આટલી સજ્જડ હાર મળે તો કોઇપણ રાજકીય પક્ષને આંચકો લાગે એ સ્વાભાવિક છે. અન્ય કોઈ પક્ષ હોય તો ઐતિહાસિક હારનું ઝડપથી પરંતુ ચોક્કસ પૃથક્કરણ કરીને અને અંતરવિચાર કરીને પક્ષની સ્થિતિ સુધારવા લાગી જતો હોય છે. પરંતુ કોંગ્રેસ તો કોંગ્રેસ છે, અને એમાંય ગુજરાત કોંગ્રેસની હાલત તો વર્ષોથી બદતર જ થતી જાય છે. ગુજરાત કોંગ્રેસમાં અંતરીક જુથવાદ નવી વાત નથી પરંતુ તે ઓછો કરવાને બદલે હવે તેમાં નવું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે.
ગુજરાતી ન્યુઝ ચેનલ VTVનાં એક અહેવાલ અનુસાર ગુજરાત કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા અને શૈલેશ પરમાર વચ્ચે હવે ગજગ્રાહ શરુ થયો છે. થોડા દિવસ અગાઉ ગુજરાત વિધાનસભામાં અમિત ચાવડાને કોંગ્રેસે વિધાનસભા પક્ષના નેતા તરીકે મનોનીત કર્યા હતાં. બસ! આ બાબતે અમિત ચાવડા અને પક્ષથી દાણીલીમડાના વિધાનસભ્ય શૈલેશ પરમાર રિસાઈ ગયા છે.
એક રીતે જુઓ તો ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું જરૂરી પદ મેળવવા માટે ઓછામાં ઓછા 19 ધારાસભ્ય કોઇપણ પક્ષ પાસે હોવા જરૂરી છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક ચીલો ચીતરતાં વિધાનસભામાં જરૂરી સભ્યો કરતાં પણ 2 ઓછાં ધારાસભ્યો મોકલ્યાં. આમ ટેક્નીકલ રીતે જોવા જઈએ તો આ વખતે ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા વિહોણી જ રહેવાની છે. જો કે આ બાબતે ગુજરાત સરકાર અથવાતો વિધાનસભાનાં અધ્યક્ષ કોઈ નિર્ણય લઇ શકે તો જુદી વાત છે.
તેમ છતાં ભાજપના 156 બાદ જો સહુથી વધુ સભ્યો કોઈ પક્ષનાં હોય તો તે કોંગ્રેસના છે અને આથી મુખ્ય વિપક્ષ તરીકેનું પદ મળવું પણ કોઇપણ કોંગ્રેસી અને તે પણ વરિષ્ઠ કોંગ્રેસી નેતા જે ભાજપની ત્સુનામીમાં પણ તરી ગયા હોય તેને માટે સન્માનની વાત ગણાશે. થોડાં દિવસ અગાઉ જે રીતે અમિત ચાવડાને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પસંદ કરવામાં આવ્યા તે શૈલેશ પરમારને ગમ્યું નથી.
અગાઉની વિધાનસભામાં શૈલેશ પરમાર વિધાનસભામાં પક્ષના દંડક તરીકે રહી ચુક્યા છે એટલે સ્વાભાવિક છે કે તેમને પ્રમોશનની આશા હોય પરંતુ અમિત ચાવડા અચાનક જ તેમને ઓવરટેક કરી ગયાં અને વિપક્ષી નેતા, એટલેકે મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાનું પદ આંચકી લીધું. કદાચ આ બાબત શૈલેશ પરમારને ખૂંચી હોય તેથી તેઓ આજકાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાં છે.
અહીં એ પણ નોંધનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષનું આધિકારિક પદ કોંગ્રેસને નથી મળવાનું એ સ્પષ્ટ છે કારણકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થોડાં દિવસ અગાઉ જ વિપક્ષી નેતાને મળનારો બંગલો સરકારના એક અન્ય મંત્રી કુબેર ડિંડોરને ફાળવી દીધો છે. આથી ઉપર ટાંકેલા અહેવાલ અનુસાર વિધાનસભામાં અમિત ચાવડાને કદાચ વિપક્ષી નેતાની ચેમ્બર પણ મળવાની નથી અને તેઓ કોંગ્રેસ કાર્યાલયથી જ પોતાનો કાર્યભાર સંભાળશે.
આજે અમિત ચાવડા કોંગ્રેસ કાર્યાલયમાં પોતાનો કાર્યભાર સંભાળશે પરંતુ અહેવાલ અનુસાર શૈલેશ પરમાર આ કાર્યક્રમમાં હાજર નહીં રહીને એક રીતે તેનો બહિષ્કાર કરશે. એક તરફ ગઈકાલે કોંગ્રેસે તેના 36 જેટલાં કાર્યકરોને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે તો બીજી તરફ શૈલેશ પરમાર જેવા વરિષ્ઠ નેતા કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઇ ગયા છે.
આમ આ રીતે ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધતા તેર તૂટે એવી તો હતી જ પરંતુ તે સુધરવાની જગ્યાએ યથાવત રહી છે. હવે આગળ કોંગ્રેસ શું કરશે તેનાં પર બધાંની નજર છે. શું શૈલેશ પરમારને ફરીથી દંડક તરીકે સંતોષ માનવો પડશે કે પક્ષમાં તેમને કોઈ મહત્વનું પદ આપીને સંભાળી લેવામાં આવશે તે જોવાનું અત્યંત રસપ્રદ બની રહેશે.
જો કે આ બધાંમાં પ્રજામાં કોંગ્રેસનું ચિત્ર વધુને વધુ ખરાબ થયું છે એ સ્પષ્ટ છે. 2024ની લોકસભાની ચૂંટણીઓ હવે માત્ર દોઢ વર્ષ દુર છે એવામાં કોંગ્રેસ પોતાની હાલત સુધારે અને મહેનત શરુ કરે તે તેનાં જ લાભમાં છે.