તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં રમખાણો વિશે બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશન (BBC) દ્વારા બનાવાયેલી એક ડોક્યુમેન્ટ્રી વિવાદોમાં રહી હતી. હવે ગુજરાત વિધાનસભાએ આ ડોક્યુમેન્ટ્રી સિરીઝને વખોડી કાઢીને તેની વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવા માટે રજૂઆત કરી છે.
#WATCH | Gujarat Assembly today passed a resolution requesting the Centre to take strict action against the BBC for its documentary on the 2002 Godhra riots
— ANI (@ANI) March 10, 2023
“The documentary was not just against Modi but against 135 crore citizens of the country,” said Gujarat Home Minister pic.twitter.com/IXCFJ7ocxC
ધારાસભ્ય વિપુલ પટેલના પ્રસ્તાવ પર બોલતી વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ડોક્યુમેન્ટ્રી દ્વારા આ આરોપો લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને 135 કરોડ ભારતીયો ક્યારેય તેને સાંખી લેશે નહીં.
ગૃહમંત્રીએ BBCની ડોક્યુમેન્ટ્રીને ‘મોદી ફોબિયા’ અને ‘ઇન્ડિયા ફોબિયા’નું ઉદાહરણ ગણાવી અને કહ્યું કે આ સંસ્થાએ 2014થી ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદીનું મક્કમ નેતૃત્વ ભારતવિરોધીઓને પસંદ નથી અને જેના કારણે તેમની અને દેશ વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
‘ગોધરાની ઘટના પૂર્વનિયોજિત, રમખાણો સ્વયંભૂ’
હર્ષ સંઘવીએ કહ્યું કે, ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવવાની ઘટના પૂર્વનિયોજિત હતી અને ટ્રેનની ચેન ખેંચવામાં આવ્યા બાદ બંને ડબ્બા સળગાવવામાં આવ્યા હતા, જેમાં 59 નિર્દોષ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ સ્વયંભૂ રોષ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ રમખાણો થયાં હતાં.
તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે રમખાણો બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી SIT રચાઈ હતી અને તમામ તપાસ બાદ SIT અને કમિશને રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ રમખાણોમાં રાજ્ય સરકાર, કોઈ ધાર્મિક સંગઠન કે રાજકીય પક્ષે કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવી ન હતી અને તે સ્વયંભૂ જ હતાં.
તેમણે કહ્યું કે, ગોધરા કાંડની ઘટનાના 20 વર્ષ બાદ પણ BBC ભારત વિરોધી ષડ્યંત્ર રચી રહ્યું છે અને દેશના કરોડો લોકોએ નરેન્દ્ર મોદીને લોકશાહી ઢબે ચૂંટીને વડાપ્રધાન બનાવ્યા હોવા છતાં કથિત ન્યૂઝ ચેનલો અને પત્રકારો પ્રેસ સ્વતંત્રતાના નામે ભારતને અને કરોડો ભારતીયોને બદનામ કરવાનો કારસો ઘડી રહ્યા છે, જે ક્યારેય સાંખી લેવામાં આવશે નહીં.
‘મોદીની લોકપ્રિયતા અને છબીને નુકસાન કરવાનો પ્રયાસ’
આ પ્રસ્તાવ રજૂ કરતાં ભાજપ ધારાસભ્ય વિપુલ પટેલે કહ્યું હતું કે, તેના દ્વારા ફરી એક વખત રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને છબીને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ભારત લોકશાહી દેશ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેના બંધારણના પાયામાં છે પરંતુ આવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને કોઈ પણ સમાચાર માધ્યમ સ્વચ્છંદતાપૂર્વક વર્તી શકે નહીં અને કોઈ આવું વર્તન કરે તો તેને સાંખી લેવાય નહીં. અંતે તેમણે કહ્યું કે, BBC વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે અને દેશ સામે કોઈ છુપા એજન્ડા સાથે કામ કરી રહ્યું હોય તેમ જણાય છે.
લગભગ 90 મિનિટની ચર્ચા બાદ ગુજરાત વિધાનસભાએ BBC સામે પ્રસ્તાવ પસાર કર્યો હતો. જેને લઈને સ્પીકર શંકર ચૌધરીએ કહ્યું કે, પ્રાઇવેટ મેમ્બર પ્રસ્તાવને તમામ સભ્યો દ્વારા સમર્થન મળવું ઘણી મોટી બાબત છે. એ દર્શાવે છે કે BBC ડોક્યુમેન્ટ્રીને લઈને સામાન્ય લોકોમાં કેટલો ગુસ્સો છે.