છેલ્લા કેટલાક સમયથી મંદિરમાં ચોરી થવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. ગત 25 માર્ચ, 2023ના રોજ રાજ્યભરના કુલ 51 મંદિરોમાં ચોરી કરનારી ટોળકી ભાવનગરથી પકડાઈ હતી. તો થોડા દિવસો પહેલાં બનાસકાંઠાના જૈન દેરાસરમાં ઘરેણાંની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. હવે અજાણ્યાં ઇસમોએ સુરેન્દ્રનગરના જૈન દેરાસરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા ‘ઘર હો તો ઐસા’ ફ્લેટના પરિસરમાં આવેલ શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં તસ્કરો મોડી રાત્રે રોકડ ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. અહેવાલ અનુસાર, ગત મંગળવારે (6 જૂન, 2023) રાત્રે 1:52 વાગ્યે અજાણ્યાં શખ્સોએ બંધ દેરાસરને નિશાન બનાવ્યું હતું અને 75,000 રૂપિયા રોકડા ચોરીને ભાગી ગયા હતા. સુરેન્દ્રનગરના જૈન દેરાસરમાં ચોરી કરનારા અજાણ્યાં ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદીએ જણાવ્યા અનુસાર, શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં પૂજારીએ ગત સોમવારે (5 જૂન, 2023) રાત્રે આઠ વાગ્યે રૂટીન મુજબ મંગલીક કરેલું હતું. એ પછી બીજા દિવસે સવારે 5.30 કલાકે તેઓ દેરાસર ગયા તો તેમણે જોયું કે દરવાજા ખુલ્લા અને તાળા તૂટેલા હતા. આથી તેમણે તરત જ પ્રમુખ જીજ્ઞેશભાઈ કોઠારીને જાણ કરતા જીજ્ઞેશભાઈ અને કમીટી મેમ્બરો દેરાસરે દોડી ગયા હતા.
તપાસ કરતાં ઓફિસના ટેબલના ડ્રોઅરમાંથી રૂ. 35,000 રોકડા, દાનપેટીમાંથી રૂ. 25,000 રોકડા તથા અન્ય ભંડારના લોક તોડીને રૂ. 15,000 રોકડા મળીને કુલ રૂ. 75,000 રોકડની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. એ પછી ચોરીની જાણ પોલીસને જાણ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, દેરાસરમાંથી રોકડા સાથે માલસામાનની પણ ચોરી થઈ છે.
સીસીટીવી ફૂટેજમાં અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશતા દેખાયા
શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજ ચેક કરવામાં આવતા 6 જૂન, 2023ની રાત્રે 1.52 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
Surendranagar ખાતે આવેલ સિમંધર સ્વામી ચોવીસ જીનાલયમાં ચોરીની ઘટના, CCTV થયા વાયરલ#GSTV #GSTVNEWS #Gujaratinews #surendranagar #cctv #Crime #police pic.twitter.com/uhdjzMCi5q
— GSTV (@GSTV_NEWS) June 8, 2023
સુરેન્દ્રનગરના માલવણ ગામના મંદિરમાં મોહસિન ખાને કરી હતી ચોરી
સુરેન્દ્રનગરમાં જાન્યુઆરી 2023માં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જિલ્લાના માલવણ તાલુકાના સિદ્ધસર ગામના રામજી મંદિરમાંથી ગામના જ રહેવાસી મોહસિન ખાને ભગવાન રામ, લક્ષ્મણજી અને માતા જાનકીની આશરે 200 વર્ષ જૂની પંચધાતુની મૂર્તિઓ ચોરી લીધી હતી.
જે બાદ પેઢીઓથી મંદિરમાં સેવા પૂજા કરતા મહંત માયારામ વૈષ્ણવે આઘાતમાં અન્નજળનો ત્યાગ કર્યો હતો. મહંત બાદમાં બ્રહ્મલીન થયા હતા. આ કેસમાં ચોર મોહસિન ખાન કુખ્યાત આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને બાદમાં મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી હતી.