Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યઈમ્પેક્ટ પ્લેયર તેમજ ટોસ અને DRSને લગતાં નવા નિયમો સાથે આવી રહી...

    ઈમ્પેક્ટ પ્લેયર તેમજ ટોસ અને DRSને લગતાં નવા નિયમો સાથે આવી રહી છે IPL 2023; ચાલો સરળતાથી સમજીએ આ નવા અને રોમાંચકારી નિયમો

    આ લીગનું 16મું સત્ર એટલેકે IPL 2023 તેનાં નવા નિયમોને લીધે વધુ આકર્ષક અને રોમાંચક બની રહેવાનું છે. આ વર્ષે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર (Impact Player), ટોસ અને DRS બાબતે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અગાઉ ક્યારેય સાંભળ્યા કે અનુભવ્યા નથી.

    - Advertisement -

    ક્રિકેટ વિશ્વની સહુથી લોકપ્રિય, સહુથી વધુ જોવાતી અને સહુથી શ્રીમંત એવી IPLની નવી સીઝન હવે ક્રિકેટ રસિકોનાં ઉત્સાહનાં દ્વાર ખખડાવે એટલી જ દૂર છે. એમાં પણ આ લીગનું 16મું સત્ર એટલેકે IPL 2023 તેનાં નવા નિયમોને લીધે વધુ આકર્ષક અને રોમાંચક બની રહેવાનું છે. આ વર્ષે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર (Impact Player), ટોસ અને DRS બાબતે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અગાઉ ક્યારેય સાંભળ્યા કે અનુભવ્યા નથી.  

    આ વખતની IPLમાં ત્રણ નવા નિયમો તેની પ્લેયિંગ કન્ડીશન્સમાં ઉમેરવામાં આવ્યા છે જે કોઇપણ ક્રિકેટ પ્રેમીને રોમાંચ ઉભો કર્યા વગર નહીં રહે. આટલું જ નહીં પરંતુ આ નિયમો ફક્ત IPL 2023 જ નહીં પરંતુ આવનારી તમામ IPL અને કદાચ સમગ્ર T20 માળખાને વૈશ્વિક સ્તરે પણ બદલી નાખે તેવી સંભાવના પુરેપુરી છે. તો ચાલો વિગતવાર જાણીએ આ વર્ષે IPLમાં પ્રસ્તુત થનારા આ ત્રણેય નવા નિયમો વિષે.

    ટોસ પહેલાં નહીં પછી ટીમ કરાશે જાહેર

    ક્રિકેટનો કદાચ પહેલો નિયમ હવે સમૂળગો બદલવા જઈ રહ્યો છે. આ વખતની IPLથી જ ટોસ જીત્યાં પછી હવે કપ્તાનો પોતાનાં ખેલાડીઓનાં નામ જાહેર કરશે. અત્યારસુધી નિયમ એવો છે કે ટોસ ઉછળે એ પહેલાં બંને કેપ્ટનો પોતપોતાનાં અગિયાર ખેલાડીઓનું લીસ્ટ એકબીજાને સુપરત કરતાં હતાં. પરંતુ હવે આ નવા નિયમ અનુસાર ટોસ ઉછળ્યા બાદ બંને ટીમનાં કપ્તાનો એક બીજાને આ યાદી આપશે. જો કે આ નિયમ લાગુ કરનારી IPL 2023 પહેલવહેલી લીગ નથી, ગયા મહીને જ પૂર્ણ થયેલી SA20 લીગમાં આ નિયમ લાગુ પાડવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ નિયમ લાગુ થવાથી સહુથી મોટો ફાયદો એ થશે કે ટોસનો લાભ જે-તે ટીમને અત્યારસુધી મળી જતો હતો તે હવે નહીં મળે. અત્યારસુધી જો બેટિંગ પીચ હોય તો ટોસ જીતનાર ટીમ એ પ્રમાણેની ટીમ બનાવીને ટોસ જીતીને નિર્ણય લેતો પરંતુ હવે ટોસ કોઇપણ ટીમ જીતે પરંતુ ટીમ પછીથી જાહેર કરવાની છે. આ નિયમ આપણે વધુ સારી રીતે ઈમ્પેક્ટ પ્લેયરનાં નિયમ સમજતી વખતે સમજી શકીશું.

    IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ શું છે?

    અત્યારસુધી કોઇપણ ક્રિકેટ મેચમાં ટોસ સમયે જે 11 ખેલાડીઓ જાહેર થઇ જાય તેનાથી જ બાકીની મેચ રમવાની આવતી હતી. હવે IPL 2023 લઈને આવી છે ઈમ્પેક્ટ પ્લેયરનો નવો નિયમ. આ નિયમ અનુસાર ટોસ સમયે બંને કપ્તાનો બે યાદી લઈને આવશે. પહેલી યાદીમાં જો ટોસ જીતીને બેટિંગ લઈશું તો આ અમારા અગિયાર ખેલાડીઓ અને પાંચ ઈમ્પેક્ટ પ્લેયર્સ એમ લખેલું હશે. બીજી યાદીમાં એમ લખેલું હશે કે જો અમે ટોસ જીતીને પહેલી બોલિંગ લઈશું તો આ અમારા અગિયાર ખેલાડીઓ અને પાંચ ઈમ્પેક્ટ પ્લેયર્સ રહેશે.  ટોસ હારી જનાર ટીમ પણ આ જ પ્રમાણે પોતાની યાદી આપશે.

