2002ના ગોધરાકાંડ કે જેમાં મુસ્લિમ ટોળાએ સાબરમતી એક્સપ્રેસના એક આખા ડબ્બાને સળગાવીને અયોધ્યા દર્શન કરીને આવી રહેલા હિંદુ દર્શનાર્થીઓને ભૂંજી કાઢ્યા હતા, તેનાથી ચર્ચામાં આવેલ ગોધરા શહેર તે બાદ અવારનવાર ચર્ચામાં આવતું રહેતું હોય છે. હવે નવા સમાચાર મુજબ એવું કંઈક થયું કે ગોધરામાં ફરી એકવાર હિંદુ-મુસ્લિમ ટોળા સામસામે આવી ગયા હતા.
અહેવાલો અનુસાર ગોધરાના શહેરા ભાગોળ ખાતે રેલ્વે ફાટક નીચે અંડર પાસ બનતો હોવાથી ખાડી ફળીયા વિસ્તારમાંથી આવતો રસ્તો બંધ થઇ ગયો છે. જેને લઇને ખાડી ફળીયા વિસ્તારના લોકો શહેરા ભાગોળના કુંભારવાડા પાસેની રાજશ્રી ટોકીજની ગલીમાંથી જઇ રહ્યા છે. રવિવારની મોડી સાંજે કાદરખાન પઠાણ બાઇક લઇને રાજશ્રી ટોકીઝવાળી ગલીમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઇક લઇને પસાર થવા બાબતે કાદરખાન પઠાણની મયુર પરમાર સાથે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બનતા મારામારી થઇ હતી.
કાદરખાન પઠાણે ખાડી ફળીયા વિસ્તારમાં જઇને લોકોને ઉશ્કેરતા બાદશાહ બાવાની ટેકરીના મુસ્લિમ લોકોનું ટોળું રાજશ્રી ટોકીઝની ગલી પાસે પહોચી ગયું હતું. મામલો ઉગ્ર બનતા હિંદુ-મુસ્લિમ ટોળા સામસામે આવીને પથ્થરમારો કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. સામસામે પથ્થરમારામાં મહમંદભાઇને ઇજા પહોચી હતી. પથ્થરમારાની જાણ પોલીસને થતાં બી ડિવિઝનનો કાફલો પહોચ્યો હતો. પથ્થરમારોનો વિડીયો સોસિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરીયાદ નોધાવી હતી.
બને પક્ષોએ સામસામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી
ગોધરામાં એક પક્ષ તરફથી મિત્રાંક પરમારે નોધાવેલી ફરીયાદમાં શરીફખાન મંડપવાળોનો છોકરો, શરીફખાનનો જમાઇ, અનવરભાઇ ટ્રકવાળા, જીશાન પઠાણ, કાદર પઠાણ તથા બીજા 10 જેટલા લોકો સામે રાયોટીંગ સહીતની કલમનો ગુનો નોધાયો હતો. પરમારે તેમના પર ગેરકાનૂની રીતે ભેગા થવાનો આરોપ લગાવ્યો હતો, તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને માર માર્યો હતો.
જયારે કાદરખાન મહેબુબ પઠાણે નોધાવેલી ફરીયાદમાં મયુર પરમાર, મયરુનો ભાઇ હાર્દીક, ઉમેશ રાઠોડ, સુજલ ચૌહાણ, પ્રેમ બીહારી તથા તિરધરવાસમાં રહેતા બીજા 10 લોકો સામે રાયોટીંગનો ગુનો નોધાયો હતો.
હમણાં સુધી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 323, 335 (દુઃખ પહોંચાડવા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન), 143, 149 (ગેરકાયદેસર રીતે ભેગા થવું) અને 147 (હુલ્લડો) હેઠળ બંને સમુદાયોના દરેક પાંચ સભ્યો સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી છે. જયારે પથ્થરમારાનો વિડીયો ઉતારીને સોસિયલ મીડીયામાં વાઇરલ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.