ઉત્તર પ્રદેશના કાનપુરમાં પ્રશાસન દબાણ હટાવવા આવતા માતા-પુત્રીએ અગ્નિ સ્નાન કર્યું હતું. ઘટના સમયે સ્થાનિક વહીવટી તંત્ર સરકારી જમીન પરથી ગેરકાયદે કબજો દૂર કરવા માટે પહોંચ્યુ હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રોષે ભરાયેલા લોકોએ સ્થાનિક પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળે હાજર પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ સહિત કુલ 60 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના સોમવાર (13 જાન્યુઆરી, 2023)ના રોજ બની હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાનપુરમાં પ્રશાસન દબાણ હટાવવા આવતા માતા-પુત્રીએ અગ્નિ સ્નાન કર્યું હોવાની આ ઘટના રુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મદૌલી ગામની છે. અહીંના રહેવાસી કૃષ્ણ ગોપાલ દીક્ષિત પર ગ્રામ સમાજની જમીન પર ગેરકાયદે અતિક્રમણ કરવાનો આરોપ હતો. પીડિતનું કહેવું છે કે ગામના કેટલાક લોકો તેમના દ્વારા કરવામાં આવેલા બાંધકામ સામે અધિકારીઓને ફરિયાદ કરતા હતા. કૃષ્ણ ગોપાલના જણાવ્યા અનુસાર, આ જ ફરિયાદીઓના દબાણમાં આવીને સોમવારે સમગ્ર વહીવટી તંત્ર બુલડોઝર સાથે તેમના ઘરને તોડી પાડવા પહોંચ્યો હતો. પીડીતે તેમ પણ જણાવ્યું કે કેટલાક લોકોના દબાણ હેઠળ, વહીવટીતંત્ર ગયા મહિને 14 જાન્યુઆરીએ પણ તેમના ઘરે અતિક્રમણ વિરોધી કાર્યવાહી કરવા માટે પહોંચ્યું હતું.
અતિક્રમણ દૂર કરવા માટે આ કાર્યવાહીમાં માત્ર એસડીએમ જ નહીં પરંતુ મામલતદાર, તલાટી જેવા મહેસૂલી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારીની આગેવાનીમાં પોલીસ-પ્રશાસન પણ હાજર રહ્યું હતું. કૃષ્ણ ગોપાલ દિક્ષીતની પત્ની પ્રમિલા અને પુત્રી નેહાએ પોતાના ઘર તરફ બુલડોઝર આવતું જોયું કે તરત જ તેમણે પોતાને ઘરમાં બંધ કરી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ ચેતવણીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
मड़ौली कानपुर देहात में डीएम, एसडीएम और लेखपाल के शोषण और बुल्डोजर का शिकार होकर प्रमिला दीक्षित,कृष्ण गोपाल व नेहा ने खुद को किया आग के हवाले।
— Adarsh Katiyar INC (@AdarshK22237787) February 13, 2023
योगी सरकार का पुलिस प्रशासन निर्दोषों की मौत का बन रहा कारण।
मृतक परिवार को मुआवजा और दोषियों पर कार्रवाई करे सरकार।@myogiadityanath pic.twitter.com/DWbzak7xrj
જો કે પ્રમિલાની ધમકીની વહીવટી અધિકારીઓ પર કોઇ અસર થઇ ન હતી અને તેમણે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. થોડા સમય બાદ પ્રમિલાએ પોતાને અને પોતાની દીકરી નેહાને ઝૂંપડીમાં બંધ કરીને આગ ચાંપી દીધી હતી. આગની જ્વાળાઓ જોઈને વહીવટી અધિકારીઓ તો થંભી ગયા, પરંતુ ત્યાં સુધીમાં સળગતી છત મૃતક પર પડી ગઈ હતી. આ ઘટનામાં પ્રમિલા અને તેની પુત્રી ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રમિલાના પતિ કૃષ્ણ ગોપાલે પત્ની અને પુત્રીને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પ્રયાસમાં તે પોતે પણ દાઝી ગયા હતા. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે માતા-પુત્રીની જોડીને સળગતી જોઇને કેટલાક અધિકારીઓ નાસી છૂટ્યા હતા.
ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્થળ પર હાજર અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે રોષે ભરાયેલા લોકોને સમજાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ હંગામો ચાલુ રહ્યો. પથ્થરમારામાં અશોકસિંહ નામના એકાઉન્ટન્ટને પણ ઈજાઓ પહોંચી હતી. આ હંગામા વચ્ચે સમાજવાદી પાર્ટી સહિત અન્ય વિપક્ષી દળોએ આ મામલે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
#adgzonekanpur आलोक सिंह द्वारा जनपद कानपुर देहात के थाना रूरा क्षेत्रान्तर्गत घटित घटना के सम्बन्ध में तत्काल मौके पर जाकर घटनास्थल का निरीक्षण किया गया तथा मृतका के परिजनों से वार्ता कर प्रकरण में निष्पक्ष जांच कराकर दोषियों के विरूद्ध कठोर कार्यवाही कराने का आश्वासन दिया गया। pic.twitter.com/RafqZI9PCI
— ADG ZONE KANPUR (@adgzonekanpur) February 13, 2023
અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર મૃતકના પુત્ર શિવમની ફરિયાદ પર કુલ 60 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં એસડીએમ, એસએચઓ, તલાટી તેમજ ગામના અન્ય 4 લોકોના નામ પણ શામેલ કરવામાં આવ્યા છે. એફઆઈઆર આઈપીસીની કલમ 302, 307, 436, 429, 323 અને 34 હેઠળ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકના પરિવારને વળતર આપવાની માંગ કરી છે. ઓપઇન્ડિયાએ આ મામલે રૂરા પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી. અમને કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને જૂના એસએચઓને દૂર કરવામાં આવ્યા છે.