કર્ણાટકના એક ભાજપ નેતાએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે અજાન વિશે બોલતાં કહ્યું કે, તેના અવાજથી તેમને માથું દુઃખે છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું અલ્લાહ બહેરા છે કે માઈક પર બૂમો પાડવી પડે છે?
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ઈશ્વરપ્પાએ આ નિવેદન આપ્યું છે. તેઓ મેંગ્લોરમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ નજીકની એક મસ્જિદમાંથી અજાન સંભળાવા માંડી. જેને લઈને તેમણે કહ્યું કે, હું જ્યાં પણ જાઉં છું ત્યાં આ (અજાન) મારા માથાનો દુઃખાવો બને છે.
Karnataka | Wherever I go this (Azaan) is a headache for me. No doubt this will end soon as there is a SC judgement. PM Modi asked to respect all religions, but I must ask can Allah hear only if you scream on a microphone? : BJP MLA KS Eshwarappa in Mangaluru (12.03) pic.twitter.com/WOBHPExTvm
— ANI (@ANI) March 13, 2023
તેમણે આગળ કહ્યું, સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે અને આજે નહીં તો કાલે આ પ્રથા સમાપ્ત થઇ જ જવાની છે. તેમણે કહ્યું, “પીએમ મોદીએ તમામ ધર્મોનું સન્માન કરવા માટે કહ્યું છે પરંતુ હું પૂછવા માંગીશ કે શું તમે માઈક પર બૂમો પાડો તો જ અલ્લાહ સાંભળી શકે છે?”
આગળ તેમણે કહ્યું, “મંદિરોમાં છોકરીઓ અને મહિલાઓ પ્રાર્થના અને ભજન ગાય છે. પણ અમે લાઉડસ્પીકરોનો ઉપયોગ કરતા નથી. જો તમારે નમાજ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો પડતો હોય તો તેનો અર્થ એ થયો કે અલ્લાહ બહેરા છે.”
ભાજપ ધારાસભ્ય આગળ કહે છે, “અમે હિંદુઓ પર મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ, શ્લોક અને ભજન ગાઈએ છીએ. અમને તેમના કરતાં વધારે શ્રદ્ધા છે અને આ ભારત માતા જ છે જેઓ તમામ ધર્મોની રક્ષા કરી રહ્યાં છે. પરંતુ તમે કહો કે માઈકમાં બોલવાથી જ અલ્લાહ સાંભળે તો મારે પૂછવું પડશે કે શું તેઓ બહેરા છે? આ સમસ્યાનો તાત્કાલિકપણે ઉકેલ લાવવામાં આવવો જોઈએ.”
અજાન વિશે નિવેદન આપનારા કે. એસ ઈશ્વરપ્પા કર્ણાટકના ભાજપ વરિષ્ઠ નેતા છે. તેઓ રાજ્યના ઉપમુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2012થી 2013 સુધી તેઓ રાજ્યના ડેપ્યુટી સીએમ હતા. આ પહેલાંની બી. એસ યેદીયુરપ્પાની સરકારમાં પણ તેઓ મંત્રી હતા. 2014થી 2018 સુધી તેઓ કર્ણાટક વિધાન પરિષદમાં વિપક્ષ નેતા પણ રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટે એક આદેશમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર પબ્લિક ઇમરજન્સીના સમયે છૂટ આપવામાં આવે છે. પ્રતિબંધ પાછળ કોર્ટે ધ્વનિ પ્રદુષણ અને લોકોના સ્વાસ્થ્યનું કારણ આપ્યું હતું. જોકે, ઓક્ટોબર 2005માં કોર્ટે તહેવારોના સમયે રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરો વગાડવાની પરવાનગી આપી હતી.