ગઈકાલે અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં, હા ભાઈ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વિરાટ કોહલીએ પોતાની 75મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી મારી હતી. વિરાટ માટે આ સેન્ચુરી એટલા માટે પણ મહત્વની હતી કારણકે લગભગ ત્રણ વર્ષ બાદ તેણે ટેસ્ટ મેચમાં સેન્ચુરી બનાવી છે. મોટેરા સ્ટેડીયમમાં આ જ રીતે ઘણા બધાં ભારતીય ક્રિકેટરોને વિક્રમો બનાવવાની તક મળી છે તો કેટલાંક ક્રિકેટર્સની લાંબા સમયની રાહ અહીં જ પુરી થઇ છે.
આ પ્રકારનાં ક્રિકેટર્સમાં મહાન ક્રિકેટરો જ સામેલ છે જેમનાં માટે અમદાવાદનું આ મોટેરા સ્ટેડીયમ જે હવે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરીકે જાણીતું બન્યું છે તે અત્યંત લકી સાબિત થયું છે. જો આવા ક્રિકેટર્સની યાદી બનાવવામાં આવે તો તેમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંદુલકર અને હવે વિરાટ કોહલીનું નામ પણ સામેલ થઇ ગયું છે. ચાલો જાણીએ કેવી રીતે મોટેરા સ્ટેડીયમમાં આ તમામ ક્રિકેટરોની અનોખી યાદી સચવાઈ રહેલી છે.
સુનીલ ગાવસ્કર: સેન્ચુરી ચુક્યા પણ એક મોટો વિક્રમ પોતાનાં નામે કર્યો
અમદાવાદમાં પહેલાં એક જ સ્ટેડીયમ હતું જેનું નામ હતું સરદાર પટેલ સ્ટેડીયમ જે અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં બે ફાડા પડી જતાં મોટેરા ખાતે એક નવું સ્ટેડીયમ બનાવવામાં આવ્યું. આ જ સ્ટેડીયમમાં પહેલી ટેસ્ટ મેચ એ સમયની અજેય એવી વેસ્ટ ઇન્ડીઝ સામે રમવામાં આવી હતી. આ જ મેચમાં કપિલ દેવે તો એક વિક્રમ પોતાનાં નામે નોંધાવ્યો જ હતો જેની ચર્ચા આપણે પછી કરીશું, પરંતુ સુનીલ ગાવસ્કર આ મેચમાં સર ડોન બ્રેડમેનના સહુથી વધુ સદીનો વિક્રમ તોડવાની એકદમ નજીક આવી ગયાં હતાં.
જ્યારે તેઓ 90 રન પર બેટિંગ કરી રહ્યાં હતાં અને સાંજનો સમય હતો ત્યારે તેમની સામેનાં સાઈટ સ્ક્રીન પર થોડી હલચલ થઇ એટલે તેમણે અમ્પાયરનું ધ્યાન દોર્યું અને ફરીથી બેટિંગ કરવા લાગ્યાં. જેવો બોલ તેમનાં તરફ આવ્યો કે ફરીથી સાઈટ સ્ક્રીન પર હલચલ થઇ અને ગાવસ્કરનું ધ્યાનભંગ થયું અને તેઓ સ્લીપમાં કેચ આપી બેઠાં. આઉટ થઈને પેવેલિયન તરફ જતાં સુનીલ ગાવસ્કર અત્યંત ગુસ્સે ભરાયેલાં જોઈ શકાતાં હતાં. આ ટેસ્ટમાં ભલે સુનીલ ગાવસ્કર સર ડોનને વટાવી ન શક્યાં પરંતુ તેનાં પછીની દિલ્હી ટેસ્ટમાં તેમણે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
પરંતુ જાણેકે આ મોટેરા સ્ટેડીયમ સુનીલ ગાવસ્કરને રેકોર્ડ બનાવ્યાં સિવાય જવા જ દેવા માંગતું ન હતું એ રીતે ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કરનાર પ્રથમ બેટર તરીકે સુનીલ ગાવસ્કર જ્યારે થોડાં જ રન દૂર હતાં ત્યારે પાકિસ્તાન સામે અમદાવાદનાં આ સ્ટેડીયમમાં મેચ રમાઈ હતી. ગાવસ્કરે એ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 63 રન બનાવીને આ રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો હતો.
