Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટીએમસી નેતા સાકેત ગોખલેનો ગેરમાર્ગે દોરતો દાવો- એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને કેન્દ્ર...

    ટીએમસી નેતા સાકેત ગોખલેનો ગેરમાર્ગે દોરતો દાવો- એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને કેન્દ્ર રાજ્યો પર બોજો નાંખી રહ્યું છે; જાણો શું છે સત્ય

    નાણામંત્રીને ‘સ્પિન ડોક્ટર’ ગણાવીને સાકેત ગોખલેએ દાવો કર્યો કે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારોના ખજાનાને નુકસાન થશે.

    - Advertisement -

    રવિવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. જે મામલે નાણામંત્રી નિર્મલા સીતારમને ટ્વિટર ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી. આ મામલે તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે દ્વારા ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નાણામંત્રીના આ નિર્ણય અંગે ટિપ્પણી કરી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. 

    પોતાના ટ્વિટમાં નાણામંત્રીને ‘સ્પિન ડોક્ટર’ ગણાવીને સાકેત ગોખલેએ દાવો કર્યો કે સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારોના ખજાનાને નુકસાન થશે. ગોખલે અનુસાર, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો તેનો અર્થ એ થયો કે કેન્દ્ર અને રાજ્ય બંનેએ બોજો સહન કરવો પડશે અને જેના કારણે રાજ્યોને ઓછી એક્સાઈઝ ડ્યુટી મળશે.

    સાકેત ગોખલે અનુસાર, ઇંધણ પર લાગુ થતી એક્સાઈઝ ડ્યુટી પર રાજ્યોનો હિસ્સો 42 ટકા જેટલો છે. હવે ગઈકાલના ઘટાડા બાદ રાજ્યોને પેટ્રોલ પર 2.52 રૂપિયા/લિટર અને ડિઝલ પર 3.36 રૂપિયા લિટરનો માર પડશે.

    - Advertisement -

    આ ઉપરાંત, ફેક ન્યૂઝ ફેલાવવા માટે જાણીતા સાકેત ગોખલેએ એવો પણ દાવો કર્યો કે નાણામંત્રીએ ઇંધણ પર લાગુ કરવામાં આવતા સેસ પર ઘટાડાની જાહેરાત નહતી કરી, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરે છે. 

    જોકે, પૂર્વ કોંગ્રેસ ટ્રોલથી ટીએમસી નેતા બનેલા સાકેત ગોખલેનો આ દાવો- જેમાં તેઓ કહે છે કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી રાજ્યોની સરકારોને મળતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો  કરશે, સંપૂર્ણપણે ખોટો છે.

    શું એક્સાઈઝ દરમાં ઘટાડાના કારણે રાજ્યોની ટેક્સની આવકમાં ફેર પડશે?

    આનો ટૂંકો જવાબ છે- ના. હવે જાણીએ કે કઈ રીતે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે તેનાથી રાજ્યોની ટેક્સ થકી થતી આવકમાં કોઈ ફેર પડશે નહીં. 

    દેશની કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન પર ટેક્સ લગાવે છે. જ્યારે રાજ્યો તેના વેચાણ પર ટેક્સ લાગુ કરે છે. કેન્દ્ર સરકાર હાલ પેટ્રોલ અને ડિઝલની વેચાણ કિંમત પર અનુક્રમે 31 ટકા અને 34 ટકા ટેક્સ લાગુ કરે છે. ઉપરાંત, પેટ્રોલ પર 4 ટકા અને ડિઝલ પર 3 ટકા ડીલર કમિશન હોય છે. આ ઉપરાંત, દેશની રાજ્ય સરકારો ઇંધણ પર VAT (Value added tax) લાગુ કરે છે, જે દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. 

    તદુપરાંત, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીના બે પ્રકારો છે. એક બેઝિક એક્સાઈઝ ડ્યુટી અને બીજો પેટ્રોલ અને ડિઝલ પર લાગતો સેસ. કર હસ્તાંતરણ પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકર પોતે લગાવેલા કરનો કેટલોક હિસ્સો રાજ્યો સાથે શૅર કરે છે. જ્યારે એક્સાઈઝ ડ્યુટીનો બાકીનો હિસ્સો અને સેસ પોતે ભોગવે છે. 

    આ ઉપરાંત, એડિશનલ એક્સાઈઝ ડ્યુટી પણ હોય છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ઘટતા ભાવના કારણે ઇંધણ કંપનીઓ મૂળ કિંમતમાં ઘટાડો કરે છે ત્યારે સમયે-સમયે કેન્દ્ર સરકાર એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કરતી રહે છે. જોકે, પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ફન્ડિંગ માટે કેન્દ્ર સરકાર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરી તેને શૂન્ય કરી નાંખે છે.

    તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ ઘટાડો એક્સાઈઝ ડ્યુટીમાંથી નહીં પરંતુ એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવ્યો છે, જેનો હિસ્સો રાજ્યો સાથે શૅર કરવામાં આવતો નથી. જેથી આ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર પોતે જ વહન કરશે. 

    વધુમાં, સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારે માત્ર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને સેસમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ આ દાવો પણ ખોટો છે કારણ કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ટેક્સ ઘટાડા બાદ સેસના દરોમાં પણ ઘટાડો થશે. જે પણ રાજ્યોને કર દ્વારા થતી આવક પર અસર કરશે નહીં.

    જોકે, કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કર્યા બાદ આવી જ ખોટી માહિતી કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ ફેલાવી હતી. જોકે, ત્યારબાદ કેન્દ્ર દ્વારા પરિપત્ર જારી થયો તે બાદ તેમણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજ કેન્દ્ર સરકાર જ વહન કરશે. 

    પી ચિદમ્બરમેં ટ્વિટ કરીને કહ્યું, “નાણામંત્રીએ એક્સાઈઝ ડ્યુટી શબ્દ વાપર્યો હતો, પરંતુ ઘટાડો એડિશનલ એક્સાઈઝ ડ્યુટીમાંથી કરવામાં આવશે, જે રાજ્ય સરકારો સાથે શૅર કરવામાં આવતી નથી. જેથી ગઈકાલે મેં જે કહ્યું હતું તેનાથી વિપરીત ટેક્સ ઘટાડાનો સંપૂર્ણ બોજો કેન્દ્ર સરકાર દ્વારા જ વહન કરવામાં આવશે. હું ભૂલ સુધારું છું.” તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોની મૂળ આવક VAT પર આધારિત હોય છે અને એક્સાઈઝ ડ્યુટીમાં તેમનો હિસ્સો બહુ ઓછો હોય છે.

    જેથી સાકેત ગોખલે દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રીતે ખોટો સાબિત થાય છે અને માહિતી પણ ખોટી હોવાનું જાણવા મળે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં