આગામી 5 મેએ રિલીઝ થનારી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) હાલ ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર પણ ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે. ‘ધ કેરાલા સ્ટોરી’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેરળમાં કટ્ટરપંથી મુસ્લિમ યુવકોને તાલીમ આપીને હિંદુ-ખ્રિસ્તી યુવતીઓને ફસાવવામાં આવે છે અને તેમનું ઇસ્લામી ધર્માંતરણ કરાવવામાં આવે છે. નિકાહ બાદ તેમની તસ્કરી કરીને તેમને આતંકી સંગઠન ISIS પાસે સીરિયા મોકલી દેવામાં આવે છે. ‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે, જેમણે ‘નમસ્તે લંડન’ જેવી ફિલ્મ બનાવી છે.
‘સંવેદનશીલતા એકતરફી ન હોય શકે, તેની આડમાં સંતાવાનું બંધ કરો’
‘ધ કેરાલા સ્ટોરી’ના નિર્માતાનું કહેવું છે કે, આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. તેમણે જણાવ્યું કે આ ભયાનકતાનો શિકાર બનેલી કેટલીય છોકરીઓ અફઘાનિસ્તાનની જેલમાં છે. આ ફિલ્મમાં એવી છોકરીઓની વાર્તા છે, જે ધર્માંતરણની જાળમાં ફસાઈ ગઈ અને તેમનું જીવન બરબાદ થઈ ગયું. વિપુલ શાહે જણાવ્યું કે ફિલ્મની ટીમ રિસર્ચ દરમિયાન લગભગ આવી 100 પીડિતાઓને મળી હતી. ટીમ પાસે એવા અનેક વિડીયો છે, જેમાં આ છોકરીઓએ પોતાની દર્દનાક સ્ટોરી કહી છે.
વિપુલ અમૃતલાલ શાહ કહે છે કે, તેમનો ઉદ્દેશ પીડિત છોકરીઓની વાર્તાને પડદા પર બતાવવાનો છે. લોકો પછી એને ‘લવ જેહાદ’ કે અન્ય કોઈ નામ આપે તો એ એમના પર છે. નિર્માતાએ જણાવ્યું કે આપણે એ બાબત પાછળ છુપવાનું બંધ કરવું જોઈએ કે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે અને તે સાંપ્રદાયિક સદભાવના પર અસર કરશે. શું આવા ગુના આચરનારા લોકો આ બાબત વિશે વિચારે છે? તેઓ બસ તેમના એજન્ડાને અનુરૂપ કામ કરે છે. તેમણે એવું પણ કહ્યું કે, સંવેદનશીલતા એકતરફી ન હોય શકે, કોઈ કંઈ ખોટું કરશે તો એની પોલ પણ ખોલવામાં આવશે.
‘સતી પ્રથા હિંદુઓએ જ દૂર કરી હતી’
‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિપુલ શાહ સતી પ્રથાનું ઉદાહરણ આપતા જણાવે છે કે, આ ખોટી પ્રથા હતી તો હિંદુઓએ તે દૂર કરી, તેની સામે અવાજ ઉઠાવનારા હિંદુ હતા. તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે જે ઘટનાઓ બની રહી છે તેની મુસ્લિમ સમુદાય જ આગળ આવીને નિંદા કરશે. વિપુલ શાહે એવું પણ કહ્યું કે રાજકીય પાર્ટીઓ કોઈ ફિલ્મને લઈને સ્ટેન્ડ લે તો કોઈ વાંધો નથી. રાજકીય પાર્ટીઓ સ્ટેન્ડ ભલે લે, પણ પીડિત છોકરીઓને ન ભૂલે.
#TheKeralaStory: Watch this #exclusive conversation with Producer Vipul Shah & Actor Adah Sharma (@adah_sharma)
— News18 (@CNNnews18) April 28, 2023
'I am very fortunate, I got to be part of the story & help bring awareness to so many girls out there': Adah Sharma. Listen in#NewsEpicentre | @maryashakil pic.twitter.com/WwsfWrvNHf
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ ફિલ્મને લઈને વિરોધ દર્શાવ્યો હતો અને સરકારને આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવા ન દેવાની માંગણી કરી હતી. પાર્ટીએ એવું કહ્યું હતું કે, આ ફિલ્મ જૂઠ્ઠાણાંથી ભરપૂર છે અને મુસ્લિમ સમુદાયની નકારાત્મક છબી દેખાડે છે.
અભિનેત્રી અદા શર્માએ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને પ્રોપગેન્ડા કહેનારા લોકો પર કટાક્ષ કર્યો હતો કે, ભારતીય પહેલા આપણે એક મનુષ્ય હોવાના નાતે એ સમજવાની જરૂર છે કે છોકરીઓ ગાયબ થઈ રહી છે. આ તો વધુ ભયાનક છે કે લોકો ફિલ્મને પ્રોપગેન્ડા કહી રહ્યા છે અને સંખ્યાની ચર્ચા કરી રહ્યા છે. અમે પહેલા તો ફિલ્મના માધ્યમથી તથ્ય જણાવી રહ્યા છીએ, બાદમાં એ કહી રહ્યા છીએ કે કેટલી છોકરીઓ ગાયબ થઈ.