કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિપક્ષી નેતાઓની જાસુસી કરવાના મામલે મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે મંજુરી આપી દીધી છે. CBI એ આ માટે ગૃહમંત્રાલય પાસે પરવાનગી માંગી હતી. 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી હતી, અને અરવિંદ કેજરીવાલે સરકાર બનાવી હતી, તે સમયે દિલ્હી સરકારે ફીડબેક યુનિટ બનાવ્યું હતું. જેના પર વિપક્ષી નેતાઓની જાસુસી કરવાના આરોપો લાગ્યાં હતા
મળતા અહેવાલો અનુસાર ફીડબેક યુનિટ મામલે મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે CBIને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી પરવાનગી મળી જતા, હવે મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. વિવાદિત ફીડબેક યુનિટ દિલ્હી સરકારનાં વિજીલેન્સ ડીપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે જે મનીષ સિસોદિયાને અધીન છે. આ વિભાગ પર આરોપ છે કે તે ભ્રષ્ટાચાર પર નજર રાખવાના બહાને વિપક્ષી નેતાઓની જાસુસી કરતો હતો.
Ministry of Home Affairs has given sanction to prosecute Delhi Deputy CM Manish Sisodia under the Prevention of Corruption Act in the ‘Feedback Unit’ alleged snooping case pic.twitter.com/mEZfVt8K0g
— ANI (@ANI) February 22, 2023
ફીડબેક યુનિટ અને દિલ્હી સરકાર
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી હતી. એ જ વર્ષે, દિલ્હી સરકારે ભ્રષ્ટાચાર પર નજર રાખવા માટે એક ફીડબેક યુનિટની સ્થાપના કરી હતી. આ યુનિટનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. જો કે ભ્રષ્ટાચારના નામે આ યુનિટે વિરોધ પક્ષોના નેતાઓ અને તેમની કામગીરી પર નજર રાખવાનું શરુ કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહેલાથી જ દારૂ કૌભાંડને લઈને તપાસ એજન્સીના નિશાન પર છે. દિલ્હીનું દારૂ કૌભાંડ રાજ્ય સરકારની નવી આબકારી નીતિ-2021 સાથે જોડાયેલું છે. મનીષ સિસોદિયા પણ આ વિભાગના વડા છે. આથી તેમને આ કૌભાંડ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને સીબીઆઇએ નોંધાવેલી એફઆઇઆરમાં સિસોદિયા પણ આરોપી નંબર 1 પણ છે.
આ પહેલા બજેટનું બહાનું કાઢી CBI સામે હાજર નહોતા થયાં
ઉલ્લેખનીય છે કે દિલ્હી આબકારી નીતિમાં કરોડોના કૌભાંડ આચરવાના આરોપમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને CBI દ્વારા હાજર થવા આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ બજેટનું બહાનું કાઢી મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં. જોકે સિસોદિયાએ પોતે કહ્યું હતું કે તેમની ધરપકડ થઈ શકે છે. જેના કરને તેમણે દિલ્હીનું અગામી બજેટ તૈયાર કરવા માટે 1 સપ્તાહનો સમય માંગ્યો હતો. તો બીજી તરફ CBI દ્વારા પણ તેમની આ અરજીને મંજુર કરીને હાજર થવા નવી તારીખ આપવાની તૈયારી દર્શાવી હતી.
સમન પાઠવવા છતાં મનીષ સિસોદિયા CBI સમક્ષ હાજર ન થયાં હતા, જેને લઈને સિસોદિયાએ કહ્યું હતું કે, મે હંમેશા CBIને તપાસમાં સહયોગ આપ્યો છે. પરંતુ દિલ્હીનું અગામી અઠવાડિયું ખુબ મહત્વપૂર્ણ છે. કારણકે અમારે આ સમય દરમિયાન અગામી બજેટ તૈયાર કરવાનું છે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તેને કેન્દ્ર સરકારને મોકલવાનું છે. તેમણે આગળ એમ પણ જણાવ્યું કે મને મારી ધરપકડ થવાનો અંદાજો હતો. જેથી મે CBI પાસે બજેટ બનાવવા માટે થોડો સમય માંગ્યો હતો.