વડોદરામાં ફરી એક વખત રામનવમીની શોભાયાત્રા પર હુમલો થવાની ઘટના બની છે. ગુરુવારે (30 માર્ચ, 2023) સવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રા મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થતાં મસ્જિદ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હવે વધુ એક ઘટનામાં શહેરના કુંભારવાડામાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઇ છે.
Stone pelting on Ram Navami procession again in Vadodara’s communally sensitive areas, 2nd time in a day. Earlier stones were pelted at Panjrigar Maholla. In latest stone pelting happen in Fatehpura area. Police Commissioner Dr Shamsher Singh himself comes to guard the procession
— DeshGujarat (@DeshGujarat) March 30, 2023
સાંજે 5:40ની આસપાસ વડોદરામાં આવેલ કુંભારવાડામાં નીકળેલી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયા બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો તો શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘ પણ પોતે સ્થળ પર હાજર રહ્યા હતા અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પથ્થરમારો કરતા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે.
Gujarat | Stone pelting occurred during another 'Rama Navami Shobha Yatra' in Vadodara. Police personnel are deployed on the spot. https://t.co/tcTyFN5QY7 pic.twitter.com/DxFMpHPUa9
— ANI (@ANI) March 30, 2023
આ ઘટનામાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે તેમજ 2 આરોપીઓ પણ પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ, પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે તેમજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
સવારે મસ્જિદ પાસેથી પસાર થતી શોભાયાત્રા પર થયો હતો હુમલો
ગુરુવારે રામનવમી હોઈ વડોદરામાં હિંદુ સંગઠનો વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે કારેલીબાગથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું અને નિયત સમયે અને નિયત રુટ પર યાત્રા નીકળી હતી. દરમિયાન શહેરના પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા પહોંચતાં અહીં અચાનક પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
શોભાયાત્રા પર ચારેતરફથી વરસતા પથ્થરોના કારણે ભગવાનની મૂર્તિની સુરક્ષા પણ જોખમાઈ હતી, પરંતુ વિહિપના કાર્યકરોએ સાવચેતીથી મૂર્તિને સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધી હતી.
વડોદરાના ડીસીપી યશપાલ જગાણિયાએ જણાવ્યું હતું કે, પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસેથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી, ત્યાં લોકોનાં ટોળાં એકઠાં થવાથી વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, કોઈને ઇજા પહોંચી નથી અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પોતાના રુટ પર આગળ નીકળી ગઈ છે. જે લોકો એકઠા થયા હતા તેમને પણ પોતપોતાનાં ઘરોમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ દરેક શોભાયાત્રા સાથે પોલીસ બંદોબસ્ત રહેશે.