Sunday, May 5, 2024
More
    હોમપેજમંતવ્યહાર્દિક ભાજપમાં જવાની સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હતાશા સામે આવી,...

    હાર્દિક ભાજપમાં જવાની સાથે જ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હતાશા સામે આવી, ભાજપ માટે કર્યો અપશબ્દોનો ઉપયોગ, ગુજરાત પોલીસને ધમકી આપી

    અરવલ્લીના ભિલોડામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ફક્ત ભાજપને જ અપશબ્દો નથી કહ્યાં પરંતુ ગુજરાત પોલીસને પણ ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે. આ પ્રકારનું તેમનું વર્તન આવનારી ચૂંટણીઓ માટે કદાચ તકલીફ ઉભી કરી શકે છે.

    - Advertisement -

    કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલ હવે ભાજપના થઇ ગયા છે. ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં હાર્દિક પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જોકે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે કે ભાજપમાં જાય તેનાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે તેમ કહેનારા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હતાશા પહેલા જ દિવસે સામે આવી ગઈ છે. એક કાર્યક્રમ દરમિયાન જગદીશ ઠાકોરે ભાજપ નેતાઓ માટે અપશબ્દો વાપર્યા તો ગુજરાત પોલીસને પણ ધમકી આપી હતી.

    આપણને ખબર જ છે કે આ પ્રકારના નિવેદનો આપવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર જાણીતા છે. અરવલ્લીના ભિલોડા ખાતે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ભાજપ શાસકો અંગે તેમણે અપશબ્દો વાપર્યા હતા તો ગુજરાત પોલીસને પણ ખુલ્લી ધમકી આપી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપ શાસકો નરભક્ષકો છે અને લોહી ચાખી ગયા છે. હાજર જનતાને કહ્યું કે, તેઓ તેમનાથી ચેતીને ચાલે. તેમણે ભાજપ નેતાઓ પર માત્ર ચૂંટણી સમયે જ ભગવાન રામને યાદ કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે તેમના (કોંગ્રેસ) મોઢે તો હંમેશા રામ હોય છે! તેમણે ભાજપ નેતાઓને ‘બહુરૂપિયા’ પણ ગણાવ્યા હતા.

    એટલું જ નહીં, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને લઈને પણ ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે રાજ્યના પોલીસ કર્મચારીઓ પર ભાજપ સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સભામાં તેમણે કહ્યું, “રાજ્યમાં પાંચ ટકા પોલીસકર્મીઓ રાજ્ય સરકારના ઈશારે કામ કરી રહ્યા છે. જો અમારી સરકાર આવશે તો આ કર્મચારીઓને પાંચસો કિલોમીટર કપડાં વગર દોડાવીશું.”

    - Advertisement -

    કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આ નિવેદનો અંગે ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસનું ભવિષ્ય ધૂંધળું છે અને જગદીશ ઠાકોરની આગેવાનીમાં લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને એટલે જ તેઓ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે એલફેલ નિવેદનો આપી રહ્યા છે. તેઓ તણાવમાં છે અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના.

    એક પછી એક પાર્ટી છોડી જતા નેતાઓ અને બીજી તરફ સતત ચૂંટણીઓમાં થતી હારના કારણે કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને ગુજરાતનું નેતૃત્વ હતાશ થતું જણાય છે. એક તરફ પૂરતું જનસમર્થન મળી રહ્યું નથી અને બીજી તરફ જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલ અને આ જ ભિલોડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા જેવા નેતાઓ તેમજ નજીકના ભૂતકાળમાં કેટલાક ધારાસભ્યો પણ પાર્ટી છોડી જવાના કારણે નેતાઓમાં હતાશા જોવા મળી રહી છે.

    આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને AIMIM પણ જોવા મળશે. જેથી અમુક બેઠકો ઉપર આમ આદમી અને AIMIM પાર્ટી કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે. ભૂતકાળમાં પણ સ્થાનિક ચૂંટણીઓમાં આ બંને પાર્ટીઓના કારણે કોંગ્રેસને નુકસાન થતું જોવા મળ્યું હતું. એમાં પણ જો આમ આદમી પાર્ટી મજબૂત બને તો ગુજરાતમાંથી કોંગ્રેસનું પત્તું સાફ થવાની શક્યતા રહે છે. આ સ્થિતિમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું આ પ્રકારનું નિવેદન આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સમસ્યા સર્જી શકે છે.

    ચૂંટણી પહેલાં પોતાની પાર્ટી માટે એક તરફ પહેલેથી જ કપરાં ચઢાણ છે ત્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનાં આવાં નિવેદનો પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન સાબિત થાય તો નવાઈ નહીં. એ પણ નોંધવું જોઈએ કે હાલમાં જ યોજાયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્ય પોલીસને આ જ પ્રકારની ધમકી આપી હતી. એ પણ નોંધનીય છે કે યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સ્પષ્ટ બહુમતીએ વિજય થયો હતો, જ્યારે સમાજવાદી પાર્ટી હાલ વિપક્ષમાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં