મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર હવે પાલઘર કાંડની CBI તપાસ કરાવવા જઈ રહી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે (28 એપ્રિલ 2023) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં 13 એપ્રિલે સર્વોચ્ચ ન્યાયાલયે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું હતું કે તપાસને CBIને સોંપવા માટે શું પગલાં લેવામાં આવ્યાં છે? જેનો જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. આજે મહારાષ્ટ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે આ કેસની તપાસ CBIને સોંપવા માટેનો નિર્ણય કર્યો છે.
Maharashtra government informs the Supreme Court that it has decided to hand over to CBI the probe into the Palghar lynching case wherein two Sadhus were lynched to death. pic.twitter.com/4CRXFBOwAa
— ANI (@ANI) April 28, 2023
વર્ષ 2020માં મહારાષ્ટ્રના પાલઘરમાં 2 સાધુઓની ટોળાએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. જે બાદ એડવોકેટ શશાંક શેખર ઝાએ એક અરજી દાખલ કરી હતી. તો બીજી તરફ મૃત સાધુના પરિજનો અને જૂના અખાડાના સાધુઓએ પણ આ મામલે એક અરજી દાખલ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓને મહારાષ્ટ્ર સરકાર (ઉદ્ધવ ઠાકરેની આઘાડી સરકાર) અને પોલીસ તપાસ પર ભરોસો નથી જેથી પાલઘર કાંડની CBI તપાસ કરાવવામાં આવે.
આ અરજી દાખલ થયા બાદ તે સમયની તત્કાલીન ઉદ્ધવ ઠાકરેની સરકારે તેનો વિરોધ કર્યો હતો. જોકે સત્તા પલટાયા બાદ વર્તમાન સરકારે આ મામલે કડક વલણ દાખવી પાલઘર કાંડના દોષિતો વિરુદ્ધ આકરા પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો અને આખી ઘટનાની CBI તપાસ કરવાની માંગને ટેકો આપ્યો હતો. આ કેસ મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ, જસ્ટિસ PS નરસિમ્હા, અને JB પારડીવાળાની બેન્ચ સમક્ષ ચાલી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 11 જૂન 2020ના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર, કેન્દ્ર સરકાર અને CBIને નોટિસ ઇસ્યુ કરી હતી. 11 ઓક્ટોબર, 2022ના રોજ, મહારાષ્ટ્ર સરકારે એક સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તેઓ CBI તપાસ માટે તૈયાર છે. તમામ દોષી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની પણ માહિતી આપવામાં આવી હતી.
શું હતો પાલઘર હત્યાકાંડ
નોંધનીય છે કે વર્ષ 2020માં જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવ સેના, NCP, અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. તે સમયે મુંબઈથી ગુજરાત આવી રહેલા સાધુઓ અને તેમના સેવક ડ્રાઈવરને પાલઘરના જ ગઢચીંચલે ગામમાં ટોળાએ ક્રૂરતાથી હત્યા કરી દીધી હતી.
નોંધનીય છે કે તે સમયે પણ સાધુઓ બાળકો ઉઠાવનાર ગેંગ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. આ હત્યામાં 200થી વધુ લોકોના ટોળાએ રસ્તો પૂછી રહેલા સાધુઓ પર હુમલો કરી દીધો હતો. સાધુઓ બચવા માટે પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા, પરંતુ પોલીસે તેમને બચાવવાની જગ્યાએ ટોળાને હવાલે કરી દીધા હતા.