વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગામી US મુલાકાત દરમિયાન યુએસ કોંગ્રેસ (સંસદ)ના સંયુક્ત સત્રને સંબોધિત કરશે તેવી જાહેરાત અમેરિકાના ટોચના કોંગ્રેસ નેતાઓએ કરી છે. આગામી 21 જૂનથી 24 જૂન દરમિયાન પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જવાના છે, આ દરમિયાન તેઓ આ ઐતિહાસિક સંબોધન કરશે.
22 જૂન, 2023ના રોજ પીએમ મોદી અમેરિકાના હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની એક સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ માટે તેમને હાઉસ સ્પીકર કેવિન મેક્કાર્થી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ અમેરિકા દ્વારા વિદેશી મહાનુભવોને આપવામાં આવતા વિશેષ સન્માનોમાંથી એક કહેવાય છે. હાઉસ સ્પીકર કેવિન મેક્કાર્થી, સેનેટ મેજોરિટી લીડર ચક શૂમર, સેનેટ રિપબ્લિકન નેતા મિચ મૅકકોનેલ અને હાઉસ ડેમોક્રેટિક લીડર હકીમ જેફ્રીઝ જેવા અમેરિકાના નેતાઓએ પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રેપ્રેઝન્ટેટિવ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટના દ્વિપક્ષીય નેતૃત્વ વતી 22 જૂન, ગુરુવારે કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે તમને (વડાપ્રધાન મોદી) આમંત્રિત કરવા માટે અમારા સન્માનની વાત છે.”
It is my honor to invite @PMOIndia@narendramodi to address a Joint Meeting of Congress on Thursday, June 22nd.
— Kevin McCarthy (@SpeakerMcCarthy) June 2, 2023
This will be an opportunity to celebrate the enduring friendship between the United States and India and speak to the global challenges our countries both face. pic.twitter.com/gu68UjJltG
કોંગ્રેસ નેતાના નિવેદનમાં પીએમ મોદીને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, “સાત વર્ષ પહેલાં કોંગ્રેસની સંયુક્ત બેઠકમાં તમારા ઐતિહાસિક સંબોધને કાયમી અસર છોડી હતી અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની મિત્રતાને ગાઢ બનાવી હતી. આગામી વર્ષોમાં આપણા દેશો વચ્ચે સહયોગ વધારવા માટે અમે આતુર છીએ. આ મુલાકાત સંરક્ષણ, ક્લીન એનર્જી, અવકાશ સહિત ક્ષેત્રોમાં આપણી વ્યૂહાત્મક ટેક્નોલોજીની ભાગીદારીને મજબૂત બનાવશે.”
પીમ મોદી બીજી વખત કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે
ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત હશે જ્યારે પીએમ મોદી યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પહેલી વખતે તેમણે 2016માં યુએસ સંસદને સંબોધિત કરી હતી. પીએમ મોદી પહેલાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા અને બે ઇઝરાયેલ પીએમને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધવાનું સન્માન મળ્યું છે. 22 જૂને યુએસ કોંગ્રેસના સેશન બાદ પીએમ મોદી સ્ટેટ ડિનરમાં સામેલ થશે, જેનું આમંત્રણ અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડન દ્વારા આપવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર, પીએમ મોદી સંયુક્ત સત્રમાં ભારતના ભવિષ્ય અને બંને દેશો સામે ઉભેલા વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરશે. હાઉસ સ્પીકર કેવિન મેક્કાર્થીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચેની ભાગીદારી સતત વધી રહી છે અને પીએમ મોદી યુએસ સંસદને સંબોધિત કરે એ અમારા માટે ગર્વની વાત હશે.