2002નાં ગુજરાત રમખાણો બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકાર સામે ષડ્યંત્ર રચવાના આરોપોનો સામનો કરતાં તથાકથિત એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતાં ગુજરાત સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેમણે પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી તેમજ તે સમયે મોદી સરકારને ઉથલાવવા માટે કોંગ્રેસ નેતા અહમદ પટેલ તરફથી તીસ્તાને 30 લાખ જેટલી રકમ મળી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ગત વર્ષે તીસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. તીસ્તા અને અન્યો સામે 2002નાં રમખાણો બાદ બદઇરાદાપૂર્વક તત્કાલીન ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કાવતરું ઘડવાનો આરોપ છે. આ કેસમાં સેતલવાડે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને જામીનની માંગ કરી હતી, જેની ઉપર કોર્ટે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો. સરકારે જવાબ રજૂ કરતાં જામીન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તીસ્તા સેતલવાડ હાલ વચગાળાના જામીન પર બહાર છે. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી તેમને વચગાળાના જામીન આપ્યા હતા.
તીસ્તાએ શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મળીને રચ્યું હતું કાવતરું: સરકાર
બુધવારે તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતાં ગુજરાત સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે, અરજદાર (તીસ્તા) અને તેમના અન્ય બે સાથીઓ- આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે સાથે મળીને એક મોટું કાવતરું પાર પાડવા માટે ષડ્યંત્ર રચ્યું હતું અને તીસ્તા સેતલવાડ વિશે કહ્યું કે તેઓ એક રાજકીય પાર્ટીના નેતાના કહ્યા પ્રમાણે કામ કરતાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે તીસ્તા સાથે FIRમાં આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટનું પણ નામ સામેલ હતું.
ગુજરાત સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીને ગુજરાત હાઇકોર્ટને એ પણ જણાવ્યું કે કઈ રીતે ગુજરાતની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસ નેતા અહમદ પટેલે તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. જે માટે તેમણે તીસ્તા સેતલવાડના જ એક સમયના સાથી રઈસ ખાનની જુબાની ટાંકી હતી. રઈસ ખાને જણાવ્યું હતું કે, તીસ્તા સેતલવાડ અમદાવાદના સર્કિટ હાઉસમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલને મળ્યાં હતાં અને જ્યાં કોંગ્રેસ નેતાએ તેમને કહ્યું હતું કે ‘અમુક લોકો’ જેલમાં જાય તેવું તેઓ (તીસ્તા) સુનિશ્ચિત કરે. રઇસ ખાને નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે તેમના માટે અનેક IPS અધિકારીઓ કામ કરતા હતા, જેમાંથી સંજીવ ભટ્ટ એક હતા.
અહમદ પટેલે આપ્યા હતા 30 લાખ
અહમદ પટેલ પાસેથી 30 લાખ રૂપિયા મળ્યા હોવાના દાવાને સમર્થન આપવા માટે પબ્લિક પ્રોસિક્યુટરે રઈસ ખાન અને નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં રેકોર્ડ પર લેવાયેલાં નિવેદનો ટાંક્યાં હતાં, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે જ અહેમદ પટેલના કહેવાથી તીસ્તા સેતલવાડને રકમ પહોંચાડી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે SITએ પણ અમદાવાદની કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ જ આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે અહમદ પટેલે તીસ્તાને 30 લાખ રૂપિયા પહોંચાડ્યા હતા.
સરકારે કોર્ટને એમ પણ જણાવ્યું કે, મોદીને ફસાવવા માટે તીસ્તા સેતલવાડે પહેલાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારના આરોપો લગાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તીસ્તાએ જાકિયા જાફરીનો સંપર્ક કર્યો હતો અને તેમના થકી ફરિયાદ દાખલ કરાવી હતી. આ સાથે પબ્લિક પ્રોસિક્યૂટરે સુપ્રીમ કોર્ટના ગત વર્ષના એક આદેશનું અવલોકન ટાંક્યું હતું જેમાં કોર્ટે જાકિયા જાફરીની અરજી ફગાવી દઈને તીસ્તા સેતલવાડની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જામીન અપાય એ જાહેર જનતાના હિતમાં નથી: સરકાર
તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કરતી વખતે સરકાર તરફથી વકીલે બેસ્ટ બેકરી કેસના સાક્ષીઓનાં નિવેદનો પણ ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે સેતલવાડે પોતાના એજન્ડા માટે સાક્ષીઓને ભણાવ્યા હતા. આ દલીલોના આધારે સરકારે કોર્ટને કહ્યું હતું કે જો તીસ્તાને જામીન આપવામાં આવે તો તેઓ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અને તેમને મુક્ત કરવાં એ જાહેર જનતાના હિતમાં નથી. કોર્ટ આ મામલે ગુરૂવારે વધુ સુનાવણી હાથ ધરશે.