મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં એક ખાનગી શાળામાં હિંદુ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરાવાની ઘટના બાદ વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક હિંદુને તિલક કરનારા મુસ્લિમ વ્યક્તિને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે. આરિફ નામના આ વ્યક્તિનું કહેવું છે કે તેણે ચૂંટણી સભામાં એક હિંદુ વ્યક્તિને ગુલાલથી તિલક કર્યું હતું, જે મુસ્લિમ સમાજના અમુક લોકોને પસંદ નહોતું આવ્યું. એટલું જ નહીં, આરિફની અમ્મીનું મૃત્યુ થયું ત્યારે કોઈ તેના ઘરે નહોતું આવ્યું અને ન તો તેને કોઈ પોતાના ઘરે બોલાવે છે. પીડિત આરિફ બાદમાં ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
એક વર્ષથી થઈ રહ્યો છે સામાજિક બહિષ્કાર
હિંદુને તિલક કરનારા મુસ્લિમ વ્યક્તિનો પરિવાર સહિત છેલ્લા એક વર્ષથી બહિષ્કારનો સામનો કરી રહ્યો છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પીડિત આરિફ શાહ દમોહ જિલ્લાના તેજગઢનો નિવાસી છે. આરિફે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના ઘરની આજુબાજુ હિંદુ ધર્મના ઘણા લોકો રહે છે. એક દિવસ કોઈ ચૂંટણી સભામાં લોકો એકબીજાને મળી રહ્યા હતા ત્યારે તેણે નામદેવ નામના એક વ્યક્તિના કપાળ પર ગુલાલથી તિલક લગાવ્યું હતું. આનાથી તેના સમાજના કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને તેમણે આરિફનો સામાજિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આરિફનું કહેવું છે કે, આ બહિષ્કાર પાછળ સમાજનો પ્રમુખ જવાબદાર છે. પ્રમુખનો પરિવાર બહુ મોટો છે અને સમાજના લોકો તેનું જ કહ્યું માને છે. આરિફે આ મામલે શૌકત અલી અને કલીમ નામના વ્યક્તિઓનાં નામ પણ લીધા છે.
અમ્મીના ઇંતકાલ વખતે સમાજની કોઈ વ્યક્તિ હાજર ન રહી
લાંબા સમય સુધી બહિષ્કાર સહન કર્યા બાદ આરિફ પત્ની અને બાળકો સાથે પોલીસ અધિક્ષકને ફરિયાદ કરવા પહોંચ્યો હતો. આરિફે કહ્યું કે, જ્યારે તેની અમ્મીનું ઇંતકાલ થયું ત્યારે તેના સમુદાયનો કોઈ પણ વ્યક્તિ જમવા નહોતો આવ્યો. એટલું જ નહીં, તેમણે આરિફને પણ પોતાના ઘરે બોલાવવાનું બંધ કર્યું હતું. આરિફનું કહેવું છે કે તેણે આ બહિષ્કારને કારણે ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.
બહિષ્કાર કરનારાઓએ જમીન હડપવાનો પ્રયત્ન કર્યો
આરિફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બહિષ્કાર કરનારાઓએ તેની જમીન હડપવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તેમાં સફળતા ન મળી એટલે તેઓ આરિફથી વધુ નફરત કરવા લાગ્યા હતા. આરિફની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને બોલાવ્યા હતા અને સમજાવટ બાદ મામલાનું નિરાકરણ આવ્યું હતું. પોલીસે આરોપીઓને કહ્યું છે કે, જો આવી ઘટના બીજી વખત બની તો દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.