ટ્વિટરને હસ્તગત કરીને તેમાં ધરખમ ફેરફારો કરનારા એલન મસ્ક આવનારા દિવસોમાં CEOનું પદ છોડવાના છે. એલન મસ્કે પોતે માઈક્રો બ્લોગિંગ સાઈટ પર આ જાણકારી આપી છે. 12 મેના રોજ એલન મસ્કે ટ્વીટ કરી હતી કે, તેમણે ટ્વિટર માટે નવા CEOની નિમણૂક કરી લીધી છે જે છ અઠવાડિયા બાદ કંપની જોઈન કરશે.
એલન મસ્કે ટ્વીટમાં જણાવ્યું કે, “મને એ જણાવતાં ખુશી થાય છે કે મેં ટ્વિટર માટે નવા CEOની નિમણૂક કરી લીધી છે. તેઓ છ અઠવાડિયા બાદ પોતાની જવાબદારીઓ સંભાળશે. હવેથી હું ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કરીશ.” મસ્કે એવું પણ જણાવ્યું કે તેઓ પ્રોડક્ટ અને સોફ્ટવેરની દેખરેખ કરતા રહેશે.
Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks!
— Elon Musk (@elonmusk) May 11, 2023
My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops.
ઉલ્લેખનીય છે કે, એલન મસ્કે શરૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરના CEO તરીકે કાયમ નહીં રહે. તેમણે ડિસેમ્બરમાં પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે શું તેમણે CEOનું પદ છોડવું જોઈએ? આના જવાબમાં 57.5% લોકોએ હા કહ્યું હતું. હવે તેમણે આ અંગે જાહેરાત પણ કરી દીધી છે. મસ્કે ભલે નવા ટ્વિટર CEO કોણ બનશે તેનો ઉલ્લેખ નથી કર્યો, પણ અમુક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે નવા CEO તરીકે કૉમકાસ્ટ NBC યુનિવર્સલની ટોપ સેલ્સ એક્ઝિક્યુટિવ લિન્ડા યાકારિનો આ પદ સાંભળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, લિન્ડા ટ્વિટર CEOના પદ માટે ઘણાં સમયથી પ્રયાસો કરી રહી છે.
એલન મસ્કે એવું પણ કહ્યું હતું કે તે ટ્વિટરને સોશિયલ મીડિયાથી પણ આગળ એક ‘એવરીથિંગ એપ્લિકેશન’ બનાવવા માગે છે જેમાં ફાઈનાન્શિયલ સર્વિસનો પણ સમાવેશ થાય છે.
ટ્વિટરની આવક 50% ઘટી ગઈ, બ્લૂ સબસ્ક્રિપ્શન પ્લાન પણ નિષ્ફળ ગયો
એલન મસ્કની જગ્યાએ આવનારા નવા CEOએ ઘણાં પડકારોનો સામનો કરવો પડશે. ટ્વિટરના રોજિંદા યુઝર્સની સંખ્યા 2022માં ભલે વધી હોય, પણ ઓક્ટોબર બાદ કંપનીની આવક 50% ઘટી ગઈ છે. આના કારણે એડવર્ટાઈઝિંગમાં પણ મોટો ઘટાડો થયો છે એવું મસ્કે માર્ચમાં જણાવ્યું હતું. તો બીજી તરફ કંપનીનો ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સર્વિસ પ્લાન પણ નિષ્ફળ રહ્યો છે, જે યુઝર બેઝના 1% કરતા પણ ઓછો છે.
બીજી તરફ ટ્વિટર પર ગુરુવારે (11 મે 2023) મેસેજ સર્વિસની સિક્યોરીટી વધારવા માટે એનક્રિપ્ટેડ DM નામનું ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલા ટ્વિટર એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ મેસેજને સપોર્ટ કરતું ન હતું. ટ્વિટરે આ નવા ફીચર સાથે અમુક મર્યાદાઓ પણ નક્કી કરી છે. કંપનીએ કહ્યું કે માત્ર વેરિફાઈડ યુઝર્સ ચૅટમાં આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.