કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં માર્કેટિંગ સીઝન 2023-24 માટે તમામ ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે માહિતી આપતા જણાવ્યું હતું કે ડાંગર (સામાન્ય) માટે એમએસપી 2,183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જે ગત સિઝનના રૂ. 2,040 પ્રતિ ક્વિન્ટલ કરતાં 7 ટકા વધુ છે. ડાંગર (A ગ્રેડ) માટે એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,203 નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષના રૂ. 2,060 પ્રતિ ક્વિન્ટલના આંકડા કરતાં વધુ છે.
કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં વધારો કર્યો તેમાં સહુથી મોટો વધારો મગમાં કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર મગ માટે એમએસપી 8,558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષના 7,755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં 803 રૂપિયા વધારે છે.
Union Cabinet has approved increased MSP for Kharif crops for marketing season 2023-24. This move is to ensure remunerative prices to growers for their produce and to encourage crop diversification: Union Minister Piyush Goyal pic.twitter.com/lgocKi8xMn
— ANI (@ANI) June 7, 2023
કયા પાકની MSPમાં કેટલો વધારો?
નોંધનીય છે કે કેબિનેટે 2023-24 માટે અડદની દાળની એમએસપી 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 6,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. જયારે મકાઈના MSPમાં 128 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જુવારની MSP વધારીને 3180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. તુવેર દાળના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટ દ્વારા મગના MSPમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે અને તે વધીને 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. તેનાથી દેશના ખેડૂતોને ફાયદો થશે અને તેઓ નવા પાકના સારા ભાવ મેળવી શકશે.
નોંધનીય છે કે, સ્થાનિક ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન) માં ત્રણ કઠોળ, તુવેર, અડદ અને મસૂર માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ 40 ટકા ખરીદીની મર્યાદા દૂર કરી છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે આ બાબતે જણાવ્યું છે કે આ વર્ષે ખેડૂતો તેમની તુવેર, અડદ અને મસૂરની ખેત પેદાશો PSS હેઠળ કોઈપણ માત્રામાં વેચી શકશે.
આ મામલે જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા લાભકારી ભાવે આ કઠોળની ખાતરીપૂર્વકની ખરીદી ખેડૂતોને આગામી ખરીફ અને રવિ પાકની સિઝનમાં તુવેર, અડદ અને મસૂર માટે વાવણી વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કરશે.” PSS ત્યારે જ લાગુ થાય છે જ્યારે કૃષિ ઉત્પાદનોની કિંમત લઘુત્તમ સમર્થન કિંમત (MSP) થી નીચે આવે. મંત્રાલયે રાજ્ય સરકારોને તુવેર અને અડદના કિસ્સામાં સ્ટોક મર્યાદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને તેમની કિંમતો પર નજર રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.
શું છે MSP?
ખેડૂતો માટે MSP એ પાકના વેચાણની લઘુત્તમ કિંમત છે જેનાથી ઓછી કિંમતે ખેડૂતો પાસેથી પાક ખરીદી શકાતો નથી. MSP વધારવા માટે બિયારણ, ખાતર, મજૂરી, સિંચાઈ, ખર્ચ સહિતના તમામ પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે.