ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત સફળતા બાદ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા તેમના મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ યોજાવાની છે. આ કર્યક્રમમાં ભાગ લેવા PM નરેન્દ્ર મોદી ગત રાતે જ ગુજરાત પહોંચી ચુક્યા હતા. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને 7 ભાજપશાષિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં ભાગ લેવાના છે.
ગાંધીનગરમાં બપોરે બે વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે, ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. https://t.co/dAYSx8UaCf pic.twitter.com/H5awNXOXsU
— BBC News Gujarati (@bbcnewsgujarati) December 12, 2022
અહેવાલો અનુસાર શપથવિધિની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, બચુ ખાબડ અને જગદીશ પંચાલ સહિતના નેતાઓને ફોન કરવામાં આવ્યા હતા.
ભુપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી પદની શપથ લેશે
પરિણામના દિવસે જ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી એમ સોમવાર, 12 ડિસેમ્બર, ના રોજ ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીમંડળનો શપથગ્રહણ સમારંભ યોજવાનો છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રાતે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
સંભવિત મંત્રીઓને ટેલિફોનિક જાણ કરાઈ
અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીમંડળમાં નવા અને જુના નામોનું બેલેન્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જે બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો.
શપથગ્રહણને મેગા ઇવેન્ટ બનાવવાની તૈયારી
ભુપેન્દ્રભાઈની શપથગ્રહણ વિધિ વખતે હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા CM, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. જ્યારે બીજા મંચ પર વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને અન્ય રાજ્યના CM બેસે એવી વ્યવસ્થા ઉભી કરાશે. એટલું જ નહીં ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે.
તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયુ છે. કુલ 8 તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, CMના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.