ભારતના આગામી રાષ્ટ્રપતિ કઈ પાર્ટીના હશે તે પ્રશ્ન હવે સૌના મગજમાં આવી રહ્યો છે. ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 18મી જુલાઈએ મતદાન થવાનું છે અને 21મી જુલાઈએ આપણને દેશના આગામી રાષ્ટ્રપતિ મળશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. લોકસભાના સભ્યો, રાજ્યસભાના સભ્યો અને ધારાસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપે છે, પરંતુ વિધાન પરિષદના સભ્યો અને ગૃહના કોઈપણ નામાંકિત સભ્યોને મત આપવાનો અધિકાર નથી. તેવામાં આગામી રાષ્ટ્રપતિ કઈ પાર્ટીના હશે તે સમજવાની કોશિશ કરીએ.
સૌ પ્રથમ તો આપને જણાવી દઈએ કે, ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જે વર્તમાન વ્યવસ્થા છે, તે સન 1974 થી ચાલી રહી છે. અને આ વ્યવસ્થા 2026 સુધી અમલમાં રહેશે. જેમાં ભારતની 1971ની જનસંખ્યાને આધાર તરીકે માનવામાં આવી છે.
કોની પાસે કેટલા મત ?
ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4809 છે. તેમાં લોકસભાના સાંસદો અને તમામ રાજ્ય વિધાનસભાના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. પ્રમુખ તરીકે ચૂંટાવા માટે ઉમેદવારને 50 ટકા મતની જરૂર હોય છે. NDAની તરફેણમાં 440 સાંસદો છે જ્યારે UPA પાસે લગભગ 180 સાંસદો છે. એનડીએ પાસે લગભગ 5,35,000 વોટ છે. આમાં તેના સાથી પક્ષો સાથે તેના સાંસદોના સમર્થન સાથે 3,08,000 મતોનો સમાવેશ થાય છે.
રાજ્યોમાં ભાજપને સૌથી વધુ 56,784 મતો ઉત્તર પ્રદેશમાંથી મળ્યા છે, જ્યાં તેની પાસે 273 ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યને સૌથી વધુ 208 વોટ છે. રાજ્યોમાં, NDA બિહારમાં તેનો બીજો સૌથી વધુ વોટ શેર મેળવશે જ્યાં, 127 ધારાસભ્યો સાથે, તેને 21,971 મત મળશે કારણ કે દરેક ધારાસભ્ય પાસે 173 મત છે. તે પછી 18,375 મતો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, જ્યાં તેની પાસે 105 ધારાસભ્યો અને પ્રત્યેક પાસે 175 મત છે.
2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીની તુલનામાં, ભાજપ અને તેના સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ તેના સાંસદોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે. ભાજપ પાસે 465,797 મત છે અને તેના સહયોગી પક્ષના 71,329 મત છે. એટલે કે કુલ 5,37,126 મત છે. NDAને જીતવા માટે વધુ 9194 વોટની જરૂર છે.
બહુમતીનો આંકડો સરળતાથી પાર કરવા માટે ભાજપની BJD અને YSR કોંગ્રેસ સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. બંનેએ 2017ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપતી વખતે રામનાથ કોવિંદને મત આપ્યો હતો. ભાજપ ફરી એકવાર તેમના ઉમેદવાર માટે બંને પાસેથી સમર્થનની અપેક્ષા રાખે છે. જો YSR કોંગ્રેસ અથવા BJDનું સમર્થન મળશે તો NDAના ઉમેદવારની જીતનો રસ્તો સાફ થઈ જશે.
સૌથી વધુ મત મળે તો પણ જીત નક્કી નહીં
સામાન્ય રીતે, ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને તેની બેઠકનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર કે જીત મતોની સંખ્યાથી નહીં પરંતુ મતોના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે સાંસદો અને ધારાસભ્યોના કુલ મતના અડધાથી વધુ મતો મેળવવાના હોય છે. હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળ અથવા ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોના મતોનું વેટેજ 10,98,903 છે. રાષ્ટ્રપતિ પદ જીતવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 5,46,320 મતોની જરૂર પડશે. આ આંકડા પ્રાપ્ત કરનાર ઉમેદવાર દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.
કોંગ્રેસ શરદ પવારને વિપક્ષના ઉમેદવાર બનાવી શકે
દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત કેટલાક વિપક્ષી નેતાઓનો સંપર્ક કર્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતી ન હોવા છતાં કોંગ્રેસ વિપક્ષ વતી સામાન્ય ઉમેદવાર ઉતારી શકે છે. સોનિયા ગાંધીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી, જેમણે એક સમયે તેમની નાગરિકતાના મુદ્દા પર પાર્ટી છોડી દીધી હતી, તેમજ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના સીતારામ યેચુરી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે પણ ફોન પર વાત કરી હતી.
આ વિપક્ષી નેતાઓ સાથેની વાતચીતમાં સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની એકતા દર્શાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધી શરદ પવારને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવી શકે છે. જો કે આ મામલે હજુ સુધી NCP કે શરદ પવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મમતા બેનર્જી વિપક્ષને એકત્રિત કરવામાં વ્યસ્ત
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનર્જીએ 15 જૂને રાજધાની દિલ્હીમાં વિરોધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. તેમણે NDA સિવાયની પાર્ટીઓ અને વિપક્ષી પાર્ટીઓના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપ્યું છે. કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે આ કોન્ફરન્સ યોજાશે. આમાં જે અગ્રણી નેતાઓને બોલાવવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ઉદ્ધવ ઠાકરે સહિત વિપક્ષના 22 નેતાઓના નામ સામેલ છે.
Our hon’ble chairperson @MamataOfficial calls upon all progressive opposition forces to meet and deliberate on the future course of action keeping the Presidential elections in sight; at the Constitution Club, New Delhi on the 15th of June 2022 at 3 PM. pic.twitter.com/nrupJSSbT8
— All India Trinamool Congress (@AITCofficial) June 11, 2022
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 15 જૂને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવાર પત્રોની ચકાસણી થશે. આ ઉપરાંત ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.