આસામ પોલીસે બાળલગ્ન વિરૂદ્ધ એક મોટા અભિયાનમાં શુક્રવારે 2,044 લોકોની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અહીં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે શુક્રવાર સવારથી રાજ્યભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલુ રહેશે.
અહેવાલો અનુસાર રાજ્ય કેબિનેટે 23 જાન્યુઆરીએ નિર્ણય લીધો હતો કે બાળ લગ્નના ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે અને વ્યાપક જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. આસામના પોલીસ મહાનિર્દેશક જેપી સિંહે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં 4,004 થી વધુ કેસ નોંધાયા છે.
ડીજીપીના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને બાળ લગ્ન સંબંધિત માહિતી મળી હતી. જે બાદ તેમણે પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને પકડવા સૂચના આપી હતી. શર્માએ રાજ્યવ્યાપી પોલીસ કાર્યવાહી અંગે પોલીસ મહાનિર્દેશક જીપી સિંઘની હાજરીમાં તમામ પોલીસ અધિક્ષકો (SPs) સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. તેમણે લોકોને ‘આ દુષ્ટતાથી છૂટકારો મેળવવા’ માટે સહકાર અને સમર્થન માટે અપીલ કરી હતી.
લગ્ન અમાન્ય જાહેર કરવામાં આવશે
સીએમ સરમાએ કહ્યું હતું કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે અને 14-18 વર્ષની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર બાળ લગ્ન નિવારણ એક્ટ, 2006 હેઠળ કેસ કરવામાં આવશે.
બાળલગ્ન વિરૂદ્ધ કાર્યવાહીમાં આવા લોકોની ધરપકડ કરવામાં આવશે અને લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવશે. જો છોકરાની ઉંમર પણ 14 વર્ષથી ઓછી હશે તો તેને સુધાર ગૃહમાં મોકલવામાં આવશે.
ધરપકડ કરાયેલા લોકોમાં 52 કાઝી અને પાદરીઓ
ડીજીપી સિંહે કહ્યું કે, અત્યાર સુધી ચલાવવામાં આવેલા અભિયાનમાં લગ્ન કરનારા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 52 કાઝી અને પુરોહિત સામેલ છે.
તેમના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ધરપકડ ધુબરી, બરપેટા, કોકરાઝાર અને વિશ્વનાથ જિલ્લામાં કરવામાં આવી છે. ધુબરીમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ 136 ધરપકડ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ 370 કેસ નોંધાયા છે. આ પછી બારપેટામાં 110 અને નાગાંવમાં 100 ધરપકડ કરવામાં આવી છે.
આસામ પોલીસ અનુસાર આગળ પણ આ જ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેવાની છે. એટલે શક્ય છે કે ધરપકડનો આંકડો હજુ પણ વધી શકે છે.