રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના બીજા એક મોટા નેતા સચિન પાયલટ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે. બંને નેતાઓ અને તેમના જૂથો વચ્ચે વિવાદની ખબરો સામે આવતી રહે છે ત્યારે હવે સચિન પાયલટે એક નિવેદન આપ્યું છે. તેમણે પેપર લિકને લઈને રાજ્યની પોતાની જ પાર્ટીની ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું.
સચિન પાયલટે ગેહલોત સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, વારંવાર આવું (પેપર લીક) થઇ રહ્યું છે, તેનો ઉપાય શોધવો જોઈએ. કોઈ માસ્ટરમાઈન્ડ તો હશે જ. આપણે એ લોકો સામે એક્શન લેવી જોઈએ જેથી આગળ કોઈ આવું કામ ન કરી શકે. તેમણે એવું પણ કહ્યું કે નાની-મોટી દલાલી કરનારાઓની જગ્યાએ મુખ્ય સૂત્રધારોને પકડવામાં આવવા જોઈએ.
સચિન પાયલટ રાજસ્થાનના નાગૌરમાં એક ખેડૂત સંમેલન યોજી રહ્યા હતા. ત્યાં તેમણે આ વાતો કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ યુવાનોના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે, હું જ્યારે અખબાર વાંચું છું તો જોઉં છું કે આપણા પ્રદેશમાં અનેક પ્રશ્નપત્ર લીક થઇ ગયા છે. ક્યારેક પરીક્ષા રદ થઇ ગઈ છે. આવું વાંચીને મન દુઃખી થાય છે, પીડા થાય છે.
લાખો યુવાનો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમ કહીને પાયલટે કહ્યું કે ગામમાં જ્યારે ગરીબ નવયુવાન તૈયારી કરે છે તો તેના માતા-પિતા અને પરિવારને પીડા અને મુશ્કેલીઓ વેઠવી પડે છે. દિવસ-રાત કરીને પૈસા ભેગા કરે છે અને યુવાનો વિપરીત પરિસ્થિતિઓમાં વાંચન કરીને પતિક્ષાની તૈયારીઓ કરે છે અને પછી આવું પ્રકરણ સામે આવે તો મનમાં પીડા થાય છે.
તેમણે કહ્યું કે, યુવાનોમાં વિશ્વાસ પેદા કરવા માટે સરકારે પેપર લીક કરનારાઓ પર પગલાં લેવા જોઈએ.
સચિન પાયલટની ટિપ્પણીઓને લઈને રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંઘ ખાચરિયાવાસે કહ્યું કે, સચિન પાયલટજી અમારી પાર્ટીના પૂર્વ ઉપમુખ્યમંત્રી છે અને તેઓ જે આરોપીનું નામ આપશે તેને છોડવામાં આવશે નહીં. પાયલટ સાહેબ અમારા પરિવારના સભ્ય છે. તેમની પાસે કોઈ સૂચન હોય તો અમે લઈશું. તેઓ અમારા વરિષ્ઠ નેતા છે, અમને કોઈ વાંધો નથી.”
રાજસ્થાનમાં થોડા સમય પહેલાં સેકન્ડ ગ્રેડ ટીચર રિક્રુટમેન્ટ એક્ઝામના પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે ગેહલોત સરકાર પર ખૂબ માછલાં ધોવાયા હતા.