ભારતીય સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન માનવામાં આવે છે અને સૌ નાગરિકોને સમાન હક આપવા માટે જગ વિખ્યાત છે, પરંતુ એક મુસ્લિમ મહિલાએ પોતાને અન્યાય થવાની રાવ સુપ્રીમ કોર્ટમાં લગાવી છે. તેને શરિયા કાયદા દ્વારા પોતાની સાથે અન્યાય થયાની વાત કરી છે.
મળતી માહિતી અનુસાર, બુશરા અલી નામની મુસ્લિમ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે. જેમાં તેને શરિયા કાયદા અનુસાર પોતાને અન્યાય થયો હોવાન વાત કરી હતી. તમને જણાવી દઈએ કે મુસ્લિમ સમુદાય માટે પોતાના ધાર્મિક અને કૌટુંબિક મામલાઓ માટે કોર્ટ નહીં પરંતુ મુસ્લિમ પર્શનલ બોર્ડના કાયદા અંતર્ગત ચાલતી શરિયા કોર્ટ હોય છે. પીડિતાએ આ જ બાબતે આરોપ મુક્યો છે કે શરિયા કાયદાના કારણે મને મારા હકો મળી રહ્યા નથી.
સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં બુશરા અલી નામની મહિલાએ કહ્યું હતું કે જ્યારે તેના પરિવારમાં મિલકતનું વિભાજન થયું ત્યારે તેને 7/152નો હિસ્સો આપવામાં આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે પુરુષોને 14/152નો હિસ્સો આપવામાં આવ્યો હતો, જેમાં પુરુષોનો હિસ્સો બમણો છે. આમ તેમણે પોતાને અન્યાય થઇ રહ્યો છે તેવી અરજી કરી હતી.
બુશરા અલીનું કહેવું છે કે ભારતીય સંવિધાન સૌ કોઈને સમાન અધિકાર આપે છે. પરંતુ શરિયા કાનુનમાં મહિલાઓને અન્યાય થાય છે. મને મળવી જોઈએ તેના કરતા અડધી જ સંપતી મળી રહી છે. તેમના વતી કોર્ટમાં હાજર થયેલા વકીલ બિજો મેથ્યુ જોયે પણ શરિયત કાયદાની કલમ-2ને પડકારતાં કહ્યું કે તે બંધારણની કલમ-15નું ઉલ્લંઘન છે. બંધારણની કલમ – 15 સૌને સમાનતાના અધિકારની વાત કરે છે જેમાં જાતિ, ધર્મ, લિંગ વગેરેના આધારે ભેદભાવ પર પ્રતિબંધ મુકેલો છે.
શું છે શરિયા કાયદામાં ઉતરાધિકારીની સંપતી બાબતેનો નિયમ?
મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર, પર્સનલ લૉ હેઠળ નક્કી કરાયેલા વારસદારોમાં મિલકત અથવા પૈસાની વહેંચણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો તેની મિલકતમાં તેના પુત્ર, પુત્રી, વિધવા અને માતા-પિતાનો હિસ્સો વર્ણવવામાં આવ્યો છે. જે મુજબ મિલકતમાં પુત્રના હિસ્સાની સરખામણીમાં અડધો ભાગ પુત્રીને આપવાનો નિયમ છે. તેમજ પતિના મૃત્યુ પછી તેની વિધવાને તેની મિલકતનો છઠ્ઠો ભાગ આપવામાં આવે છે.
બુશરા અલીની અરજી સ્વીકારીને સુપ્રીમકોર્ટે પ્રતિવાદીઓને નોટીસ મોકલીને જવાબ માંગ્યો છે.