Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યલોકસભા 2024ની ચૂંટણી ભલે હજી દૂર છે પરંતુ ભારતના વિપક્ષે તેની તૈયારી...

    લોકસભા 2024ની ચૂંટણી ભલે હજી દૂર છે પરંતુ ભારતના વિપક્ષે તેની તૈયારી અત્યારથી જ શરુ કરી દીધી છે

    એક કારણ એ છે કે ફરીથી એક એવા પ્રકારની ડોક્યુમેન્ટ્રી આવી ગઈ છે જે 2002નાં ગુજરાતના તોફાનોની વાત કરે છે અને બીજું કારણ એ છે કે તેને BBC દ્વારા નિર્મિત કરવામાં આવી છે જે સંસ્થા કટ્ટર મોદી વિરોધી અને ભારત વિરોધી છે

    - Advertisement -

    જુન-જુલાઈ 2024 ને? એ તો હજી કેટલાં દૂર છે નહીં? આ પ્રશ્નોના ઉત્તર હા અને ના બંનેમાં આવી શકે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી લોકસભાની ચૂંટણીઓ જુન અને જુલાઈમાં જ આયોજિત થતી હોય છે અને આવનારી લોકસભાની ચૂંટણી પણ આ જ મહિનાઓમાં યોજાશે. આથી હાલની સરકારને તેની યોજનાઓને પૂર્ણ કરવામાં અથવાતો એના અમલીકરણ માટે અને પછી તેના પ્રચાર માટે હજી ઘણો સમય છે. વિપક્ષ માટે હવે સમય આવી ગયો છે કે તે લોકસભા ચૂંટણીઓ 2024 માટે પોતે કેવી રીતે સજ્જ થશે તે અંગે વિચારવાનો. આથી જો આ સંદર્ભે કહીએ તો ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આવશે ના.

    પરંતુ જો સમાન્ય જનતાની વાત કરીએ કે બીજા શબ્દોમાં ભારતીય મતદારોની વાત કરીએ તો જુન અને જુલાઈ ખરેખર દૂર છે કારણકે તેમનાં માટે અત્યારે ચૂંટણીઓ એટલું મહત્વ ધરાવતી નથી અને તે આ વર્ષના અંતે અથવાતો નવાં વર્ષની શરૂઆતે આ બાબતે પોતાની વિચારણા શરુ કરી શકે છે. જો કે ચૂંટણી હોય કે ન હોય પોતાના પ્રોપેગેન્ડાને ફેલાવવા માટે સદાય તૈયાર એવી લેફ્ટ-લિબરલ જમાતે અત્યારથી જ કાટ ખાઈ ગયેલી તેની મશીનરીમાં તેલ પુરવાનું કામ શરુ કરી દીધું છે.

    એ કહેવામાં જરાય સંકોચ નથી કે BBC દ્વારા તૈયાર કરવામાં આવેલી અને પ્રસારિત કરવામાં આવેલી મોદીદ્વેષી ડોક્યુમેન્ટ્રી ન તો જોઈ છે કે ન તો જોવાની કોઈ ઈચ્છા છે. આ પ્રકારની ડોક્યુમેન્ટ્રી ન જોવા પાછળ કેટલાંક કારણો છે. એમાંથી એક કારણ એ છે કે ફરીથી એક એવા પ્રકારની ડોક્યુમેન્ટ્રી આવી ગઈ છે જે 2002નાં ગુજરાતના તોફાનોની વાત કરે છે અને બીજું કારણ એ છે કે તેને BBC દ્વારા નિર્મિત કરવામાં આવી છે જે સંસ્થા કટ્ટર મોદી વિરોધી અને ભારત વિરોધી છે તે આપણે તમામ છેલ્લાં ઘણાં વર્ષોથી જાણીએ જ છીએ. આથી આ લેખમાં આપણે એ ડોક્યુમેન્ટ્રી શું છે, તેમાં શું કહેવાયું છે અને તે કેવી બની છે તેનાં વિષે કોઈજ ચર્ચા નહીં કરીએ.

