Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસરકારે ‘અગ્નિપથ યોજના’ જાહેર કરી: સેનામાં ચાર વર્ષ કરી શકાશે નોકરી, મળશે...

    સરકારે ‘અગ્નિપથ યોજના’ જાહેર કરી: સેનામાં ચાર વર્ષ કરી શકાશે નોકરી, મળશે 6.9 લાખ સુધીનું વાર્ષિક પેકેજ; વધુ વિગતો જાણો

    રક્ષામંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં દેશના યુવાનોને દેશની સુરક્ષા સેનાઓ પ્રત્યે આકર્ષવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી જેની સંપૂર્ણ વિગતો આપણે જાણીએ.

    - Advertisement -

    રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સેનામાં ચાર વર્ષ માટે યુવાનોને ભરતી કરવામાં આવશે. તેમને અગ્નિવીર સૈનિક તરીકે ઓળખવામાં આવશે. તેમનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સેવા નિધિ પેકેજ પણ મળશે. 17.5 થી 21 વર્ષ સુધીની ઉંમરના યુવાનો આ માટે અરજી કરી શકશે. 

    અગ્નિપથ યોજનામાં ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. 

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે પગારની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    - Advertisement -

    વાર્ષિક પેકેજ સાથે સૈનિકોને અમુક ભથ્થાં પણ મળશે જેમાં રિસ્ક એન્ડ હાર્ડશિપ, રાશન, ડ્રેસ અને ટ્રાવેલ એલાઉન્સ સામેલ હશે. સેવા દરમિયાન ડિસેબલ થવા પર નૉન-સર્વિસ પિરિયડનો ફૂલ પે અને વ્યાજ પણ મળશે. 

    ચાર વર્ષની નોકરી બાદ યુવાનોને 11.7 લાખ રૂપિયા સેવા નિધિ રૂપે આપવામાં આવશે, જેની ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. ઉપરાંત તમામ અગ્નિવીરોને 48 લાખ રૂપિયાનું નૉન પ્રીમિયમ ઇન્શ્યોરન્સ કવર મળશે. ફરજ દરમિયાન અવસાન થવા પર 44 લાખ રૂપિયાની વધારાની રકમ મળશે. 

    કાર્યકાળ પૂર્ણ થયા બાદ મોટાભાગના અગ્નિવીરો સેવામુક્ત થશે જ્યારે ભારતીય સેનાના રેગ્યુલર કેડરમાં સેવા આપવા માંગતા અગ્નિવીરો સ્વેચ્છાએ અરજી કરી શકશે. જે બાદ જે-તે વર્ષની જરૂરિયાત અને અગ્નિવીરની નિપુણતા અને ક્ષમતાને આધારે બેચમાંથી 25 ટકા અગ્નિવીરોની પસંદગી સેનાની રેગ્યુલર કેડરમાં કરવામાં આવશે અને જ્યાં તેમણે સેનાના નિયમો અનુસાર સેવા આપવાની રહેશે. 

    ભારતીય સેનામાં પહેલા અને બીજા વર્ષમાં 40 હજાર જવાનોની ભરતી કરવામાં આવશે. ત્રીજા વર્ષે 45 હજાર અને ચોથા વર્ષે 50 હજાર જવાનોની ભરતી કરવામાં આવશે. ભારતીય વાયુસેનામાં પ્રથમ-બીજા વર્ષમાં 3500, ત્રીજા વર્ષે 4400 અને ચોથા વર્ષે 5300 સૈનિકોની ભરતી કરવામાં આવશે. જ્યારે ભારતીય નૌકાદળમાં પ્રથમ અને બીજા વર્ષમાં 3 હજાર સૈનિકો, ત્રીજા અને ચોથા વર્ષે પણ 3 હજાર સૈનિકોની ભરતી કરવામાં આવશે.

    ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરતા રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આ યોજના સેનાને આધુનિક બનાવવા માટેની પરિવર્તનકારી પહેલ છે અને તેનાથી ત્રણેય સેનાઓની સરેરાશ ઉંમરમાં પણ ઘટાડો થશે તેમજ ત્રણેય સેનાઓમાં યુવાનોની ભાગીદારી પણ વધશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં