ભારતની સરહદે ઘૂસણખોરી કરનારા પર સૈનિકો બાજ નજર રાખી બેઠા હોય છે અને દેશની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય એ માટે હંમેશા સતર્ક રહે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરી નાખ્યો છે. ગુરુવારે (1 જૂન, 2023) સાંબા સેક્ટરમાં મંગૂ ચક બોર્ડર પોસ્ટ (બીઓપી) પાસે મોડી રાત્રે બે વાગ્યે ને 50 મિનિટે આ ઘટના બની હતી.
ચેતવણી મળવા છતાં ભારતીય સીમા તરફ કૂચ કરતો રહ્યો પાકિસ્તાની ઘૂસણખોર
અહેવાલ અનુસાર, બીઓપી મંગૂ ચકમાં આંતરરાષ્ટ્રીય સીમા પર શંકાસ્પદ હલચલ ધ્યાને આવતાં BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો હતો. પાકિસ્તાન બાજુથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી રહેલા વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિઓથી જવાનો એલર્ટ થઈ ગયા હતા. સૈનિકોએ તેને ચેતવણી આપી હોવા છતાં ઘૂસણખોર ભારત સરહદ તરફ કૂચ કરવા લાગ્યો, જે બાદ જવાનોએ ફાયરિંગ કર્યું અને તેને ઠાર કરી નાખ્યો. એ પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
BSF neutralizes Pakistani intruder near international border in J-K
— ANI Digital (@ani_digital) June 1, 2023
Read @ANI Story | https://t.co/PO5t8MvKRB#BSF #Pakistan #internationalborder #JammuKashmir #LOC #Samba pic.twitter.com/boKumlBHbO
ઉલ્લેખનીય છે કે, ગત 22 એપ્રિલ, 2023ના રોજ BSF જવાનોએ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં સરહદ પાર કરતા એક પાકિસ્તાની નાગરિકને પકડી લીધો હતો. એ પહેલાં માર્ચમાં પણ ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ થઈ હતી. આરોપીની ઓળખ ખૈબર જિલ્લાના રહેવાસી તરીકે થઈ હતી, જે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને તીરથ બોર્ડર ચોકી પર ભારતમાં પ્રવેશવાની ફિરાકમાં હતો.
તો નવેમ્બર 2022માં BSF જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના બે પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. જમ્મુ ડિવિઝનમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા અરનિયા સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. તો સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.
પૂંછમાં જવાનોએ નાર્કો ટેરરિઝમનું ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું
પાછલા દિવસોમાં જમ્મુ-કાશ્મીરના પૂંછમાં કરમાડા સેક્ટરમાં એલઓસી પર સુરક્ષા દળોએ નાર્કો ટેરરિઝમના ષડ્યંત્રને નિષ્ફળ બનાવ્યું હતું અને ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. આતંકીઓ પાસેથી એક અફઘાની પ્રેશર કૂકરમાં છુપાવીને રાખવામાં આવેલા 10 કિલો IED, એકે 56 રાઈફલ, બે પિસ્તોલ, 6 ગ્રેનેડ અને 30 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓની ઓળખ મો. ફારૂક (26), મો. રિયાઝ (23) મો. ઝુબૈર (22) તરીકે થઈ છે. ત્રણેય એલઓસીના અંતિમ ગામ કરમાડાના રહેવાસી છે. અગાઉ પુલવામામાં પણ 5 કિલો IED જપ્ત કરીને સુરક્ષાબળોએ મોટું આતંકી ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.