વિદેશમાં જઈને કૉમેડીના નામે ભારતવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવનાર ‘કૉમેડિયન’ વીર દાસની ગુજરાત ટૂર શરૂ થાય તે પહેલાં જ વિવાદ શરૂ થઇ ગયો છે. વાપી સહીત રાજ્યના ચાર મહાનગરોમાં વીર દાસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થી પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા વીર દાસના શૉનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કેટલાક શૉ રદ કરી દેવામાં આવ્યા છે.
વાપીમાં વીર દાસનો આજનો શૉ રદ કરવો પડ્યો છે તો વડોદરામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 17 જૂનના રોજ આયોજિત શૉ રદ કરવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. બીજી તરફ, સુરતમાં પણ ABVPએ કાર્યક્રમમાં દેશવિરોધી ગતિવિધિઓ થવા પર કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને કૉમેડિયન વીર દાસનો 17 જૂનનો શૉ રદ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જો શૉ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ સંદર્ભે ઑપઇન્ડિયા સાથે ખાસ વાત કરતા ABVP વડોદરા મહાનગર મંત્રી વ્રજ ભટ્ટે જણાવ્યું કે, “ભૂતકાળમાં ભારત વિરોધી નિવેદનો આપી ચૂકેલા કૉમેડિયન વીર દાસનો શૉ વડોદરામાં પણ આયોજિત થયો છે. કૉમેડીના નામે હિંદુ મંદિરો અને ભારત વિરુદ્ધ બોલીને પ્રખ્યાત થવાના નિમ્નસ્તરના પ્રયત્નો ચલાવી લેવામાં નહીં આવે. આ શૉ રદ કરવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે અને કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. જો શૉ રદ નહીં થાય તો આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે.”
આ અંગે વડોદરાના પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, ABVP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ આ મામલે આગળ તપાસ કરવામાં આવી છે અને આયોજકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એક તરફ જ્યાં પહેલેથી જ દેશમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ છે તેને જોતા જો નાગરિકોની લાગણી દુભાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે તો પોલીસે આ દિશામાં જરૂરી પગલાં લેશે તેમ પણ જાણવા મળ્યું છે.
બીજી તરફ, વાપીમાં વિશ્વ હિંદુ પરિષદે આવેદનપત્ર આપ્યા બાદ કૉમેડિયન વીર દાસનો આજનો શૉ રદ થઇ ગયો છે. બુધવારે (15 જૂન 2022) વાપીમાં આયોજિત કૉમેડિયનનો કાર્યક્રમ રદ કરવા માટે વીએચપીએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વીર દાસના શૉનો વિરોધ કર્યો હતો. વિશ્વ હિંદુ પરિષદે રાષ્ટ્રવિરોધી અને દેવી-દેવતાઓ વિરોધી જોક્સ કરનારા કોમેડીયનના કાર્યક્રમથી વલસાડ જિલ્લાનો પણ માહોલ બગડી શકે તેમ જણાવીને શૉ રદ કરવા માંગ કરી હતી.
હિંદુ સંગઠનની રજૂઆત બાદ વીર દાસનો વાપીનો શૉ રદ કરી દેવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા વાપીના જે હોલમાં કાર્યક્રમ થનાર હતો તેના સંચાલકોએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે.
બીજી તરફ, સુરતમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વીર દાસના શૉ મામલે ચીમકી ઉચ્ચારી છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતા વિદ્યાર્થી પરિષદના નેતા હિમાલયસિંહ ઝાલાએ કહ્યું કે, જો કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારે હિંદુ વિરોધી કે ભારત વિરોધી ગતિવિધિઓ થતી જણાશે તો ABVP તેમજ અન્ય હિંદુ સંગઠનો કાયદેસરની કાર્યવાહી કરશે અને દેશનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે. સુરતમાં 16 જૂને વીર દાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.
અહીં નોંધવું જરૂરી છે કે કૉમેડિયન વીર દાસ ગત વર્ષે નવેમ્બર મહિનામાં વિવાદમાં ફસાયો હતો. અમેરિકામાં એક શૉ દરમિયાન તેણે ભારતની વિરુદ્ધ અને હિંદુઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું એવા ભારતમાંથી આવું છું જ્યાં સવારે મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે તેમનો ગેંગરેપ કરવામાં આવે છે.” ઉપરાંત તેણે હિંદુઓને અસહિષ્ણુ કહીને ભગવા રંગની પણ મજાક ઉડાવી હતી.
Gujarat. Woke up showing symptoms, now going to get RTPCR tested. Team is currently working on new dates for the Gujarat in a few weeks whenever the venues are available. Your tickets will be refunded. Sorry Gujarat! I hope you’ll come back on the new dates. pic.twitter.com/YKgvnfA3en
— Vir Das (@thevirdas) June 15, 2022
વાપીમાં શૉ રદ થવા અને અન્ય શહેરોમાં હિંદુ સંગઠનોના થઇ રહેલા વિરોધ વચ્ચે અચાનક વીર દાસને કોરોના થઇ ગયો હોવાના સમાચાર મળ્યા છે. વીર દાસે એક ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, તેને લક્ષણો જણાઈ રહ્યા છે અને RT-PCR ટેસ્ટ પણ કરાવશે. તેણે કહ્યું કે ગુજરાતની ટીમ નવી તારીખો માટે આયોજન કરી રહી છે. ઉપરાંત, જેમણે ટિકિટ ખરીદી છે એ તમામને રિફન્ડ મળશે તેમ પણ તેણે જાહેરાત કરી છે.