ભારત વિરોધી પ્રોપેગેન્ડા પર ફરી એકવાર પ્રહાર કરવામાં આવ્યો છે. ભારતમાં BBC પંજાબીના ટ્વીટર એકાઉન્ટ (@bbcnewspunjabi) પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જ્યારે ઉપરોક્ત ટ્વીટર એકાઉન્ટની મુલાકાત લેવામાં આવે ત્યારે આ પ્રકારનો મેસેજ વાંચવામાં આવે છે.
‘કાયદાકીય માંગણી અનુસાર @bbcnewspunjabiનું ટ્વીટર એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.’
આ વર્ષે જ ભારત સરકારે BBCની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકતી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતનાં વર્ષ 2002નાં તોફાનો વિષે દુષ્પ્રચાર ફેલાવતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.
આટલું જ નહીં આ વર્ષે 19મી માર્ચે ખાલિસ્તાન તરફી અને પંજાબનાં સંગરુરથી શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના પ્રમુખ સિમરનજીત સિંહ માનનું ટ્વીટર હેન્ડલ પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું અને તેની પાછળ પણ કાયદાકીય માંગણી હોવાનું ટ્વીટર દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ ઘટનાનાં લગભગ એક અઠવાડિયા બાદ કેનેડાના સંસદ સભ્ય જગમીત સિંહનું ટ્વીટર એકાઉન્ટ પણ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના પંજાબમાં વારીસ દે પંજાબના સ્વઘોષિત અધ્યક્ષ અને ખાલિસ્તાન તરફી આગેવાન અમ્રિતપાલ સિંહ તેમજ તેના સાથીદારોની ધરપકડ કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશને ધ્યાનમાં લઈને ઘટી હતી.
BBC પંજાબીના ટ્વીટર એકાઉન્ટ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પણ આ જ ઘટનાઓને અનુરૂપ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્વીટર પર જ્યારે કોઈ એકાઉન્ટ માટે ‘withheld’ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેનો મતલબ એવો થાય છે કે આ એકાઉન્ટ પંજાબ પોલીસ અંગે લોકોને ડરાવવા માટે તેમજ ખોટી માહિતી ફેલાવવા માટે કાર્ય કરી રહ્યું છે.
ટ્વીટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમ્રિતપાલ સિંહની શોધખોળ દરમ્યાન પ્રાપ્ત માહિતીને આધારે ભારત તેમજ પંજાબ સરકારનાં કહેવાથી 120થી પણ વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ એકાઉન્ટ્સમાં અગાઉ જણાવ્યા અનુસાર સંસદ સભ્ય સિમરનજીત સિંહ માન ઉપરાંત અનેક સામાજિક કાર્યકર્તાઓ તેમજ સેલીબ્રીટીઝનાં એકાઉન્ટ પણ સામેલ છે જેમનાં પર અમ્રિતપાન સિંહ તેમજ ખાલિસ્તાનવાદીઓની તરફેણ કરવાનો આરોપ છે.
અમ્રિતપાલની શોધખોળ દરમ્યાન પંજાબમાં ગત અઠવાડિયે મોટો સમય રાજ્ય સરકારના આદેશ પર મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. પંજાબના તરન તારન અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ નજીક આવેલા મોહાલીમાં આ પ્રતિબંધ અન્ય સ્થળો કરતાં લાંબો સમય ચાલ્યો હતો.