ કરાવડાવી. સમાજની બહેનોએ સાથે મળીને તેના મનમાં જે ડર હતો એ દૂર કર્યો અને તેણે સમગ્ર બાબતો પોલીસને જણાવી ત્યારબાદ કાર્યવાહી થઇ હતી.
શું હતી આખી ઘટના
થોડા સમય અગાઉ નવસારીના ખેરગામમાં પરિણીત શખ્સ અસીમ શેખ દ્વારા હિંદુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ બળાત્કાર કરીને પીડિતાના ફોટા અને વિડીયો બનાવીને પીડિતાને ધર્માંતરણ કરવા બ્લેકમેલ પણ કરી હતી. બાદમાં કેસ થવાની બીકે પોતાના બુટલેગર મિત્ર સાથે પીડિતાના લગ્ન પણ કરાવી નાંખ્યાં હતાં. તેવામાં ગુનો દાખલ થયા બાદ પોલીસે આરોપી અસીમ શેખને મુંબઈથી ઝડપી લીધો હતો. બે બાળકોનો અબ્બુ અસીમ શેખ માથાભારે બુટલેગરની છાપ ધરાવતો હોવાના કારણે પોલીસે કાયદાનું ભાન કરાવવા તેનું ખેરગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. ધરપકડ બાદ અસીમ શેખને કોર્ટમાં રજૂ કરતા તેના 13 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.