કપિલ દેવ માટે બેવડી સિદ્ધિનું સ્થળ એટલે મોટેરા સ્ટેડીયમ
ભારતનાં મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ માટે હાલનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કાયમ માટેની યાદગીરી બનીને રહી ગયું છે. જે મેચમાં સુનીલ ગાવસ્કર 90 રને આઉટ થયાં હતાં એ જ મેચની બીજી ઇનિંગમાં કપિલ દેવે તેમની કેરિયરની શ્રેષ્ઠ બોલિંગ કરીને 83 રન આપીને વેસ્ટ ઇન્ડીઝની 9 વિકેટ લીધી હતી. આ ઇનિંગની પહેલી વિકેટ બલવિન્દર સંધુએ લીધી હતી, જો એમ ન થયું હોત તો અનીલ કુંબલે પહેલાં કદાચ કપિલ દેવ ભારતનાં પ્રથમ બોલર બની ગયાં હોત જેમણે એક જ ટીમનાં દસેય બેટર્સને આઉટ કર્યા હોય.
જ્યારે કપિલ દેવ સર રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ તોડવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં અને માંડ માંડ આ વિક્રમ નજીક પહોંચ્યાં હતાં ત્યારે અમદાવાદના એ સમયના મોટેરા સ્ટેડીયમમાં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં હસન તિલકરત્નેને ફોરવર્ડ શોર્ટ લેગ પર ઉભેલા સંજય માંજરેકર પાસે કેચ કરાવીને તેમણે આ રેકોર્ડ તોડ્યો હતો.
સચિન તેંદુલકરની પ્રથમ ડબલ સેન્ચુરીનું સાક્ષી બન્યું મોટેરા સ્ટેડીયમ
સચિન તેંદુલકર માટે એ સમયે સેન્ચુરી બનાવવી તો કદાચ સહેલી વાત બની ગઈ હતી પરંતુ બેવડી સદી હજી પણ તેનાંથી દૂર રહેતી હતી. તેંદુલકરે તેની પહેલ વહેલી ડબલ સેન્ચુરી અમદાવાદનાં મોટેરા સ્ટેડીયમમાં ન્યુઝીલેન્ડ સામે બનાવી હતી. આ મેચમાં સચિન ખુદ કેપ્ટન હતો અને તેની ડબલ સેન્ચુરી ઉપરાંત દાદા એટલેકે સૌરવ ગાંગુલીએ પણ સેન્ચુરી બનાવી હતી. જો કે ન્યુઝીલેન્ડને ફોલોઓન ન આપીને બીજી ઈનિંગમાં પણ બેટિંગ કરવાનો સચિનનો નિર્ણય ખાસ્સો વિવાદસ્પદ બન્યો હતો.
વિરાટ કોહલીની ટેસ્ટ સેન્ચુરીની તૃષા પૂર્ણ થઇ
જેમ આપણે જાણીએ જ છીએ કે વિરાટ કોહલીએ ગઈકાલે જ એટલેકે 12 માર્ચ 2023ના દિવસે લગભગ ત્રણ વર્ષ બાદ ટેસ્ટ મેચમાં સેન્ચુરી બનાવી અને એ પણ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જે પહેલાં મોટેરા સ્ટેડીયમ કહેવાતું હતું. આ અગાઉ છેલ્લાં છ મહિનામાં T20 અને વનડે ઇન્ટરનેશનલ્સમાં તો કોહલીએ લાંબી રાહ જોયા પછી સેન્ચુરીઓ બનાવી જ હતી પરંતુ ટેસ્ટમાં હજી પણ તેનાથી સેન્ચુરી બની રહી ન હતી જે લાંબો દુષ્કાળ તેણે ગઈકાલે પૂર્ણ કર્યો છે. આમ આ રીતે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડીયમ એટલેકે મોટેરા સ્ટેડીયમમાં ભારતીય ટીમના ચાર મહાન ખેલાડીઓએ પોતાના વિક્રમો સર્જ્યા છે અને એટલું જ નહીં પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં તો તેમની લાંબા સમયની ઈચ્છાઓ પણ પૂર્ણ કરી છે. આથી જ અમદાવાદનું આ સ્ટેડીયમ લગભગ ભારતીય ક્રિકેટરો માટે કાયમી ફેવરીટ બનેલું રહેશે જ તેમાં શંકાને સ્થાન નથી.