    હવે અહીં સ્પષ્ટતા એ કરવાની કે ટોસ સમયે ઈમ્પેક્ટ પ્લેયર ભલે પાંચ જાહેર કરવાના છે પણ રમાડવાનો તો ખાલી એક જ છે. એટલે કે મેચ દરમ્યાન જ્યારે પણ કેપ્ટનને લાગે ભલે ત્યારે તેની ટીમ બેટિંગ કરતી હશે કે બોલિંગ, કે મારે એક ખેલાડી બદલવો છે ત્યારે તે પેલા પાંચમાંથી એક ઈમ્પેક્ટ પ્લેયરને રમાડવા બોલાવી શકે છે અને તેના બદલે કોઈ એક ખેલાડીને બાકીની મેચ માટે ડગ આઉટમાં બેસાડી શકે છે.

    ઈમ્પેક્ટ પ્લેયર ભલે ગમે ત્યારે બોલાવી શકાય તેમ છે પરંતુ તેને બોલાવવાનો પણ નક્કી સમય છે. ઈમ્પેક્ટ પ્લેયર મેચની શરૂઆતમાં, કોઈ એક ઓવર પુરી થાય ત્યારે, કોઈ બેટર આઉટ થાય કે રીટાયર થાય ત્યારે લાવી શકાય છે. જો કોઈ બોલર બોલિંગ કરતો હોય અને તેની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર બોલાવવામાં આવે એ ઈમ્પેક્ટ પ્લેયરને અધુરી ઓવર પુરી કરવાની મનાઈ રહેશે.

    વિદેશી ખેલાડીઓ માટે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ સ્પષ્ટ છે. IPLમાં પહેલેથી જ તે ભારતીય લીગ હોવાથી ફક્ત 4 વિદેશી ખેલાડીઓ એક પ્લેયિંગ ઈલેવનમાં હોય એવો નિયમ છે. ઈમ્પેક્ટ પ્લેયરમાં પણ આ જ નિયમ જળવાઈ રહેશે. હા, જો કોઈ ટીમ ત્રણ અથવાતો તેનાથી પણ ઓછા વિદેશી ખેલાડી સાથે ટોસ બાદ મેદાનમાં ઉતરે છે તો અહીં ચારથી વધે નહીં એટલા વિદેશી ઈમ્પેક્ટ પ્લેયર મેચની વચ્ચે ઉમેરવાની છૂટ છે.

    ઈમ્પેક્ટ પ્લેયર બાબતે એક ખાસ સ્પષ્ટતા એ કરવી રહી કે આ સબસ્ટીટ્યુટ ખેલાડીનાં નિયમથી સાવ અલગ છે. ઈમ્પેક્ટ પ્લેયર એ સબસ્ટીટ્યુટ ખેલાડી નથી. આથી ઈજાના સમયે અગાઉના નિયમો અનુસાર જ IPL 2023 દરમ્યાન સબસ્ટીટ્યુટ ખેલાડી ઈજાગ્રસ્ત ખેલાડીનું સ્થાન લેશે.

    હવે નો બોલ અને વાઈડ માટે પણ DRS

    આપણને ખ્યાલ છે કે ગત T20 વર્લ્ડ કપ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલીને હાઈટના નિયમ અનુસાર નો બોલ હોવાથી આઉટ નહોતો આપવામાં આવ્યો. આ નિર્ણયે ઘણો મોટો વિવાદ છેડી દીધો હતો. IPL 2023 આ બાબતે પણ સમાધાન લઈને આવી છે. હવેથી ફક્ત નો બોલ જ નહીં પરંતુ વાઈડ બોલ છે કે નહીં એ માટે પણ પીચ પર રહેલો બેટર કે ફિલ્ડીંગ ટીમનો કેપ્ટન DRSની મદદ લઇ શકશે. આ નિયમ પણ ક્રિકેટ માટે નવો છે અને આ નિયમ લાગુ કરવાને કારણે સાચાં નિર્ણયો લેવા બાબતે વિશ્વાસ વધશે એવું લાગી રહ્યું છે. હા, એ હજી સ્પષ્ટ નથી કે જ્યારે નો બોલ અથવાતો વાઈડ માટે DRS લેવામાં આવશે ત્યારે તે દરેક ટીમને પ્રતિ ઇનિંગ 2  રિવ્યુ લેવાની છૂટ હોય છે તેનાં ઉપરાંત મળશે કે તે આ 2 રિવ્યુમાં જ સામેલ રહેશે. મોટેભાગે આ રિવ્યુ પણ કુલ રિવ્યુનો જ ભાગ હશે એવું લાગી રહ્યું છે.

    તો આ રીતે IPL 2023 ત્રણ સાવ નવા જ  નિયમો સાથે 31મી માર્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં શરુ થઇ રહી છે. આ નવા નિયમો ફક્ત IPLને જ વધુ અસરકારક નહીં બનાવે પરંતુ આવનારા થોડાં વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ બદલાવ લાવવા માટે ICC અને MCCને મજબૂર કરશે તેવું સ્પષ્ટ આકલન કરી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં