દિલ્હીથી દુબઈ જતા એક પેસેન્જરને ફ્લાઈટમાં ‘બૉમ્બ’ શબ્દનો પ્રયોગ કરવો ભારે પડી ગયો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી કારણકે, તેણે ફોન કૉલમાં બૉમ્બનો ઉલ્લેખ કર્યો હતો અને આ વાત એક મહિલા પેસેન્જર સાંભળી ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે આરોપીને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ અઝીમ ખાન તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાનો રહેવાસી છે.
આરોપી અઝીમ ખાન 7 જૂન, 2023ના રોજ વિસ્તારા એરલાઈન્સની દિલ્હીથી મુંબઈની કનેક્ટિંગ ફ્લાઈટ (UK-941)માં દુબઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે ફોનમાં ‘બૉમ્બ’નો ઉલ્લેખ કર્યો હતો. ફ્લાઈટમાં ‘બૉમ્બ’ શબ્દ સાંભળીને મહિલાએ હોબાળો મચાવ્યો હતો અને ક્રૂ મેમ્બરને ફરિયાદ કરી હતી. ક્રૂ મેમ્બરોએ આરોપીને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિઅલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને સોંપી દીધો હતો. બાદમાં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી.
A male passenger, identified as Azeem Khan of Pilibhit in Uttar Pradesh who was onboard a Vistara flight to Dubai, arrested at Delhi airport on a complaint by a woman co-passenger. The woman had complained to a flight crew member that she heard the man speak of a bomb over the…
— ANI (@ANI) June 9, 2023
મહિલા પેસેન્જરની ફરિયાદ બાદ CISF એલર્ટ મોડમાં આવી ગયું હતું. એરપોર્ટ ટર્મિનલ અને ચેક-ઇન બેગેજ એરિયામાં પણ તેમણે ચેકિંગ હાથ ધર્યું હતું. CISFએ ઉડ્ડયન સુરક્ષા દળ છે, જે દેશના 66 સિવિલ એરપોર્ટ પર આતંકી ખતરો ટાળવા માટે એર પેસેન્જર અને તેમના કેબિન સામાનની તપાસ કરે છે. તપાસમાં CISFને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં 163 પેસેન્જરો સાથેની ફ્લાઈટ નિર્ધારિત સમયના બે કલાક બાદ ટેક-ઓફ થઈ શકી હતી.
ફોનમાં માતા સાથે ‘નારિયેળ’ વિશે વાત કરતો હતો અઝીમ ખાન
તપાસ અધિકારીએ જણાવ્યા અનુસાર, અઝીમ ખાન મુંબઈથી કનેક્ટિંગ ફ્લાઈટમાં દુબઈ જઈ રહ્યો હતો અને તે ફ્લાઈટમાં પોતાની માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. અઝીમ ખાને માતાને કહ્યું હતું કે, સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તેના બેગમાંથી નારિયેળ કાઢી લેવામાં આવ્યું હતું કારણકે, તેમને એ ડર હતો કે નારિયેળમાં કોઈ બૉમ્બ છુપાવીને લઈ જઈ શકે છે. આ વાત સાંભળીને મહિલા પેસેન્જરે એલાર્મ બટન દબાવીને ક્રૂ મેમ્બરને ફરિયાદ કરી હતી, જે બાદમાં અફવા સાબિત થઈ હતી.
અહેવાલ અનુસાર, અઝીમ ખાન પર IPCની કલમ 341 અને 268 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં તેને નોટિસ આપીને છોડી દેવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, જો જરૂરિયાત હશે, તો ભવિષ્યમાં તેને (અઝીમ ખાન) તપાસમાં જોડાવું પડશે.