અમેરિકાની એક રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા બે દિવસ પહેલાં એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથ ઉપર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવવામાં આવ્યા હતા અને લિસ્ટેડ કંપનીઓ ઉપર દેવું વધવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ગ્રુપને મોટો ફટકો પડ્યો હતો અને શૅર ઘટી ગયા હતા. હવે અદાણી જૂથે અમેરિકી ફર્મ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
આજે અદાણી જૂથે એક નિવેદન જારી કરીને હિંડનબર્ગના રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને યોગ્ય સંશોધન વિનાનો ગણાવ્યો હતો અને ઉમેર્યું કે તેના કારણે તેમના શેરધારકો અને રોકાણકારોને મોટી અસર થઇ છે. આગળ કહેવામાં આવ્યું કે, આ રિપોર્ટના કારણે ભારતીય શેરબજારમાં જે અસ્થિરતા સર્જાઈ એ ચિંતાજનક બાબત છે.
Media statement – II on a report published by Hindenburg Research pic.twitter.com/Yd2ufHUNRX
— Adani Group (@AdaniOnline) January 26, 2023
અદાણી જૂથ તરફથી જણાવવામાં આવ્યું કે, તેઓ આવા સામાન્ય જનતા અને રોકાણકારોને ગેરમાર્ગે દોરતા અને અદાણી જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા ઈરાદાપૂર્વકના અને બેદરકારી પૂર્વકના રિપોર્ટથી ખૂબ ચિંતિત છે. ગ્રુપે નિવેદનમાં કહ્યું છે કે કંપનીના FPOને નુકસાન પહોંચાડવા માટે વિદેશી ફર્મ હિંડનબર્ગ દ્વારા જાણીજોઈને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની સામે તેઓ કડક કાર્યવાહી કરશે.
કાયદાકીય પગલાં લેશે અદાણી જૂથ
આગળ જણાવવામાં આવ્યું કે, હિંડનબર્ગે રિસર્ચ સામે કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવા માટે ભારત અને અમેરિકાના કાયદા અને જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક ફાયનાન્શિયલ રિસર્ચ ફર્મ હિન્ડરબર્ગે 24 જાન્યુઆરી 2023 (મંગળવારે) એક રિપોર્ટ પ્રકાશિત કરીને અદાણી જૂથની કંપનીઓના શૅરના વેલ્યુએશનમાં હેરફેરનો આરોપ લગાવ્યો હતો અને એમ પણ કહેવામાં આવ્યું કે આવા ઘણા મામલાઓમાં તપાસની જરૂર છે, જેમાં મની લોન્ડરિંગ, ટેક્સ ડૉલરની ચોરી અને ભ્રષ્ટાચારના આરોપો સામેલ છે. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથની મુખ્ય લિસ્ટેડ કંપનીઓ ઉપર નોંધપાત્ર પ્રમાણમાં દેવું છે.
રિપોર્ટ બાદ જૂથને સારું એવું નુકસાન ગયું
આ રિપોર્ટ બાદ અદાણી જૂથની કંપનીઓના શૅરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે અદાણી એન્ટરપ્રાઈઝના શૅરનો ભાવ લગભગ 3 ટકા ઘટીને 3315 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે, સમૂહની અન્ય છ કંપનીઓના શૅરને પણ અસર થઇ. અદાણી ગ્રુપના સ્ટોક્સમાં ઘટાડાના કારણે રોકાણકારોને લગભગ 46 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.