દાહોદ શહેરની એક શાળા વિવાદમાં આવી ગઈ છે. સેન્ટ સ્ટીફન સ્કૂલ નામની આ શાળામાં વિદ્યાર્થીઓને ધર્માંતરણના પાઠ ભણાવવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને લઈને હિંદુ સંગઠનોએ શિક્ષણાધિકારીને રજૂઆત કરી જવાબદાર શિક્ષક વિરુદ્ધ કડક પગલાં લેવા માટેની માંગ કરી છે.
દાહોદ-ગોધરા રોડ પર આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે સાતમા ધોરણમાં ભણતાં બાળકોને એક શિક્ષિકાએ ભણાવતી વખતે ધર્માંતરણ વિશે કશુંક ટિપ્પણી કરીને તેને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. બાળકોએ ઘરે જઈને વાલીઓને જાણ કર્યા બાદ તેમણે હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સંગઠનના કાર્યકર્તાઓ શાળાએ પહોંચ્યા હતા અને આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવા માટે રજૂઆત કરી હતી.
દાહોદઃ સ્ટીફન શાળા પર ધર્માતરણનો આરોપ
— News18Gujarati (@News18Guj) June 23, 2023
બાળકોને ધર્માતરણના પાઠ ભણાવાતા હોવાનો આરોપ
વાલીઓએ AHPના સભ્યોને જાણ કરતાં મામલો બિચક્યો
સ્ટીફન શાળાના શિક્ષકને હટાવવા AHPની ચિમકી
શિક્ષકને નહીં હટાવાય તો આંદોલનની ચીમકી
શાળાએ તમામ આરોપ ફગાવ્યા,તપાસની આપી બાંહેધરી
હિંદુ સંગઠનોએ શિક્ષિકાને શાળામાંથી બરતરફ કરવાની માંગ કરી હતી અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે તેમ પણ જણાવ્યું હતું. સંગઠનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી. સંગઠનનું કહેવું છે કે, આ શાળામાં બાળકોને ધર્માંતરણના પાઠ ભણાવવામાં આવે છે, જે બાબતની જાણ વાલીઓએ તેમને કરી હતી. આમ કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી બને તો તેને બંધ કરવામાં આવે તેવી રજૂઆત અધિકારી સમક્ષ મૂકવામાં આવી હતી.
આરોપોને લઈને શાળાના સંચાલક ફાધરે કહ્યું હતું કે, અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ અને અત્યાર સુધી આ પ્રકારની કોઈ ફરિયાદ મળી નથી. આ પહેલી વખત ફરિયાદ આવી છે. આ અંગે અમે શાળાના શિક્ષકો અને બાળકો તેમજ વાલીઓ સાથે ચર્ચા કરીશું.
બીજી તરફ, જેમની ઉપર આરોપ લાગ્યો છે તે શિક્ષિકાએ બચાવમાં કહ્યું કે, તેમણે માત્ર કવિતા ભણાવી હતી અને અન્ય કોઈ બાબત ભણાવી નથી. તેમણે કહ્યું કે, તેઓ રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ભણાવતી વખતે જ્યારે તે લખાઈ હશે ત્યારે શું સ્થિતિ હશે તેનું વર્ણન કર્યું હતું. મારી ઉપર લાગેલા આરોપોનું હું સમર્થન કરતી નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જેતપુરની એક શાળાનો ઑડિયો વાયરલ થયો હતો, જેમાં વાલીએ શાળાના મુસ્લિમ શિક્ષકો પર બાળકોનું બ્રેનવૉશ કરવાનો આરોપ લગાવ્યો હતો. વાયરલ રેકોર્ડિંગમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનાં બાળકો ઘરે આવીને અમ્મી-અબ્બુ જેવા શબ્દો બોલતાં થઇ ગયાં છે તેમજ શાળામાં શિક્ષકો દ્વારા હિંદુ રાજાઓનાં પ્રકરણો છોડીને મુઘલ શાસકોના જ પ્રકરણો ભણાવવામાં આવી રહ્યાં છે.