તમિલનાડુમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિતોને અનામત આપવાની માંગ કરતો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે. વિધાનસભામાં આ પ્રસ્તાવ મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. બુધવારે (19 એપ્રિલ 2023) મૂકવામાં આવેલા આ પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી છે કે હિંદુ ધર્મ ત્યાગીને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર આદિ દ્રવિડ લોકોને શિડયુલ કાસ્ટને મળતા અનામતનો લાભ આપવામાં આવે. જેના માટે કાયદામાં જરૂરી સંશોધન કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.
તમિલનાડુમાં ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિતોને અનામત આપવાની માંગ કરતો પ્રસ્તાવ દાખલ થયા બાદ તેનો વિરોધ પણ થયો હતો. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું. રાજ્યની વસ્તીની વાત કરીએ તો વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ તમિલનાડુની કુલ વસ્તી 7.21 કરોડ છે. જેની 20.01 ટકા એટલે કે 1.44 કરોડ વસ્તી આદી દ્રવિડોની છે.
કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરીને જણાવવામાં આવ્યું છે કે, બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓના લોકોને આપવામાં આવેલા અનામત સહિતના વૈધાનિક સંરક્ષણ, અધિકારો અને છૂટછાટોના વિસ્તરણ માટે બંધારણમાં જરૂરી સુધારા કરી જેઓ ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થઇ ગયા છે તેવા અનુસૂચિત જાતિના લોકોને પણ સમાવિષ્ટ કરવામાં આવે જેથી તેઓ પણ સામાજિક ન્યાયનો લાભ ઉઠાવી શકે.
આ બાબતે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે?
રિપોર્ટ મુજબ વર્ષ 1950માં પંડિત જવાહરલાલ નહેરૂની સરકારે અનુસૂચિત જાતિને માત્ર હિંદુ ધર્મમાં માનનારાઓ પૂરતી જ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 1956માં શીખ અને વર્ષ 1990માં બૌદ્ધોનો આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કારણ કે આ બંને પંથોને હિંદુ ધર્મના વિસ્તાર રૂપે જોવામાં આવે છે. સંવિધાનના પેરા 3(અનુસુચિત જાતિ)માં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જે હિંદુ, શીખ કે પછી બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મને માનતો હોય તો તેને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવશે નહીં.
એક અહેવાલ મુજબ આ મુદ્દે જ સુપ્રીમ કોર્ટે પણ એક નિર્ણયમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી બને તો તેવા સમયે હિંદુ હોવાના કારણે તેમને પડી રહેલી સામાજિક અને આર્થિક અક્ષમતા પૂરી થઈ જાય છે. જેના કારણે તેમને અનામત આપવું જરૂરી નથી રહી જતું. જેથી તેને હિંદુ જાતિ સાથે સંબંધિત માનવામાં ન આવે. ઉપરાંત પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પણ એકવાર રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ‘ભારતના બંધારણ અનુસાર હિંદુ ધર્મમાંથી એકવાર ખ્રિસ્તી કે પછી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ તે વ્યક્તિ અનામતનો લાભ ન લઈ શકે.’