Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોટ લેવાની લ્હાયમાં 11 પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા: મફત લોટ વિતરણ દરમિયાન લોકો...

    લોટ લેવાની લ્હાયમાં 11 પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા: મફત લોટ વિતરણ દરમિયાન લોકો તૂટી પડતાં નાસભાગ મચી, 60થી વધુને ઇજા

    પાકિસ્તાની પ્રજા પર જાણે પડ્યા પર સરકાર પાટું મારતી હોય તેવી પરિસ્થિતિ છે. મફત લોટ મેળવવા માટે ભૂખી પ્રજા લાંબી લાંબી હરોળો લગાવી રહી છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક હાલત સાવ કથળી ગઈ છે. લોકો પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે પણ વલખાં મારી રહ્યા છે અને હવે તો લોટ જેવી સામાન્ય વસ્તુ માટે પણ લાઈનો લાગવાની બાબત જાણે સામાન્ય બની ગઈ છે. આવી જ એક લાઈનમાં અફરાતફરી મચી જતાં 11 લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાનમાં સરકારી કંપની દ્વારા કરવામાં આવેલી લોટ વિતરણની કામગીરી દરમિયાન ભૂખથી ટળવળતી પ્રજા એ હદે તૂટી પડી કે મહિલાઓ સમેત 11નાં મોત નીપજ્યા, જયારે 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    પાકિસ્તાનમાં મફત લોટ લેવાની જંગમાં 11નાં મોત થવાની આ ઘટના પંજાબ પ્રાંતની છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનની વધતી લોકપ્રિયતા ઘટાડવા માટે મફત લોટ વિતરણ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે, પણ સરકારની આ યોજનાએ 11 લોકોના જીવ લઈ લીધા. દક્ષિણ પંજાબના અનેક જિલ્લાઓમાં આ યોજના દરમિયાન ભૂખી પ્રજાએ લૂંટ મચાવી અને આ દરમિયાન મચેલી ભાગદોડમાં બે વૃદ્ધ મહિલાઓ સહિત 11 લોકોના મોત નીપજ્યાં હતાં. હાલ પાકિસ્તાન સરકાર સાહિવાલ, બહાવલપુર , મુઝફ્ફરગઢ, ઓકારા, ફૈસલાબાદ, ઝહાનીયા, અને મુલ્તાન ખાતે મફત લોટ વિતરણ કાર્યક્રમ કરતી હોવાનો દાવો કરી રહી છે.

    ભૂખમરા વચ્ચે પાકિસ્તાની પોલીસની બર્બરતા

    હાલ પાકિસ્તાની પ્રજા પર જાણે પડ્યા પર સરકાર પાટું મારતી હોય તેવી પરિસ્થિતિ છે. મફત લોટ મેળવવા માટે ભૂખી પ્રજા લાંબી લાંબી હરોળો લગાવી રહી છે. તેવામાં પાકિસ્તાની પોલીસ નાગરિકો સાથે ઝપાઝપી અને લાઠીચાર્જ કરતી હોવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ઉપરોક્ત ઘટનામાં પણ પોલીસનો દોષ હોવાનું અહેવાલોમાં કહેવાઈ રહ્યું છે. તેવામાં મુઝફ્ફરગઢ અને રહીમયાર ખાન શહેરમાં પાકિસ્તાની પ્રજાએ લોટ મેળવવા મચાવેલી લૂંટફાટ બાદ હથિયારધારી સુરક્ષાદળોએ પણ આકરું વલણ અપનાવ્યું છે. અત્યાર સુધીના સહુથી મોટા આર્થિક સંકટ વચ્ચે સુરક્ષાદળો અને અસ્થિર સરકાર વચ્ચે જનતા ભૂખથી પીસાઈ રહી છે.

    - Advertisement -

    પાકિસ્તાનમાં લોકોનાં મોત પર રાજનીતિના રોટલા શેકાઈ રહ્યા છે

    પોતાની જનતાને એક ટંકનો રોટલો આપવામાં અસમર્થ સાબિત થયેલી પાકિસ્તાની સરકાર અને વિપક્ષી પાર્ટીઓ હવે લોકોની મોત પર રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. એક તરફ પોતાનો વ્યાપ વધારવા પાકિસ્તાન સ્થિત પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસીન નકવીએ લૂંટફાટ અને નાગરિકોની હાલાકી ઓછી કરવા માટે આખા પ્રાંતમાં સવારે 6 વાગ્યાથી મફત લોટ વહેંચણી કેન્દ્રો ખોલવાની ઘોષણા કરી છે. તો બીજી તરફ ફરી સરકાર બનાવવાના અભરખાં ધરાવતા ઇમરાન ખાને લોટ વહેંચણી કેન્દ્રો પર સર્જાયેલી અવ્યવસ્થા માટે પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને મુખ્યમંત્રી મોહસીન નકવીને જવાબદાર ઠેરવ્યા છે. આ આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે પાકિસ્તાની પ્રજા એક ટંક રોટલો મેળવવા માટે જીવ ગુમાવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં