ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં અસ્તિત્વ જણાવવા માટે મહેનત કરી રહેલી આમ આદમી પાર્ટી એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હવે પાર્ટીના અરવલ્લી જિલ્લાના સોશિયલ મીડિયા ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ વાઈરલ થઇ જતાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ શરમમાં મૂકાવું પડ્યું છે.
અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રૂપમાં એક રંગીન મિજાજના કાર્યકરે અશ્લીલ તસવીરો ફરતી કરી દીધી હતી. પાર્ટીના ગ્રૂપમાં બિભત્સ તસવીરો વાઈરલ થઇ જતા કાર્યકરોમાં ચકચાર મચી ગઈ હતી તો કેટલાક હોદ્દેદારોએ પોસ્ટ ડિલીટ કરાવવા માટે મથામણ કરવી પડી હતી.
અગાઉ પણ પાર્ટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ મૂકાઈ હતી
જોકે, આ પહેલીવાર નથી બન્યું જ્યારે આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ ફરતી થઇ હોય. બે મહિના પહેલાં AAP Surat નામનાં એક ગ્રૂપમાં એક યુવક દ્વારા અશ્લીલ પોસ્ટ ફોરવર્ડ કરવામાં આવી હતી. વળી, આ ગ્રૂપ સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભાં રહેલાં એક મહિલાના સમર્થન માટે બનાવવામાં આવ્યું હોવાથી ગ્રૂપમાં મહિલાઓની સંખ્યા પણ વધુ હતી. તે જ ગ્રૂપમાં અશ્લીલ પોસ્ટ મૂકાતા મહિલાઓ સહિતના કાર્યકરોએ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું.
આ મામલે આમ આદમી પાર્ટીએ ‘પાર્ટીને ગ્રૂપ સાથે કોઈ સબંધ નથી’ તેમ કહીને બચાવ કર્યો હતો. ઉપરથી આને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું. ‘આપ’ શહેર સંગઠન મંત્રીએ કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં આ બાબત આવી છે પરંતુ એમાં અમારા કોઈ હોદ્દેદારો કે નેતાઓ નથી.
ઉલ્લેખનીય છે કે આવનાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાપિત થવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા લગભગ એકાદ-બે વર્ષથી મથામણ કરી રહી છે. વર્ષ 2020ની શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી આખા રાજ્યમાં મોટાભાગની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો પર લડી હતી. જોકે, સુરતમાં 120 માંથી 27 બેઠકો મળી હતી, તે સિવાય પાર્ટી ક્યાંય ખાસ કમાલ કરી શકી ન હતી.