છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ જાણે હિંસા અને ડરનો પર્યાય બનતું જઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા એ હદે કથળી રહી છે કે ક્યાંક પોલીસ સ્ટેશન પર ખાલિસ્તાની સમર્થકોનું ટોળું હુમલો કરી રહ્યું છે, તો ક્યાંક જાહેરમાં આંગળીઓ કાપવામાં આવી રહી છે. આવી જ એક ઘટનામાં પંજાબમાં કોંગ્રેસ નેતા મેજરસિંહ ધારીવાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેમની હત્યામાં એક મહિલા સામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, પંજાબમાં કોંગ્રેસ નેતા મેજરસિંહ ધારીવાલની ગોળી મારીને હત્યા કરનાર મહિલા તેમના ત્યાં જ કામ કરતી હતી. ઘટના સમયે ધારીવાલ સંગવા સ્થિત તેમના મેરેજ પેલેસમાં હતા અને તેઓ તેમના કર્મચારીઓ સાથે બેસીને પૈસાનો હિસાબ જોઈ રહ્યા હતા. તે અરસામાં જ પેલેસમાં જ કામ કરનાર અમનદીપ કૌર અને મેજરસિંહ વચ્ચે તકરાર થઈ ગઈ. આ દરમિયાન આરોપી અમનદીપ કૌરે મેજરસિંહની પિસ્તોલ ઉઠાવીને તેમના પર ધડાધડ ગોળીઓ ચલાવી દીધી હતી. જેમાંથી 2 ગોળીઓ તેમને છાતીમાં વાગતાં તેઓ ઢળી પડ્યા હતા.
ઘટના બાદ મેરેજ પેલેસના સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. તો બીજી તરફ હત્યા બાદ મહિલા આરોપી અમનદીપ કૌર પિસ્ટલ લઈને ઘટના સ્થળેથી ભાગી છૂટી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મેજરસિંહ અને અમનદીપ વચ્ચે રૂપિયાની લેવડ-દેવડ બાબતે વિવાદ થયો હતો. જે બાદ આરોપી મહિલાએ ધારીવાલાની હત્યા કરી નાંખી હતી.
અહેવાલોમાં જણાવ્યાં અનુસાર ઘટના બાબતે SSP ગુરમીતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ હત્યા અંગત વિવાદના કારણે થઈ છે. આરોપી મહિલા સાથે અન્ય કોઈ વ્યક્તિ હતું કે કેમ તે જાણવા માટે CCTV કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયદ હાથ ધરવામાં આવી છે અને હત્યાના હેતુની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પંજાબમાં કથળતો કાયદો
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યાં છે, તાજેતરમાં જ પંજાબના અમૃતસરના એક પોલીસ મથક પર હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાની સંગઠન ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહના સમર્થકો તલવારો અને બંદૂક લઈને ખૂબ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા અને પોલીસ બેરિકેડ્સ તોડી નાંખ્યાં હતાં.
વાસ્તવમાં અમૃતપાલ સિંઘના નજીકના ગણાતા લવપ્રીત સિંઘ ઉર્ફે તૂફાનની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે તેના સમર્થકો અમૃતસરના અજનાલા પોલીસ મથકની બહાર એકઠા થઇ ગયા હતા અને ધમાલ મચાવી હતી.
અજનાલા પોલીસ મથક પર હુમલાને લઈને પંજાબ પોલીસના ડીજીપીએ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓએ ગુરુ ગ્રંથ સાહિબનો એક ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો અને તેની આડ લઈને પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 6 લોકો ઇજા પામ્યા હતા. તેમણે ઉમેર્યું કે જો પોલીસે ગોળીબાર કર્યો હોત તો પરિસ્થિતિ વધુ બગડી હોત, જેથી તેમણે સંયમથી કામ લીધું.