Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહાર સરકારના ડીજીટલ ક્લાસરૂમ બન્યા સિનેમા હોલ: નાલંદામાં ચાલુ પરીક્ષાએ ટીવી પર...

    બિહાર સરકારના ડીજીટલ ક્લાસરૂમ બન્યા સિનેમા હોલ: નાલંદામાં ચાલુ પરીક્ષાએ ટીવી પર ચલાવ્યું ભોજપૂરી ગીત, વિદ્યાર્થીઓએ કોઈના ડર વગર મોબાઈલ ફોનથી ચોરીઓ કરી, વિડીયો વાયરલ

    શિક્ષણ વિભાગના પદાધિકારી કેશવ પ્રસાદે કહ્યું હતું કે આ મામલે અમને જાણકારી મળી છે, વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જવાબદાર શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    બિહારના નાલંદામાં ચાલુ પરીક્ષામાં ટીવી પર ભોજપૂરી ગીત ચાલતું હોવાનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે, અને બીજી તરફ વર્ગખંડમાં મુકવામાં આવેલા ટીવીમાં તીવ્ર અવાજે ભોજપુરી ગીત વગાડવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, પોતાની શિક્ષણ પ્રણાલીને સર્વોત્તમ ગણતી બિહાર સરકારના રાજમાં કેટલાક વિદ્યાર્થીઓ કોઈ જાતના ડર વગર જ મોબાઈલ ફોનથી ચોરીઓ કરતા પણ વિડીયોમાં નજરે પડી રહ્યાં છે. આ તમામ વિદ્યાર્થીઓ 11માં ધોરણની અંતિમ પરીક્ષા આપી રહ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    નાલંદામાં પરીક્ષામાં ભોજપૂરી ગીત વગાડવાનો અને ખુલ્લેઆમ ચોરીઓ કરવાનો આ વિડીયો જિલ્લાના ઈસ્લામપુર પ્રખંડ અંતર્ગત આવતા બૌરીસરાય સ્થિત ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાળામાં ધોરણ 11ની પરીક્ષાઓ ચાલી રહી હતી. આ વિડીયો ગત સોમવાર (8 મે 2023)ના રોજ લેવામાં આવેલી બાયોલોજીની પરીક્ષા દરમિયાન ઉતારવામાં આવ્યો હોવાનું મીડિયા રીપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે.

    વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓ એકબીજા સાથે બેસીને પરીક્ષા આપી રહ્યાં છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓના હાથમાં મોબાઈલ પણ જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં લગાવવામાં આવેલા ટીવીમાં ભોજપુરી ગીતનો વિડીયો મોટા અવાજે ચલાવી રહ્યાં છે. અને અચરજની વાતતો તે છે કે આ દરમિયાન એક પણ શિક્ષક કે નિરીક્ષક વર્ગખંડમાં હાજર નથી.

    - Advertisement -

    આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ બિહાર સરકાર ઊંઘમાંથી સફાળી જાગી હોય તેમ શિક્ષણ વિભાગના પદાધિકારી કેશવ પ્રસાદે કહ્યું હતું કે આ મામલે અમને જાણકારી મળી છે, વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જવાબદાર શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે તપાસ કરવા બીઈઓને આદેશ આપી દેવામાં આવ્યાં છે.

    ઉલ્લેખનીય છે કે બિહારની શિક્ષણનીતિ ઉપર સવાલ ઉભા થાય તેની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ક્યારેક કોઈ શિક્ષકને સામાન્ય સવાલોના જવાબને ફાંફા પડી જતા કે પરીક્ષાઓમાં ગેરરીતી ની ઘટનાઓ, અનેક વાર બિહાર સરકારની પોલ ખુલી ચુકી છે. તેવામાં વાયરલ થયેલો આ વિડીયો બિહારના શિક્ષણ મોડેલના દાવા પર કાળી ટીલી લગાવી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં