દેશ સાથે ગદ્દારીની ચોંકાવનારી ઘટના દિલ્હીથી સામે આવી છે. સેના અને DRDOની જાસુસી કરતા એક સ્વતંત્ર પત્રકારની CBIએ ધરપકડ કરી છે. આ પત્રકાર પર ભારતીય સેના અને DRDOની અત્યંત ગુપ્ત માહિતી એકઠી કરીને વિદેશની ગુપ્ત એજન્સીઓને મોકલાવતો હોવાનો આરોપ છે. CBIએ વિવેક રઘુવંશી નામના આ તથાકથિત પત્રકારના 12 ઠેકાણાઓ પર દરોડા પાડીને દેશની સુરક્ષાને લગતા અનેક ગુપ્ત દસ્તાવેજો કબજે કર્યા છે.
મળતી માહિતી અનુસાર પત્રકારિતાના ઓથા હેઠળ વિવેક રઘુવંશી અનુસંધાન એવં વિકાસ સંગઠન એટલે કે DRDO તથા ભારતીય સેનાની અત્યંત સંવેદનશીલ અને ગુપ માહિતી એકઠી કરી રહ્યો હતો. આટલું જ નહીં, ભવિષ્યમાં DRDO અને ભારતીય સેના મિત્ર દેશો સાથે કેવા પ્રકારની ખરીદદારી કરવાની છે તેમજ તેઓ કઈ યોજનાઓ પર કામ કરી રહ્યાં છે તેની માહિતી પણ વિવેકે મેળવી લીધી હતી. હાલ જાસુસી કરતા આ પત્રકારની CBIએ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વિવેક રઘુવંશી વિરુદ્ધ શાસકીય ગોપનીયતા અધિનિયમના ધારાધોરણો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. CBIએ જયપુર અને દિલ્હી NCR સહીત વિવેક રઘુવંશી સાથે સંકળાયેલા 12 સ્થળોએ દરોડા પાડીને મહત્વપૂર્ણ જાણકારી આપતા સંવેદનશીલ દસ્તાવેજો કબજે કર્યા છે. આરોપ છે કે વિવેક આ દસ્તાવેજો વિદેશી ગુપ્ત એજન્સીઓને મોકલવાનો હતો.
મીડિયા રીપોર્ટસ અનુસાર CBIએ આરોપ લગાવ્યો છે કે વિવેક રઘુવંશી દેશની સેના અને DRDO સહીતની એ પ્રકારની માહિતી એકઠી કરી રહ્યો હતો જે ભવિષ્યમાં દેશની રણનીતિઓ અને તેની પૂર્વ તૈયારીઓ પર ગંભીર પ્રભાવ પાડી શકતી હતી. એજન્સીએ તેમ પણ જણાવ્યું હતું કે વિવેકે ભારતના મિત્ર દેશો સાથેની રણનીતિક અને કૂટનૈતિક વાતચીતનું વિવરણ અને તે ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલી ગોપનીય સંચાર સૂચનાઓ પણ ભેગી કરી રાખી હતી. એજન્સી મુજબ જો આ માહિતી લીક થઈ હોત તો ભારતના દ્વિપક્ષીય સબંધો ખરાબ થઈ શકતા હતા.