સુરત SOGએ ગેરકાયદેસર રહીને ભીખ માંગતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ મહિલા છેક બાંગ્લાદેશથી ગેરકાયદેસર સરહદ પાર કરીને ભારત આવીને સુરતના સલાબતપુરા ખાતે રહેતી હતી. પોલીસને મહિલા પાસેથી આધારકાર્ડ, કોરોના વેક્સિન સર્ટીફીકેટ અને બાંગ્લાદેશી પાસપોર્ટ જપ્ત કર્યા છે. જોકે મહિલા માત્ર ભીખ માંગવા માટે બોર્ડર ક્રોસ કરીને ભારત આવી હોય તે વાત પોલીસને ગળે નથી ઉતરી રહી. હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મળતા અહેવાલો અનુસાર સુરત SOGએ ગેરકાયદેસર રહીને ભીખ માંગતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ ગુરૂવારે (30 માર્ચ, 2023) કરી હતી. પોલીસે આ કાર્યવાહી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન કરી હતી. સુરત SOGને બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારમાં એક 65 વર્ષીય વૃદ્ધ બાંગ્લાદેશી મહિલા ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહી છે. બાતમીને આધારે પોલીસે શોધખોળ આદરતા સલાબતપુરા વિસ્તારમાંથી માલેકા બેગમ નામની મહિલા પોલીસના હાથે ઝડપાઈ હતી.
પોલીસ દ્વારા કરવામાં પ્રાથમિક પૂછપરછ દરમ્યાન મહિલાએ પોતે સુરતની વતની હોવાનું જણાવ્યું હતું તેમજ પોતાની પાસેનો આધારકાર્ડ બતાવ્યો હતો. જોકે, પોલીને શંકા જતાં મહિલાની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તે 2020માં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની સરહદેથી સુરત આવી હોવાનું કબૂલ્યું હતું.
સુરતમાં ગેરકાયદેસર રીતે રહીને ભીખ માંગતી મહિલા પાસેથી પોલીસને તેનો બાંગ્લાદેશી પાસપોર્ટ અને ભારતીય કોરોના વેક્સિન સર્ટિ પણ મળી આવ્યાં હતાં. પોલીસની પૂછપરછમાં આ વૃદ્ધ મહિલાએ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં ભીખ માંગીને જીવન ગુજારતી હોવાનું જણાવ્યું હતું.
રોજ 700થી 1000 રૂપિયા કમાતી
સુરતમાંથી પકડાયેલા બાંગ્લાદેશી મહિલા વિશે જાણવા મળ્યું છે કે તે વર્ષ 2020માં બાંગ્લાદેશથી ભારત આવી હતી. તેનો પરિવાર બાંગ્લાદેશના ગોપાલગંજના ગોપાલપુર ગામમાં રહે છે. રિપોર્ટ અનુસાર, ભીખ માંગીને તે રોજ 700થી 1000 રૂપિયા કમાઈ લેતી હતી. થોડીક રકમ ભેગી થયા બાદ તે બાંગ્લાદેશ જતી રહેતી હતી. જોકે, પરત ભારતમાં ઘૂસવાનું મુશ્કેલ લાગતાં સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશી પાસપોર્ટ પણ કઢાવ્યો હતો અને એક વર્ષના મલ્ટીપલ વિઝા લઈને ભારત આવી હતી.
આ મહિલાએ કોની મદદથી ભારતીય ઓળખપત્રો બનાવડાવ્યા અને કોની મદદથી તે બાંગ્લાદેશથી ભારત આવી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હાલ મહિલાએ માત્ર ભીખ માંગવા માટે ભારત આવી હોવાની વાત પોલીસના ગળે નથી ઉતરી રહી. ત્યારે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા પાછળ મહિલાનો કોઈ બદઈરાદો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.