સુરત જિલ્લાના બારડોલીમાં નજીવી બાબતે હિંદુ યુવાનો ઉપર જીવલેણ હુમલો કરનારા માથાભારે મુસ્લિમ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પહેલાં રિક્ષાચાલક યુવાન સાથે માથાકૂટ કરી હતી અને થોડી વાર પછી આવીને પાંચેક ઈસમોએ મળીને માર માર્યો હતો.
ઘટના ગત મંગળવારે (24 જાન્યુઆરી 2023) બની હતી. બારડોલીને અડીને આવેલા બાબેન ગામમાં રહેતો યુવાન રવિ ચૌહાણ રિક્ષા ચલાવે છે. દરમ્યાન, ઘટનાના દિવસે રાત્રે 8 વાગ્યે તે રિક્ષા લઈને નીકળ્યો હતો અને બારડોલી અલંકાર ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે પાછળથી એક ફોરવ્હીલ કારનો ચાલક જોર-જોરથી હોર્ન મારતો હોઈ તેણે રિક્ષા બાજુ પર મૂકી હતી અને કારચાલકને હોર્ન ન મારવાનું કહેતાં કારમાંથી ફિરોઝ ધોરાજી અને તેની સાથે અન્ય એક ઈસમે ઉતરીને તેને ગાળો ભાંડી હતી અને બોલાચાલી કરી હતી.
બંને તે સમયે ત્યાંથી જતા રહ્યા હતા પરંતુ દસેક વાગ્યાના અરસામાં રવિ ચૌહાણ રીક્ષા લઈને જતો હતો ત્યારે બારડોલી સુગર ફેક્ટરીના ગેટ પાસે ફિરોઝ ધોરાજી અને તેનો સાગરિત ફરી આવ્યા હતા અને રિક્ષા થોભાવીને ‘સાલા તું દાદા હો ગયા હૈ’ કહીને કોલર પકડીને માર મારવા માંડ્યા હતા.
ત્યારબાદ એક અન્ય કારમાં બીજા કેટલાક ઈસમોએ આવીને મારઝૂડ શરૂ કરી દીધી હતી. દરમ્યાન, પીડિત યુવકનો ભાઈ ત્યાં દોડી આવતાં આરોપીએ તેને પણ માર માર્યો હતો. ફિરોઝ ધોરાજીએ પીડિત યુવકને લાકડાનો સપાટો માથામાં મારતાં ઇજા પહોંચી હતી અને તેના ભાઈને પણ માર માર્યો હતો. પછીથી આસપાસના લોકો એકઠા થઇ જતાં તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
પીડિત યુવકે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, માર મારતી વખતે ફિરોઝ અને તેના માણસો જોરજોરથી ‘સાલો કો છોડના નહીં હૈ’ની બૂમો પાડતા હતા અને જતી વખતે ‘આજ તો તુમ બચ ગયે, દુબારા મિલેંગે તો પતા દેંગે’ની બૂમો પણ પાડતા ગયા હતા.
ઘટના બાદ આસપાસના લોકોએ મળીને બંને ભાઈઓને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પછીથી પોલીસને પણ જાણ કરવામાં આવતાં પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધીને FIR દાખલ કરી હતી. બીજી તરફ, મામલાની જાણ થતાં મોટી સંખ્યામાં હિંદુઓનું ટોળું હોસ્પિટલે ધસી આવ્યું હતું.
પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 307, 325, 323 506(2), 504 અને 114 હેઠળ ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં હિંદુ યુવાનો પર હુમલો કરનારા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ પોલીસે બારડોલીમાં જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો અને આરોપીઓને ફેરવીને DySP કચેરીએ લઇ જવામાં આવ્યા હતા.