લખનૌ ખાતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની વાર્ષિક કાર્યકારિણીની બેઠક બોર્ડના પ્રમુખ મૌલાના સૈયદ રાબે હસની નદવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બોર્ડના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્તમાન મુસ્લિમોની સ્થિતિ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સરકારને ‘સમાન નાગરિક સહિતા’ અને ‘પૂજા સ્થળ અધિનિયમ 1991’ બાબતેના કાયદાઓ પર વિચાર ન કરવા માટે આડકતરી ચેતવણી આપી હતી.
મળતી માહિતી મુજબ, રવિવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ મૌલાના સૈયદ રાબે હસની નદવીની અધ્યક્ષતામાં નદવાતુલ ઉલેમા લખનૌ ખાતે બોર્ડની કાર્યકારી બેઠકમાં એક ઠરાવ પસાર કરીને મુસ્લિમોને આ હાકલ કરવામાં આવી હતી કે “મુસ્લિમ હોવાનો અર્થ અલ્લાહને સમર્પણ કરવાનો છે, તેથી આપણે શરિયાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ.” આ બાબતની જાણ બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફ ઉલ્લાહ રહેમાનીએ કરી હતી.
આ સિવાય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે “સરકાર સમાન નાગરિક સહિતા બાબતે વિચારવાનું છોડી દે, આ મામલે અમે આખા ભારતમાં લોકોમાં જાગૃતિ લાવીશું. તેમાં તમામ લઘુમતી સમાજના લોકોને પણ સાથે લઈશું, જેમાં શીખ, ખ્રિસ્તી, દલિત અને આદિવાસી સમુદાયોના લોકોને પણ સાથે જોડીશું.” વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે “સમાન નાગરિક સહિતા દેશના તમામ લોકો માટે નુકસાનકારક છે.” યાદ રહે હમણા આપણા દેશમાં વિવિધ ધર્મોને માન્યતા અનુસાર ઘણી છૂટો આપવામાં આવી છે. જેમ કે મુસ્લિમ સમાજના લોકો માટે ‘મુસ્લિમ પર્સનલ લો બોર્ડ’ નિર્ણય લેતું હોય છે. જયારે હિંદુઓ માટે ‘હિંદુ મેરેજ એક્ટ’ અનુસાર નિર્ણય લેવાતો હોય છે. જયારે સમાન નાગરિક સહિતા લાગુ પડશે ત્યારે તમામ ધર્મના લોકો માટે સરખો કાયદો લાગુ પડશે.
આ સિવાય મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ ‘પૂજા સ્થળ અધિનિયમ 1991 કાયદા’ બાબતે પણ સરકારને કહ્યું છે કે “ખુલ્લે આમ કાયદાનો ભંગ થઇ રહ્યો છે. સરકારે 1991 આ કાયદો સંસદમાં પસાર કર્યો હતો, જયારે હાલમાં તેનો જ ભંગ થઇ રહ્યો છે. વર્તમાન સરકાર આ મામલો ધ્યાનમાં લે નહિ તો દેશમાં અરાજકતાનો માહોલ સર્જાશે.” આપણા દેશમાં પૂજા સ્થળ અધિનિયમ 1991 માટેનો કાયદો છે. જેમાં 1991 પહેલા જે સ્થળે જે ધર્મની આસ્થા હશે તેને બદલી શકાશે નહિ. જેમાં રામ મંદિરને બાકાત રાખવામાં આવ્યું હતું. યાદ રહે હાલમાં કાશી વિશ્વનાથ અને મથુરા મંદિર બાબતે પણ દેશમાં ચર્ચા ચાલી રહી છે.
નોધનીય છે કે હાલમાં સત્તામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેની સ્થાપના વખતેથી મુખ્ય મુદ્દા માનો એક મુદ્દો ‘સમાન નાગરિક સહિતા’ છે.