    - Advertisement -

    અંગ્રેજીમાં એક રૂઢીપ્રયોગ છે – flogging the dead horse, એટલેકે મરેલા ઘોડાને ચાબુક મારી મારીને તેને દોડતા કરવાનો પ્રયાસ. લોકસભા ચૂંટણીઓ 2024 માટે અત્યારથી જ લાગી પડેલી લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમ ફરીથી 2002 અનુગોધરા તોફાનોની ચર્ચા કરીને અને નરેન્દ્ર મોદીને બદનામ કરીને કેવી રીતે તેને હરાવવા તેનો પ્રયાસ શરુ કરી ચુકી છે તે મરેલા ઘોડાને ચાબુક મારીને ફરીથી તેને દોડતો કરવા સિવાય બીજું શું છે?

    એક ગુજરાતી તરીકે આપણે સહુ જાણીએ છીએ કે 2002ના ગુજરાતનાં રમખાણો એ ગુજરાતના ઈતિહાસ પર લાગેલી કાળી ટીલી છે. પરંતુ એક ગુજરાતી તરીકે આપણે એ પણ જાણીએ છીકે કે 1985માં કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન શરૂઆતનું અનામત વિરોધી આંદોલન કેવી રીતે કોમી રમખાણોમાં પરિવર્તિત થઇ ગયું હતું અને તે 2002 કરતાં પણ વધુ ભયંકર હતું. તો આપણને એ પણ  યાદ છે કે 1992માં કોંગ્રેસી મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર હતી તે દરમ્યાન થયેલાં કોમી રમખાણો ઉપરોક્ત બંને રમખાણો કરતાં કેટલાં વધુ ભયાનક હતાં.

    એક અન્ય હકીકત પણ આપણે સર્વે સ્વીકારીએ છીએ કે 2002નાં રમખાણો એ ગોધરામાં એક બોગીમાં સળગાવેલાં 59 કારસેવકોની ક્રિયાની પ્રતિક્રિયા માત્ર હતી. આ તમામ હકીકતો કાયમ પડદા પાછળ જતી રહેતી હોય છે જ્યારે આ લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમ ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવા માટે અનુગોધરા રમખાણોની ચર્ચા કરતી હોય છે. આપણને એ પણ ખ્યાલ છે કે 2002ના રમખાણોને તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાબુમાં લેવાં જે ત્વરિત પગલાં લીધાં હતાં તે ત્વરિતતા અનુક્રમે 1985 અને 1992માં ગેરહાજર હતી.   

    આ રીતે જોવા જઈએ તો ઉપર કહેલી વાતો જ સત્ય અને યોગ્ય છે જે પેલી ઈકોસિસ્ટમ 2002ના રમખાણોની ચર્ચા કરતી વખતે વિસરી જતી હોય છે. પરંતુ તેમને એવું લાગે છે કે આ જ ચર્ચાને ફરીને અને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેને ઉઠાવવાથી તેઓ નરેન્દ્ર મોદી, ગુજરાત અને હવે ભારતની ઈમેજને બટ્ટો લગાડી શકશે.  BBCની ડોક્યુમેન્ટ્રી જે અનુગોધરા રમખાણોની વાત કરે છે તે ભારતની લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમને સમર્થન કરતાં વિદેશી હાથ સિવાય બીજું કશું જ નથી.

    છેલ્લા બે દાયકાથી પહેલાં ગુજરાત અને હવે ભારતમાં એક વ્યવસ્થિત શાસન આપીને વડાપ્રધાન તરીકે એક વખત નહીં પરંતુ બે-બે વખત બહુમતી મત મેળવીને ચૂંટાયેલા નરેન્દ્ર મોદીને આ રીતે ખરાબ ચિત્રિત કરીને તેઓ આવનારી લોકસભા ચૂંટણીઓ 2024માં પોતાના પક્ષે મતદારોને ફેરવી શકશે એવું માનતા હોય તો તેમને એ હકીકતની જાણ નથી કે છેલ્લાં બે દાયકામાં ભારતની પ્રજા આગળ વધી ગઈ છે.

