અમદાવાદ પોલીસે ડ્રગ્સ વિરોધી ડ્રાઈવમાં છેલ્લા કેટલાક દિવસમાં ઘણા આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. 21 તારીખે મોડી રાત્રે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 71.28 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે એક 19 વર્ષનો ડ્રગ પેડલર સોહેલ મન્સૂરી ઝડપી પડાયો હતો. આ યુવક પોતાના ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો, જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જડપી પાડેલ આરોપીનું નામ મોહમ્મદ સોહેલ મન્સૂરી છે. મૂળ અમદાવાદના ફતેવાડી વિસ્તારનો રહેવાસી સોહેલ છેલ્લા બે વર્ષથી કેફે પર ડ્રગ્સનું છૂટક વેચાણ ગેરકાયદેસર રીતે કરતો હતો. અમદાવાદમા ડ્રગ્સનુ નેટવર્ક વધતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમા સર્ચ કરી રહી હતી. ત્યારે મકરબામાં ખાણીપીણીની લારીઓ નજીક મોહમ્મદ સોહેલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા તેની પાસેથી 71.28 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ સિંધુભવન રોડ ઉપરથી પકડેલા કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની તપાસ કરતા આ ખુલાસો થયો હતો. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 13 જેટલા શખ્સોની અટકાયત કરતા સામે આવ્યું હતું કે, કેફે પર આસાનીથી કેવી રીતે ડ્રગ્સ લેનારાઓને આ ડ્રગ્સ મળી રહેતું તેનો ખુલાસો થયો હતો.
છેલ્લા 3 વર્ષથી સોહેલ મન્સૂરી પણ MD ડ્રગ્સનું સેવન કરતો હતો. છેલ્લા 6 માસથી એમડી ડ્રગ્સ ખરીદી લાવી નાની-નાની જીપર બેગ બનાવી છૂટક વેચતો હતો. મહત્વનું છે કે પોલીસને ડ્રગ પેડલર સોહેલ પાસેથી મોટી 50 ગ્રામની જીપર પણ મળી આવી હતી. સોહેલ સાંજથી મકરબા વિસ્તારમાં ખાણીપીણીની જગ્યા ઉપર મોડી રાત સુધી MD ડ્રગ્સની નાની નાની 1 ગ્રામની જીપર 2000થી 2500ના ભાવમાં વેચતો હતો. મોબાઈલ પર ગ્રાહકોનો સંપર્ક કરીને ડ્રગ્સનો વેપાર કરતો હતો.
અમદાવાદમા આવા ડ્રગ પેડલર્સ યુવાપેઢીને બરબાદ કરી રહ્યા છે. કાફે હોય કે ખાણીપીણી બજાર હોય ત્યાં ડ્રગ પેડલરોનુ નેટવર્ક સક્રીય જાણવા મળ્યું છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સ પેડલરો અને માફીયા વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ ક્રાઈમ બ્રાંચે સિંધુભવન રોડ ઉપરથી કેટલાક નાના ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સના બંધાણીઓની સર્ચ કરતા 13 જેટલા લોકોની અટકાયત કરી હતી. ત્યારે વધુ એક પેડલરને પકડવામા ક્રાઈમ બ્રાંચને સફળતા મળી. આ પેડલર ડ્રગ્સ કયાથી લાવતો હતો અને તેના નેટવર્કને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સનો જથ્થો આરોપી રામોલના આમીન નામના શખ્સ પાસેથી ખરીદીને લાવ્યો હતો એ જાણવા મળ્યું હતું. આ ડ્રગ્સ આરોપી વેચાણ માટે જ લાવ્યો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે 19 વર્ષના યુવક વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ કરી રહી છે. જોકે આરોપીએ અગાઉ ડ્રગ્સ લાવીને વેચ્યું હતું કે કેમ તથા અન્ય કોણ કોણ આમાં સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પહેલા પણ ઘણા નાના મોટા ડ્રગ પેડલર ઝડપી પડાયા હતા. આ સાથે હવે પોલીસ કાર્યવાહી વધુ ઝડપ પકડે એવી સંભાવના છે.