દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયરની સાથે 6 સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી આજે (6 જાન્યુઆરી 2023) થવાની હતી, પરંતુ જાણે MCD રણભૂમિ બન્યું હોય તેમ AAP અને ભાજપના કોર્પોરેટરો વચ્ચેના હોબાળાને કારણે ચૂંટણી પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી. હાલમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આટલું જ નહીં આ હોબાળા દરમિયાન ધક્કામુક્કી થઇ અને ખુરશીઓ પણ ઉછળી હતી. દિલ્હીના મેયરની ચૂંટણી પહેલા MCD રણભૂમિ બન્યું તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યાં છે.
#WATCH | Delhi: BJP and AAP councillors clash with each other and raise slogans against each other ahead of Delhi Mayor polls at Civic Centre. pic.twitter.com/ETtvXq1vwM
— ANI (@ANI) January 6, 2023
મહાનગરપાલિકાની કાર્યવાહી કેમ મોકૂફ રાખવામાં આવી?
વાસ્તવમાં આજે મહાનગરપાલિકાની કાર્યવાહીમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવાની હતી. પણ દિલ્હીના મેયરની ચૂંટણી પહેલા MCD ખાતે પહેલા પ્રિસાઇડિંગ ઓફિસરની ચૂંટણી કરવામાં આવી હતી. આ પછી, પ્રિસાઇડિંગ ઓફિસરે પહેલા નામાંકિત કાઉન્સિલરોને શપથ લેવા માટે બોલાવ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ હોબાળો શરૂ કર્યો હતો. AAP તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભાજપ 10 નોમિનેટેડ કાઉન્સિલરોને મતદાન અધિકાર આપવાનું કાવતરું કરી રહ્યું છે.
AAPને રાજકીય સમીકરણ બગડવાનો ડર કેમ?
આમ આદમી પાર્ટીની મુખ્ય ચિંતા દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા એલ્ડરમેન (નોમિનેટેડ મેમ્બર)ની નિમણૂકને લઈને MCDમાં સમીકરણ બગડશે તેની છે. ઉપરાજ્યપાલ દ્વારા MCDમાં કાઉન્સિલર તરીકે જે 10 લોકોને નોમિનેટ કરવામાં આવ્યા છે તેઓ ભાજપ સાથે સીધા સંબંધિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપ આ વખતે વિપક્ષમાં છે. આવી સ્થિતિમાં આ નામાંકિત કાઉન્સિલરોની હાજરી MCDમાં ભાજપને રાજકીય તાકાત આપી શકે તેમ છે.
જોકે નામાંકિત કાઉન્સિલરો મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા, પરંતુ સ્થાયી સમિતિના સભ્યો અને ઝોન ચેરમેનની ચૂંટણીમાં તેઓ મતદાન કરી શકે છે. તેના કારણે MCDમાં નીતિગત નિર્ણય લેનારી સ્થાયી સમિતિમાં AAPના સમીકરણો ખોરવાઈ શકે છે. ઝોનલ ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળશે. આ કારણોસર AAP રઘવાઈ થઇ છે.
બહુમતી ન હોવા છતાં ભાજપે મેયર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતર્યા
નોંધનીય છે કે દિલ્હીની તાજેતરમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPને બહુમતી મળી છે. જોકે, બીજી તરફ વિપક્ષમાં બેઠેલા ભાજપે મેયર પદ માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. ભાજપે તેના વરિષ્ઠ નેતા રેખા ગુપ્તાને મેયરની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. રેખા ગુપ્તા ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. આ સાથે જ AAPએ કાઉન્સિલર શૈલી ઓબેરોયને મેયરના ઉમેદવાર બનાવ્યા છે.
આ ચૂંટણીમાં કેટલાક ધારાસભ્યો અને સાંસદો પણ મતદાન કરશે. દિલ્હી વિધાનસભામાં સંખ્યાત્મક સંખ્યાના આધારે, 14 નામાંકિત ધારાસભ્યોમાંથી 13 AAPના છે. તેઓ મેયરની ચૂંટણીમાં મતદાન કરશે. તો બીજી તરફ 10 સાંસદોને પણ મતદાનનો અધિકાર છે. જેમાંથી 7 ભાજપના અને 3 AAPના રાજ્યસભા સાંસદ છે.
એ જ રીતે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 274 કાઉન્સિલરોને મત આપવાનો અધિકાર છે. જેમાંથી 150 કોર્પોરેટર AAPના છે જ્યારે ભાજપના 113 કોર્પોરેટરો છે. આવી સ્થિતિમાં મેયરની ચૂંટણી મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે MCDમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થતો નથી અને વ્હીપ પણ કામ નથી કરતું.