    2002થી જ તમામ ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓમાં આજ મુદ્દો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને દર વખતે નરેન્દ્ર મોદી અને ભાજપ વધુને વધુ બેઠકો મેળવીને વધુને વધુ મજબુત થતાં રહ્યાં છે. ગત મહીને જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો જાહેર થયાં હતાં જેમાં નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી ન હોવાં છતાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો મેળવીને જે ઐતિહાસિક જીત મેળવી હતી તે ગુજરાતના મોદીકાળમાં પણ શક્ય બની ન હતી. રાષ્ટ્રીય સ્તરે પણ 2014માં ભાજપે એકલે હાથે 282 બેઠકો મેળવી હતી જે સ્પષ્ટ બહુમતી હતી અને 2019માં તેણે પહેલી વખત 300નો આંકડો પસાર કરીને 303 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીઓમાં પણ 2002ના રમખાણોનું માર્કેટિંગ વિપક્ષ અને પેલી ઈકોસિસ્ટમ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ ભાજપે અગાઉ કરતાં વધુ બેઠકો જીતવામાં સફળતા મેળવી જ હતી.

    તો, કહેવાનો અર્થ અહીં એ છે કે આ પ્રકારનું નાટક વારંવાર કરીને અથવાતો આ અંગે કોઈ વિદેશી મીડિયા, વ્યક્તિ કે સંસ્થાની મદદ લઈને ભારતની વિપક્ષી પાર્ટીઓ જેવી કે કોંગ્રેસ, ટીએમસી, એસપી, આરજેડી, કે આપ અને લેફ્ટ વગેરે લોકસભા ચૂંટણીઓ 2024 માટે ભારતીય મતદારોને મોદી વિરુદ્ધ ઉશ્કેરી શકશે એ અશક્ય છે. હા આ વિપક્ષો પોતે મુસ્લિમોના એક માત્ર સંરક્ષક છે એ પ્રકારનું ચિત્ર ફરીથી ઉભું જરૂર કરી શકશે પરંતુ ભારતની બહુમતી આ પ્રકારના વિપક્ષોથી હવે દૂર થઇ ગઈ છે એ પણ એટલું જ સત્ય છે.

    એક અતિ મહત્વનો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે ભારતની જનતા શા માટે BBCનું કહ્યું માને (અને BBC છે કોણ?) જ્યારે ભારતની સુપ્રિમ કોર્ટ અનેક વખત નરેન્દ્ર મોદીને 2002ના રમખાણોના કેસમાં ક્લીન ચીટ આપી ચુકી છે? હજી ગયા વર્ષે જ ઝાકિયા જાફરીની એ ફરિયાદ કે નરેન્દ્ર મોદી પર આ બાબતે કેસ ચલાવવો જોઈએ, સુપ્રિમ કોર્ટે તે અરજીને પણ ફગાવી દીધી છે. ભારતની જનતા છેલ્લા બે થી અઢી દાયકામાં બૌદ્ધિક રીતે પણ જાગૃત થઇ છે.

    આપણે જાણીએ છીએ કે સત્ય શું છે અને શું નથી. કોણ આપણને સત્ય કહે છે, અડધું સત્ય કહે છે, અસત્ય કહે છે કે અડધું અસત્ય કહે છે તેની આપણને સુપેરે સમજણ છે જ. ભારતમાં જે રીતે સોશિયલ મીડિયાનો વિસ્ફોટ થયો છે તેણે પણ ભારતીયોમાં વધુ જાગૃતિ ફેલાવી છે, તેમને વધુ સારી રીતે માહિતગાર કર્યા છે, અને તેમને તેમની વિચારશક્તિ અને નિર્ણયશક્તિ બાબતે વધુ ચોક્કસ કર્યા છે. હવે આવી પરિસ્થિતિમાં જો તમે હજી પણ એમ વિચારો છો કે 2002ની વાત લાવીને તમે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીઓ 2024 ને અંતે હરાવી શકશો તો તમે મૂર્ખાઓના સ્વર્ગમાં રાચો છો.

    ફક્ત ભારતની જ વાત નથી પરંતુ વિદેશી નાગરિકો અને રાષ્ટ્રાધ્યક્ષો હવે નરેન્દ્ર મોદીને અલગ રીતે જ જુએ છે. એ વાત જુદી છે કે પોતાને સરળતા રહે તેવું પ્લેટફોર્મ આપતી સરકાર 2004 થી 2014 સુધી રહી એટલે આ ઈકોસિસ્ટમને આ દાયકામાં નરેન્દ્ર મોદીની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરાબ કરવામાં સફળતા મળી હતી. પરંતુ જ્યારથી મોદીએ ભારતનું શાસન સંભાળ્યું છે, જમીનીસ્તરે બાબતો બદલાઈ રહી છે અને હવે વિશ્વના અનેક નેતાઓ તેમને વિશ્વના સહુથી મજબુત નેતા તરીકે જોઈ રહ્યાં છે જે વૈશ્વિક વિચારધારા બદલવા માટે સક્ષમ છે.

