Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણમહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ: ભાજપ-શિવસેના સરકારમાં સામેલ થયા NCP નેતા અજિત પવાર,...

    મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ: ભાજપ-શિવસેના સરકારમાં સામેલ થયા NCP નેતા અજિત પવાર, ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા

    અજિત પવારે આજે સવારે પોતાના નિવાસસ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે એક બેઠક કરી હતી. બેઠક બાદ તેઓ સીધા રાજભવન જવા માટે રવાના થયા હતા. તેમની સાથે સમર્થક ધારાસભ્યો પણ રાજભવન પહોંચ્યા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વખત ચર્ચામાં છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) નેતા અજિત પવારે મોટો ખેલ પાડી દીધો છે. તેમણે ભાજપ-શિવસેના સરકારને સમર્થન આપીને ડેપ્યુટી સીએમ પદે શપથ લઇ લીધા છે. તેમની સાથે NCPના અન્ય નેતાઓ પણ મંત્રી પદે શપથ લઇ રહ્યા છે.

    ઉપમુખ્યમંત્રી પદે શપથ લેતાંની સાથે જ તેઓ મહારાષ્ટ્રના બીજા ડેપ્યુટી સીએમ બન્યા છે. હાલ દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપમુખ્યમંત્રી છે. અજિત પવાર સાથે એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ, પૂર્વ મંત્રી દિલીપ વલસે પાટીલ, હસન મુશરીફ, ધનંજય મુંડે વગેરે નેતાઓએ પણ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા.

    NCP નેતા અજિત પવારે આજે સવારે પોતાના નિવાસસ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે એક બેઠક કરી હતી. બેઠક બાદ તેઓ સીધા રાજભવન જવા માટે રવાના થયા હતા. તેમની સાથે સમર્થક ધારાસભ્યો પણ રાજભવન પહોંચ્યા હતા. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિતના વરિષ્ઠ નેતાઓ પણ રાજભવન પહોંચ્યા હતા. 

    - Advertisement -

    અજિત પવારની બેઠકને લઈને શરદ પવારે કહ્યું હતું કે, મને ચોક્કસ ખબર નથી કે આ બેઠક કેમ બોલાવવામાં આવી છે પરંતુ વિપક્ષ નેતા તરીકે તેઓને (અજિત પવાર) ધારાસભ્યોની બેઠક બોલાવવાનો અધિકાર છે. મારી પાસે આ બેઠક વિશે વધારે માહિતી નથી. 

    એક તરફ અજિત પવારની બેઠક ચાલી રહી હતી ત્યાં બીજી તરફ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને મહારાષ્ટ્ર ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં આશિષ શેલાર, ચંદ્રકાન્ત પાટીલ, રવિન્દ્ર ચવ્હાણ વગેરે નેતાઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ તેઓ પણ રાજભવન જવા માટે રવાના થયા હતા. 

    અજિત પવાર હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષ નેતા છે પરંતુ હવે તેઓ સરકારમાં સામેલ થવા જઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ શરદ પવારે પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારથી અજિત પવાર નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી. બીજી તરફ, અજિત પવારે પણ ભાજપ વિરુદ્ધ નિવેદનો આપવાનાં ઘટાડી દીધાં હતાં. 

    અજિત પવાર અને સાથી ધારાસભ્યોની નારાજગીને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ શરદ પવારના રાહુલ ગાંધીને સાથ આપવાના નિર્ણયથી નારાજ હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બિહારના પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને એનસીપીના શરદ પવાર પણ સામેલ થયા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં