જમ્મુમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક જવાનનું મોત થયું હતું જ્યારે ચાર અન્ય જવાન ઘાયલ થયા હતા. જવાનોએ 3 આતંકીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. આ એન્કાઉન્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંબા જિલ્લાની નિર્ધારિત મુલાકાતના બે દિવસ પહેલા થયું હતું.
આતંકીઓએ આ હુમલો જમ્મુના સુંજવા વિસ્તારમાં કર્યો હતો. જમ્મુ પોલીસના એડીજીપીના કહેવા પ્રમાણે, આતંકીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો.
Jammu & Kashmir | One security force jawan martyred and 4 jawans injured in the encounter in Sunjwan area of Jammu.
— ANI (@ANI) April 22, 2022
Visuals of security forces’ deployment deferred by unspecified time pic.twitter.com/JEffOONN11
જમ્મુ પોલીસના કહેવા પ્રમાણે, જમ્મુના બઠિંડી વિસ્તારમાં રાત્રે આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી એમને મળી હતી. ત્યારબાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો. બાદમાં આતંકી દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેનો સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને ચાર જવાન ઘાયલ થયા હતા.
PM મોદીની મુલાકાતના પહેલા આ બીજું મોટું એન્કાઉન્ટર
ગઇકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આતંકવાદીઓ વિશે માહિતી મળતાં, સુરક્ષા દળોએ ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના પરિસવાની ગામમાં ઓપરેશન શરૂ કર્યું. આ અથડામણમાં 3 જવાન અને 1 નાગરિક ઘાયલ થયા છે. આ સાથે લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. એક આતંકીની ઓળખ આતંકી યુસુફ કાંતરુ તરીકે થઈ છે. તે તાજેતરમાં બડગામ જિલ્લામાં એક SPO અને તેના ભાઈ સહિત સુરક્ષા દળના જવાન અને એક નાગરિકની હત્યામાં સામેલ હતો.
આ પહેલા પણ, 10 ફેબ્રુઆરી 2018ના રોજ ત્રણ JeM આતંકવાદીઓએ સુંજવાન આર્મી કેમ્પમાં ઘૂસણખોરી કરી હતી. આ અથડામણમાં છ જવાનો સહિત સાત લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને પણ ઠાર કર્યા હતા.
PM મોદી 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ માટે જમ્મુ જવાના છે.
પંચાયતી રાજ દિવસ પર, મોદી સમગ્ર દેશમાંથી પંચાયતો સુધી પહોંચવા ઉપરાંત વિકાસ અને 39,000 કરોડની રોકાણ યોજનાઓની શ્રેણી શરૂ કરવા માટે જમ્મુમાં હાજર રહેવાના છે.
મોદી બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત બનિહાલ-કાઝીગુંડ ટનલ રોડનું ઉદ્ઘાટન કરશે, જમ્મુમાં રતલેમાં 850 મેગાવોટ અને ક્વારમાં 540 મેગાવોટના બે પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વિકસાવવામાં આવનાર પાંચ એક્સપ્રેસવે અને 100 જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા મુકવાના છે. એપોલો હોસ્પિટલ દ્વારા જમ્મુ ક્ષેત્રમાં એક મેડિસિટી પણ વિકસાવવામાં આવી રહી છે.
મોદીના આ પ્રવાસ પહેલા આતંકવાદીઓ દ્વારા થયેલ આ હુમલાઓએ સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરી દીધી છે॰