    નરેન્દ્ર મોદીએ ફક્ત ભારતની સરહદો જ વધુ મજબુત નથી બનાવી પરંતુ તેમણે દેશમાં થતાં આતંકવાદી હુમલાઓનો જવાબ આતંકીઓના આકાઓના ઘરમાં ઘુસી જઈને આપવાની હિંમત પણ દેખાડી છે. મોદીના શાસનકાળમાં બે મોટા આંતકવાદી હુમલાઓ દેશની સેના પર થયા છે અને બંને વખતે નરેન્દ્ર મોદી સરકારે આ હુમલાખોરોને રક્ષણ આપતા પાકિસ્તાનમાં ઘુસી જઈને તેનો જવાબ આપ્યો છે.

    આ જ સરકારે હિંમત દાખવીને 370 અને 35A નામની કલમોને નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યને જે ખાસ સગવડો મળતી હતી તેને બંધ કરાવીને આ રાજ્યને દેશના અન્ય રાજ્યો જેવી જ સમાનતા અપાવી. આટલું જ નહીં પરંતુ કોરોનાકાળમાં ગરીબ અને ત્રીજા વિશ્વના દેશોને કોરોના વિરોધી રસી વિનામૂલ્યે પહોંચાડીને અહીંની જનતાના હ્રદય પણ નરેન્દ્ર મોદીએ જીતી લીધાં છે.

    આજના સમયમાં રાજકીય વિચારો બદલવામાં અમુક કલાકો જ લાગે છે ત્યારે બે દાયકા તો બહુ લાંબો સમય કહેવાય. હા ભારતીય સમાજનો અમુક વર્ગ કદાચ હજી પણ 2002માં જ જીવવા માંગે છે, પરંતુ દેશની બહુમતી પ્રજા આગળ વધી ગઈ છે. ભારત અત્યારે અંદર અને બહાર બંને રીતે વિકાસ કરી રહ્યું છે પરંતુ લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમ આ પરિવર્તન ઇચ્છતી નથી અથવાતો પોતે આ પરિવર્તનનો હિસ્સો બનવા માંગતી નથી. જો આવું હશે તો ભારતીયો આગળ વધવા માટે તેમની રાહ જોવા હવે તૈયાર નથી.

    વ્યક્તિગત રીતે BBCની આ ડોક્યુમેન્ટ્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ શરુ થનારા બદનામીના પ્રચારનો પ્રથમ ભાગ છે તે સ્પષ્ટ છે અને હજી તો આવું આપણે ઘણું આવનારા દોઢ વર્ષમાં એટલેકે લોકસભા ચૂંટણીઓ 2024 અગાઉ જોવાનું છે. આ બાબતે પ્રથમ હુમલો વિદેશી મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે અને હવે દેશની અંદરથી પણ આવા હુમલાઓ આવશે, જે દેશનાં દરેક રાજ્યમાં પ્રસરેલી ઈકોસિસ્ટમ ભાજપના નવ વર્ષના શાસન બાદ પણ તેની મજબુતાઈનાં દર્શન આપણને કરાવશે.

    પરંતુ જમીન પર આ બાબતે કોઈજ અસર પડવાની નથી. નરેન્દ્ર મોદીને પ્રજાલક્ષી ઘણી યોજનાઓ સફળતાપુર્વક અમલમાં મૂકી છે જેનો લાભ દરેક ભારતીયને ધર્મ કે જાતિના ભેદભાવ વગર મળ્યો છે. આથી બહાર અને અંદર રહેલી મોદી વિરોધી તાકાતો BBC ડોક્યુમેન્ટ્રી જેવા ઝેરીલા પ્રચારથી ભારતીય મતદારોનું મન જ્યારે તેઓ લોકસભા ચૂંટણી 2024 માટે જુન અને જુલાઈ મહિનામાં મતદાન કરવા જશે ત્યાં સુધીમાં બદલી નહીં જ શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં