શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની આગામી ફિલ્મ પઠાનની તરફેણમાં કરીના કપૂર ખાન આવી છે. શાહરૂખ ખાનની આ આગામી ફિલ્મ યશરાજ ફિલ્મના બેનર હેઠળ નિર્મિત થઇ છે અને તેને સિદ્ધાર્થ આનંદે નિર્દેશિત કરી છે. આ ફિલ્મ યશરાજની સ્પાય યુનિવર્સનો હિસ્સો હશે.
કરીના કપૂર પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપી રહી હતી. કાર્યક્રમ દરમ્યાન પત્રકારોએ બોયકોટ બોલીવુડના ટ્રેન્ડ પર કરીના કપૂરને પ્રશ્ન કર્યો હતો. કરીનાએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તે બોયકોટના ટ્રેન્ડ સાથે સહમત નથી. પઠાનની તરફેણમાં કરીના કપૂર ખાને પત્રકારોને જ પૂછ્યું હતું કે જો ફિલ્મો જ નહીં હોય તો આપણી પાસે આનંદ કરવા માટેના અન્ય કયા વિકલ્પો બચ્યા છે?
“દરેકને જીવનમાં આનંદ અને સુખ જોઈતું હોય છે, અને કાયમ ફિલ્મોએ આપણને એ આનંદ અને સુખ આપ્યું છે.” તેમ કહેતાં કરીના કપૂરે સોશિયલ મીડિયા પર બોયકોટ બોલીવુડ ટ્રેન્ડની ટીકા કરી હતી.
ફિલ્મ અને ટીવી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ સોશિયલ મીડિયામાં બોલીવુડ વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો અને ઉપરોક્ત ટ્રેન્ડ શરુ થયો હતો. મુખ્યત્વે બોલીવુડમાં ચાલતો ભાઈભત્રીજાવાદ અને હિંદુ ધર્મના સતત થતાં અપમાન વિરુદ્ધ આ ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં કાયમ ચાલતો જોવા મળે છે.
છેલ્લા અમુક સમય દરમ્યાન ભારત વિરોધી નિવેદન આપનાર કલાકારોની ફિલ્મો માટે પણ આ પ્રકારનો ટ્રેન્ડ ચલાવાયો છે. ગત વર્ષના અંતમાં રીલીઝ થયેલી આમીર ખાન અને કરીના કપૂર ખાનની જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે પણ આ પ્રકારનો ટ્રેન્ડ ચાલ્યો હતો અને ફિલ્મ સુપર ફ્લોપ થઇ હતી. આ વિરોધ માટે આમીર ખાનના અમુક વર્ષ પહેલાં ભારતમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાના નિવેદનને કારણ ગણવામાં આવ્યું હતું.
કાંઇક આજ પ્રકારનું નિવેદન શાહરૂખ ખાન દ્વારા પણ આપવામાં આવ્યું હોવાનો આરોપ સોશિયલ મીડિયામાં વારંવાર લગાડવામાં આવતો હોય છે. હવે શાહરૂખની પઠાન રીલીઝ થવાના આરે છે ત્યારે ફરીથી બોયકોટ બોલીવુડ ટ્રેન્ડની સાથે બોયકોટ પઠાનનો ટ્રેન્ડ પણ શરુ થઇ ગયો છે. આથી બોલીવુડ ઉદ્યોગમાં ચિંતા પેઠી છે.
આટલું ઓછું હોય તેમ પઠાનના એક ગીત બેશર્મ રંગમાં દીપિકા પદુકોણને કેસરી કલરની બીકીની પહેરાવી હોવાને કારણે પણ હિંદુ સમાજના લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાનું એલાન આપી દીધું છે. આવા સંજોગોમાં લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં નિષ્ફળતાનો સ્વાદ ચાખી જતાં પઠાનની તરફેણમાં કરીના કપૂર ખાન આવે તે સ્વાભાવિક છે.