પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનીશ કનેરિયા પોતાના બેબાક નિવેદનો માટે જાણીતો છે. એક ભારતીય ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં દાનીશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCBને સલાહ આપી હતી કે તે વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમને ભારત જવાની મંજુરી આપી દે.
દાનીશ કનેરિયાએ કહ્યું હતું કે આ રીતે ગરમી દેખાડીને વાત વધુ બગડી શકે છે. આમ કરવા કરતાં PCBએ જીદ છોડી દઈને પાકિસ્તાની ટીમને ભારતમાં રમાનાર વર્લ્ડ કપ રમવાની છૂટ આપતી વખતે કોઇપણ પ્રકારની પૂર્વશરત રાખવી જોઈએ નહીં. અત્રે એ નોંધનીય છે કે BCCI પહેલેથી જ આ વર્ષે પાકિસ્તાનમાં રમાનાર એશિયા કપ રમવા ટીમ ઈન્ડિયાને મોકલવાની ના પાડી ચુક્યું છે.
BCCIના આ કડક વલણને લીધે PCBએ પણ ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ન આવવાના સંજોગોમાં પોતે પણ વર્ષના અંતે ભારતમાં રમાનાર ICC Cricket World Cup માટે પોતાની ટીમ નહીં મોકલે એવી શક્યતા વ્યક્ત કરી ચુક્યું છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન જાવેદ મિયાંદાદ તો ભારતીય ટીમનો કોઈ ખેલાડી મરવાના ડરે પાકિસ્તાન નથી આવતો તો એક દિવસ તો બધાયે મરવાનું છે જ એમ કહીને વિવાદને વધુ આડે પાટે ચડાવી દીધો હતો.
પરંતુ દાનીશ કનેરિયા આવું માનતો નથી. તેણે કહ્યું કે છેલ્લે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનમાં ક્રિકેટ સિરીઝ રમવા માટે આવી હતી ત્યારે ફક્ત ટીમ જ નહીં પરંતુ પાકિસ્તાનીઓએ ભારતીય પત્રકારોની પણ જબરદસ્ત આગતાસ્વાગતા કરી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને ઘણો બદલાઈ ગયો છે. તેમ છતાં PCBએ એશિયા કપ UAEમાં કરાવવો જોઈએ જેથી ભારત તેમાં ભાગ લઇ શકે.
દાનીશ કનેરિયાએ આગળ જણાવ્યું હતું કે જો એશિયા કપ UAEમાં રમાશે તો અહીં PCBએ થોડું PR work કરીને પોતે વર્ષાન્તે વર્લ્ડ કપ રમવા ભારત આવશે એમ કહીને 2024માં પાકિસ્તાનમાં જ રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારત આવે એ માટેની જમીન તૈયાર કરવી પડશે. જો આમ થશે તો જ કદાચ ભારત પાકિસ્તાન આવીને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે કદાચ તૈયાર થશે તેમ દાનીશ કનેરિયાએ બાદમાં ઉમેર્યું હતું.
દાનીશે એમ પણ ઉમેર્યું હતું કે પાકિસ્તાનમાં હવે ક્રિકેટ રમવું સામાન્ય બની ગયું છે. હા પરિસ્થિતિ સંપૂર્ણ ભયજનક નથી એવું નથી પરંતુ હવે ટીમો અહીં આવીને રમે છે આથી ભારત પણ અહીં આવીને રમી શકે છે અને જો પાકિસ્તાનીઓ આ પ્રમાણે વિચારતા હોય તો તેઓ સાવ ખોટા નથી.