વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નવી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે.
પીએમ જે આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોંચવાના છે, તેમણે ગઈ કાલે ટ્વિટર પર લખ્યું, “હું આવતીકાલે, 27 જૂને બે કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ભોપાલમાં આવીશ. પ્રથમ, રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનમાં એક કાર્યક્રમમાં 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ટ્રેનો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં કનેક્ટિવિટી સુધારશે.”
I will be in Bhopal tomorrow, 27th June to take part in 2 programmes. First, 5 Vande Bharat trains would be flagged off at a programme in Rani Kamalapati Railway Station. These trains will improve connectivity in Madhya Pradesh, Karnataka, Maharashtra, Goa, Bihar and Jharkhand.
— Narendra Modi (@narendramodi) June 26, 2023
બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મંગળવારે ભારે વરસાદની સંભાવનાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શહડોલ જિલ્લાના લાલપુર અને પાકરિયાની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે, જો કે, ભોપાલમાં તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.
ANI સાથે વાત કરતા, CM ચૌહાણે સોમવારે કહ્યું, “કાલે (27 જૂન) ભારે વરસાદની સંભાવનાને કારણે, PM મોદીનો શહડોલ જિલ્લાના લાલપુર અને પાકરિયામાં નિર્ધારિત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેમની મુલાકાત હવામાનની સ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવશે. લાલપુરમાં પણ કાર્યક્રમની વ્યવસ્થા ચાલુ રહેશે. ભોપાલમાં પીએમ મોદીના કાર્યક્રમો યથાવત રહેશે.”
સવારે લગભગ 10:30 વાગ્યે, વડા પ્રધાન રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પહોંચશે અને પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આમાં સમાવેશ થાય છે — રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ; અને હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ.
રાણી કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ મધ્ય પ્રદેશના મહાકૌશલ ક્ષેત્ર (જબલપુર) ને મધ્ય પ્રદેશ (ભોપાલ) સાથે જોડશે. ઉપરાંત, વધુ સારી કનેક્ટિવિટીથી પ્રવાસી સ્થળો જેવા કે ભેરઘાટ, પચમઢી, સાતપુરા વગેરેને ફાયદો થશે. આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં આ ટ્રેન લગભગ ત્રીસ મિનિટ જેટલી ઝડપી હશે.
ખજુરાહો-ભોપાલ-ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ માલવા ક્ષેત્ર (ઈન્દોર) અને બુંદેલખંડ પ્રદેશ (ખજુરાહો) ની મધ્ય પ્રદેશ (ભોપાલ) સાથે જોડાણમાં સુધારો કરશે. આનાથી મહાકાલેશ્વર, માંડુ, મહેશ્વર, ખજુરાહો અને પન્ના જેવા મહત્વના પ્રવાસન સ્થળોને ફાયદો થશે. ટ્રેન રૂટ પર હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં લગભગ બે કલાક અને ત્રીસ મિનિટ વધુ ઝડપી હશે.
મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગોવાની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ હશે. તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે દોડશે. બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં તે લગભગ એક કલાકનો પ્રવાસ સમય બચાવવામાં મદદ કરશે.
ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ કર્ણાટકના મહત્વના શહેરો – ધારવાડ, હુબલ્લી અને દાવંગેરેને રાજ્યની રાજધાની બેંગલુરુ સાથે જોડશે. તે પ્રદેશના પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ વગેરેને ઘણો લાભ કરશે. રૂટ પરની સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં ટ્રેન લગભગ ત્રીસ મિનિટ જેટલી ઝડપી હશે.
હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ ઝારખંડ અને બિહાર માટે પ્રથમ વંદે ભારત હશે. પટના અને રાંચી વચ્ચે કનેક્ટિવિટી વધારતી આ ટ્રેન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ માટે વરદાન સાબિત થશે. બે સ્થળોને જોડતી વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં તે લગભગ એક કલાક અને પચીસ મિનિટનો પ્રવાસ સમય બચાવવામાં મદદ કરશે, સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.