આતંકવાદી અને ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના ચીફ પરમજીત સિંઘ પંજવડની પાકિસ્તાનમાં હત્યા કરી નાંખવામાં આવી છે. તે 1990ના દાયકાથી પાકિસ્તાનમાં શરણ લઈને રહેતો હતો. શનિવારે (6 મે, 2023) તેની ગોળીએ દેવાયો હતો. ઘટના પાકિસ્તાનના લાહોર સ્થિત જૌહર નગરમાં બની.
રિપોર્ટ્સ અનુસાર, શનિવારે સવારે 6 વાગ્યે પરમજીત સિંઘ નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મોટરસાયકલ પર બે અજ્ઞાત લોકોએ આવીને ફાયરિંગ કરીને ગોળીઓ ધરબી દીધી હતી અને પંજવડની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જ્યાંથી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પરમજીત સિંઘને ભારત સરકારે UAPA હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો હતો. તેની સામે પંજાબમાં અનેક કેસ નોંધાયેલા છે. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ થઇ ચૂકી છે. જોકે, તે વર્ષોથી પાકિસ્તાનમાં જ રહેતો હતો અને ત્યાંથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો.
1990થી પાકિસ્તાન રહેતો હતો
પરમજીત પહેલાં એક બેંકમાં કામ કરતો હતો. વર્ષ 1986માં તે તેના પિતરાઈ ભાઈ લાભ સિંઘ સાથે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સમાં સામેલ થયો હતો. સુરક્ષાબળોના હાથે લાભ સિંઘ માર્યા ગયા બાદ 1990માં તેણે સંગઠનની કમાન સંભાળી અને પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યારથી તે ત્યાં જ રહેતો હતો. જોકે, તેણે નામ બદલીને મલિક સરદાર સિંઘ કરી નાંખ્યું હતું.
પરમજીત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. 30 જૂન, 1999ના દિવસે ચંદીગઢમાં પાસપોર્ટ કાર્યાલય બહાર એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. આ બ્લાસ્ટ પરમજીતે જ કરાવ્યો હતો. તેની સામે TADA એક્ટ સહિતની કલમો હેઠળ બે કેસ દાખલ થયેલા છે.
યુવાનોને હથિયારની ટ્રેનિંગ આપતો, ભારતમાં પણ ઘૂસાડતો
પરમજીત પાકિસ્તાનના લાહોરમાં રહીને ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહેતો હતો. તે ત્યાં યુવાનોને હથિયારોની ટ્રેનિંગ આપતો ઉપરાંત ભારતમાં VIPઓ પર હુમલા કરવા માટે હથિયારો અને વિસ્ફોટકો સરહદ પારથી ઘૂસાડતો હતો. ઉપરાંત લઘુમતીઓને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા માટે રેડિયો પાકિસ્તાન પર આપત્તિજનક કાર્યક્રમો પણ પ્રસારિત કરતો. આ ઉપરાંત, તે મોટાપાયે ડ્રગ્સ અને ફેક ઇન્ડિયન કરન્સીના સ્મગલિંગમાં પણ સંડોવાયેલો હતો.
ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની વાત કરવામાં આવે તો તેની સ્થાપના ફેબ્રુઆરી, 1986માં કરવામાં આવી હતી, જ્યારે પંજાબમાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓ ચરમસીમાએ હતી. આ સંગઠનનો ઉદ્દેશ્ય હિંસક અને સશસ્ત્ર બળવો કરીને ખાલિસ્તાનની રચના કરવાનો છે. તેઓ બેન્ક લૂંટીને, અપહરણ કરીને ખંડણી ઉઘરાવીને તેનો ઉપયોગ હથિયારો ખરીદવામાં કરે છે. પરમજીત આ સંગઠનનો વડો હતો.